Apr 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-778

હે શિખીધ્વજ રાજા,હવે "મને સ્ફટિકનો કકડો નહિ પણ ચિંતામણિ મળ્યો છે" એમ તમે પૂરી રીતે સમજ્યા હશો.
ઉપર પ્રમાણે,ચિંતામણિ મેળવવાના પ્રયત્નના જેવું વૃતાંત મેં તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવ્યું.તેમાંથી જે સારી રીતે સમજવાનું છે-તે તમે પોતાની મેળે બરાબર સમજી લઇ,જે તમને નિર્દોષ જણાય, તેને જ પોતાના ચિત્ત-રૂપી-ખજાનામાં દૃઢ રીતે ધારણ કરો.


(૯૧) હસ્તિકોપાખ્યાન નું તાત્પર્ય

ચૂડાલા કહે છે કે-હે શિખીધ્વજ રાજા,તત્વનું સારી રીતે જ્ઞાન થાય,એટલા માટે,
હવે વિન્ધ્યાચલના હાથીના (આગળ) વિસ્મયકારક વૃતાંતનું સ્પષ્ટ વિવેચન તમે સાંભળો.
તે વનમાં રહેલો મોટો હાથી,જે આગળ કહેવામાં આવ્યો છે-તે આ ભૂતલ (પૃથ્વી)માં રહેલા તમે પોતે જ છો,
અને જે તેના બે ધોળા દાંત કહેવામાં આવ્યા છે-તે અહી,વૈરાગ્ય અને વિવેક સમજવાના છે.
હાથીને બંધનમાં નાખવાને તૈયાર થયેલો મહાવત -જે કહેવામાં આવ્યો છે-
તે તમને બંધનમાં નાખનારું અને દુઃખ દેનારું અજ્ઞાન જ આ પ્રસંગ માં સમજવું.

હે રાજા,તમે શક્તિશાળી છો,પણ, અજ્ઞાન એવું શક્તિશાળી નથી.છતાં તાકાત વિનાના મહાવતે(અજ્ઞાને)
પીડેલા હાથીની પેઠે,તમને એ (અજ્ઞાન) એક દુઃખમાંથી બીજા દુઃખમાં અને એક ભયમાંથી બીજા ભયમાં લઇ જાય છે.લોઢાની સાંકળ વડે એ મહાવતે હાથીને બાંધી લીધો છે-એમ જે જણાવ્યું છે-તેનું તાત્પર્ય,
અજ્ઞાને તમને પણ,આશાઓ-રૂપી પાશની જાળ વડે (તમે રાજા હતા ત્યારે રાજ્યના રક્ષણના સમયમાં)
પગથી માથા સુધી પુરેપુરા બાંધી લીધા હતા એવું છે.
આ આશા લોઢાની સાંકળ કરતાં પણ વિશાલ,દુર્ભેદ્ય અને દૃઢ છે,કેમ કે,
લોઢું તો કાળે કરીને ઘસાઈ જવાથી ક્ષીણ થાય છે પણ,આશા તો જેમ વખત જતો જાય તેમ વધતી જાય છે.

એકાંતમાં છેટે રહીને મહાવત (હાથીનો વેરી) જેમ હાથીને જોતો હતો,એમ જે કહેલું-
તે,અજ્ઞાન તમને એકલાને બંધનમાં નાખી દુરથી જોયા કરે છે.એવું સમજો.
હાથીએ,જે પોતાના શત્રુ (મહાવત-અજ્ઞાન) નું રચેલું,સાંકળોની જાળ-રૂપી બંધન તોડી નાખ્યું,એમ જે કહેલું,
તે,તમે કોઈ પણ જાતના કષ્ટ વિના,ભોગવી શકો તેવું તમારા રાજ્ય (અજ્ઞાન) રૂપી જાળનું
બંધન છોડી દીધું (ત્યાગ કર્યો) એવો તેનો અર્થ છે-તેમ સમજવું.

હે રાજા,કદાચ લોઢાની સાંકળોનું બંધન તોડવું સહેલું હશે પણ મનને ભોગોની આશાથી મોકળું કરવું સહેલું નથી.
હાથીએ સાંકળ તોડી નાખ્યા પછી,મહાવતે તેના પર કૂદકો માર્યો પણ જમીન પર પડ્યો,તે જે કહેલું છે,તેનો આશય એ છે કે-તમે રાજ્યનો ત્યાગ કાર્ય પછી અજ્ઞાન પણ,પડી ગયા જેવું શિથિલ થઇ ગયું.
જયારે મનુષ્ય ભોગો ભોગવવાની આશાને ત્યજી દેવા ઈચ્છે છે ત્યારે અજ્ઞાન પણ થરથર કંપવા લાગે છે,
અને તે અજ્ઞાન શિથિલ થઈને,તે પુરુષને છોડી દૂર નાસી જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE