Mar 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-777

તે અહંકારને લીધે-
"આ પરમ આનંદ આપનાર તથા મોટો ઉદય કરનાર સર્વ-ત્યાગ (કે જે મેં કરેલો છે તે) નથી,પરંતુ એ પરમ આનંદને આપનાર સર્વ-ત્યાગ કોઈ બીજા જ પ્રકારનો છે,કે જે ઘણા કષ્ટથી મળતો હોવાથી લાંબે કાળે સિદ્ધ થાય એવો છે."
એવું તમારા મનમાં આવ્યું.એટલે જેમ,વાયુના ઝપાટાથી વનમાં વૃક્ષોનું હલનચલન થવા માંડે છે,તેમ,તમારા ચિત્તમાં (ઉપર કહ્યા મુજબ) ચિંતા થવાથી,રાજ્ય-વગેરેનો ત્યાગ ઉડીને ક્યાંય જતો રહ્યો છે.

જે પુરુષે,કંઇક પણ ચિંતાનો સ્વીકાર કર્યો,તેનું યોગી-પણું ક્યાંથી રહે?
જે ચિંતા છે તે જ -સંકલ્પ-એવા બીજા નામને ધારણ કરનાર ચિત્તનું સ્વરૂપ છે-એમ તત્વજ્ઞ પંડિતો કહે છે.
એ ચિંતા જ્યાં સુધી રહે ત્યાં સુધી ચિત્તનો ત્યાગ થયો ગણાય નહિ.ચિત્ત જો ચિંતા વડે ઘેરાયેલું હોય,તો સંકલ્પ દ્વારા,આ ત્રણે લોકોનો સમુદાય દૃશ્ય-રૂપે નજરમાં આવવાથી "નિર્દોષ-સર્વ-ત્યાગ" સાધી શકાતો નથી.

હે રાજા,તમારા ચિત્તે,ઉપર કહેલા મુજબ સંકલ્પો કરવાથી,તમારો ત્યાગ પણ ઉડી ગયો (જતો રહ્યો) છે.
તમારો કરેલો સર્વ-ત્યાગ પણ તેના અનાદર કરવાથી,ઉપરથી તમારું પહેલાનું જે પરમ નિશ્ચિંત-પણું હત્તું,
તે પણ સાથે લઈને જતો રહ્યો છે.એ સર્વ-ત્યાગ-રૂપી-ચિંતામણિના ચાલ્યા ગયા પછી તમે,સંકલ્પ-રૂપી-ચક્ષુ વડે આ તપ-રૂપી કાચ-મણિ (કાચનો ટુકડો કે ગોળો) દીઠો.ભ્રાંતિ-દોષ વડે સ્ફૂરેલા,આ દુઃખકારક તપમાં,
"મારે આ ગ્રહણ કરવા યોગ્ય છે" એવો દૃઢ નિશ્ચય તમે કરી લીધો.

પ્રથમ,સર્વ-ત્યાગ કરતી વખતે,અનાસક્તિથી (વૈરાગ્યથી) વાસના વગરનું,
અને પાછળથી અનંત (તથા કંઈ ગૂઢ) વાસના-વાળું તમે જે તપ કયું,
તે,આરંભમાં (પ્રથમ રાજ્ય-આદિનો ત્યાગ કરવાથી) અંતમાં (તપના ફળની અભિલાષાને રાખવાથી) અને
મધ્યમાં (વનમાં રહીને ટાઢ-તડકો સહન કરવો) બહુ વિષમ અને દુઃખ-કારક બન્યું છે.

જે મનુષ્ય,કોઈ પણ માપમાં ના આવી શકે તેવા-અનંત આત્મ્સુખને અને સુખ વડે સાધી ના શકાય તેવા
(હવે પછી જે કહેવામાં આવશે તેવા) સર્વ-ત્યાગને છોડી દઈને,માપમાં આવે તેવા અને મહા-દુઃખ વડે સાધી શકાય તેવા,તપ-આદિ પદાર્થને વળગી રહે-તે મનુષ્યને આત્મ-ઘાતી અને મહા-મૂર્ખ સમજવો.
તમે સર્વ-ત્યાગ કરવાનો આરંભ તો કર્યો,પરંતુ ઝૂંપડીમાં અનુભવાતાં કષ્ટો વડે,
તથા તમને ફક્ત એક તપમાં જ પ્રવૃત્તિ કરનાર તમારા અજ્ઞાન-વડે,બંધાઈ જવાથી,
તમારો કરેલો સર્વ-ત્યાગ (રાજ્ય-વગેરેનો) તમારાથી સાધી શકાયો નહિ.

હે રાજા,અનેક દુઃખોથી ભરેલા રાજ્ય-રૂપી-બંધનમાંથી,છૂટી જઈ -તમે
પાછા,વનવાસ-નામના-બંધનમાં બંધાઈ ગયા છો.
હાલમાં અહી તમારે ટાઢ-તડકો,પવન વગેરેની પહેલાંના (રાજ્યમાં રહેવા) કરતાં,બમણી ચિંતા સહેવી પડે છે.
અને પહેલાં કોઈ વખત વનવાસનો અનુભવ નહિ કરનાર સુકુમાર પુરુષોને -
આ દુઃખ (કે ચિંતા) બંધનથી પણ વધારે છે.એમ હું સમજુ છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE