Apr 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-785

પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી જોવામાં આવે તો-"જીવ" (અહીં આત્મા) આકાશના જેવો અસંગ અને શૂન્ય-રૂપ છે,તથા પાષાણની જેમ "ના કાપી શકાય તેવો" (અચ્છેદ્ય) અને "બાળી ના શકાય તેવો" (અદાહ્ય) છે.
માત્ર તે "સાક્ષી-રૂપ" હોવાથી જે જે ચિત્તના ધર્મનો સંબંધ (જેમ કે શરીર-વગેરે) માં તે આત્મા દેખાય છે-તે-ભ્રાંતિ વડે મિથ્યા (ખોટો જ) "કલ્પાયેલો" છે.

તે ચિત્ત-રૂપી વૃક્ષનું થડ (હાડકા-સ્નાયુ-વગેરેથી બનેલો) આ દેહ છે,વાસના તેનો રસ છે,શાખાઓ ઇન્દ્રિયો છે,
જન્મ-મરણ-વગેરે અનેક અનર્થોથી ઉત્પન્ન કરનારા અને શુભ-અશુભ પુણ્ય-પાપ-રૂપ ફળોથી ભરેલા
તુચ્છ "ભોગો" જ એ ચિત્ત-રૂપી વૃક્ષની નાની નાની શાખાઓના સમૂહ-રૂપ છે.
આવા આ ચિત્ત-રૂપી-નઠારા-વૃક્ષની શાખાઓને છેદી નાખતાં નાખતાં,
તમે તેના મૂળને પણ ઉખેડી નાખવા અત્યંત યત્ન કરો.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,એ ચિત્ત-રૂપી વૃક્ષની ડાળીઓને છેદતાં છેદતાં,એવો તે કયો ઉપાય કરું?
કે જેથી તેના મૂળનો પણ સંપૂર્ણ નાશ થાય?

કુંભમુનિ કહે છે કે-આ ચિત્ત-રૂપી-વૃક્ષની,પુણ્ય-પાપ-રૂપી-ફળોને ડોલાવતી ડાળીઓ,તે વાસનાઓ જ છે.
તે વાસનાઓને (વિષયોમાંથી આસક્તિનો) ત્યાગ કરીને તેને ફરી ઉત્પન્ન જ ન થવા દેવામાં આવે-તો-તેઓ અંદર જ જ્ઞાનના બળથી છેદાઈ જાય છે.જે પુરુષ,પોતાના મનને સર્વત્ર આસક્તિ વગરનું કરી,વાદ અને વિચારોને પણ શમાવી દઈ,મૌન ધારણ કરી,પ્રાપ્ત થયેલું કાર્ય કરે જાય છે,તે પુરુષની ચિત્ત-રૂપી-લતા છેદાઈ ગયેલી જ હોય છે.

જે પુરુષ,પ્રથમ,ચિત્ત-રૂપી-લતાઓને,પોતાના પુરુષ-પ્રયત્નથી છેદી નાખી,છેદવાના કામમાં દૃઢ થઇ ગયો હોય છે,તે જ મનુષ્ય,તે (વૃક્ષના) મૂળને છેદી નાખવા યોગ્ય થાય છે.
શાખાઓને છેદી નાખવી એ ગૌણ કાર્ય છે અને મૂળને છેદી નાખવું એ મુખ્ય કાર્ય છે,માટે,
હે રાજા, તમે,એ ચિત્તને મૂળમાંથી જ બાળી નાખવા તૈયાર થાઓ,કે જેથી ચિત્ત-નાશ સિદ્ધ થઇ જશે.

શિખીધ્વજ કહે છે કે-હે મહારાજ,એ ચિત્ત-રૂપી-વૃક્ષના,
અહંકાર-રૂપી-બીજને બાળવાને માટે કયો અગ્નિ શક્તિમાન છે?
કુંભમુનિ કહે છે કે-"હું કોણ છું?" એ રીતે પોતાના આત્માનો વિચાર કરવો,
એ જ,આ ચિત્ત-રૂપી-વૃક્ષના અહંકારને બાળી નાખવામાં અગ્નિ-રૂપ છે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,મેં મારી બુદ્ધિ વડે એ સંબંધમાં પૂર્ણ રીતે ઘણીવાર વિચાર કર્યો છે,કે-
પૃથ્વી અને વન-સમૂહથી સુશોભિત આ જગત,એ જડ હોવાથી હું નથી,દેહ પણ જડ હોવાથી હું નથી તેમજ
જ્ઞાનેન્દ્રિય,કર્મેન્દ્રિય,મન,બુદ્ધિ,અહંકાર-એ પણ સર્વ જડ હોવાથી,તેમાંનું હું કશુંય નથી.
જેમ સુવર્ણમાં કડાપણું કલ્પી લેવામાં આવે છે,તેમ આ અનંત ચૈતન્ય-રૂપ-આત્મામાં "હું-તમે" ઇત્યાદિ અનેક વિકલ્પો કલ્પાયેલા છે.સર્વ જડ-પદાર્થોનું વાસ્તવિક રૂપ તપાસવા જવાથી,તે સાવ મિથ્યા જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE