Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-801

હે શિખીધ્વજ રાજા,જેમ અગ્નિમાં જવાળાઓ, પવન વડે ઉત્પન્ન થાય છે,
તેમ ચિત્ત આદિ કે જે સંકલ્પથી ઉત્પન્ન થાય છે અને સંકલ્પનો નાશ થવાથી નાશ પામી જાય છે.
એ રીતે એક આત્મ-તત્વથી ભરપૂર સર્વત્ર પ્રસરી ગયેલી બ્રહ્મ-સત્તા વડે,સર્વ જગત ભરચક છે.
હું નથી,તમે નથી કે બીજા કોઈ પણ નથી,આ દૃશ્ય પદાર્થો પણ નથી,ચિત્ત પણ નથી અને આકાશ પણ નથી,
એક ફક્ત નિર્મળ આત્મા જ છે.એ જ આત્મા (જીવનમુક્ત પુરુષોની દ્રષ્ટિમાં)
જુદાજુદા પદાર્થો રૂપે દેખાય છે,તો તેમાં દ્રષ્ટા-દર્શન-દ્રશ્યની ત્રિપુટીની ખોટી કલ્પના ક્યાંથી હોય?

આ ત્રણેય લોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી,કોઈ મરતું પણ નથી,પરંતુ કેવળ અનિર્વચનીય માયા વડે,
ચેતન-સ્વ-રૂપ પરબ્રહ્મનો જ આ સઘળો ચમત્કાર છે.
હે રાજા,સર્વ ઇન્દ્રિય-સમુહમાં અને તે વડે ગ્રહણ કરતાં સર્વ આકારોમાં,સત્તારૂપથી તમે જ રહેલા છો,
તેને લીધે જ તમારો દેહ થતો નથી અને ગુણદોષ વડે તમે લેપાતા નથી.
તમે જ નિર્મળ આકાશ-રૂપ છો,મોક્ષરૂપ છો,અને અનંત છો.તમારું કંઈ પણ નાશ પામતું નથી
કે કંઈ વૃદ્ધિ પામતું નથી.ઈચ્છા,અનિચ્છા અને ક્રિયા વગેરે તમારી શક્તિ હોવાથી,તે પણ તમે જ છો.
(એટલે કે સર્વ કંઈ એક માત્ર આત્મતત્વ જ છે)

(૧૦૧) શિખીધ્વજની કૃતકૃત્યતા

વશિષ્ઠ કહે છે કે-એ રીતે કુંભમુનિનાં સત્ય વચનોનું મનન કરતા,તે પોતે (શિખીધ્વજ) આત્મ-સ્વ-રૂપમાં,
ક્ષણમાત્ર (સમાધિથી) લીન બન્યો.તત્વને જાણી ગયેલ તે રાજા,મનના વ્યાપારને (સંકલ્પને) તથા નેત્રોને બંધ
કરી અને વાણીના મૌનને ધારણ કરી,પથ્થરની મૂર્તિની પેઠે નિશ્ચલ અવયવો-વાળો અને ચેષ્ટા વગરનો થઇ ગયો.
હે રામચંદ્રજી,એ પ્રમાણે ઘડીભર સમાધિમાં રહી,જાગ્રત થયેલા
એ રાજાને,કુંભમુનિ-રૂપે આવેલી (પોતાની જ રાણી) ચૂડાલાએ કહ્યું કે-

હે રાજા,આ બ્રહ્મપદ કે જે નિર્મળ અને પરમ આનંદનું ધામ છે,અને યોગીઓને શાંતિ આપનારું છે,
તેમાં તમે શાંતિ મેળવી? શું તમને આત્માનું જ્ઞાન થયું? શું તમે ભ્રાંતિનો ત્યાગ કર્યો?
અને તમે,જે જાણવાનું કે જોવાનું છે તે સર્વ જાણી કે જોઈ લીધું?

શિખીધ્વજ કહે છે કે-હે મહારાજ,(મહા-વૈભવોના જેવા) નિરતિશય આનંદમાં સ્થાન-રૂપ-પરમાત્મા-રૂપી,
પરમ-પદ મેં જોયું,કે જે ખરેખર તો,આનંદ આપવામાં સર્વની ઉપર (પરમાનંદ-રૂપે) રહેલું છે.
અહો,જેણે જાણવાનું (પરમતત્વ) જાણી લીધું છે-તેવા,જ્ઞાની મહાત્માઓનો સમાગમ,
ખરે,એક અપૂર્વ આનંદને અને સર્વના સાર-રૂપ ઉત્તમ ફળને આપનાર છે.
જન્મથી માંડીને આજ દિવસ સુધી,જે આત્મા-રૂપ-અમૃત,(અજ્ઞાનને લીધે) મને મળ્યું નહોતું,તે આજે
આપનો સમાગમ થતાં જ,પોતાની મેળે જ મને મળ્યું.કે જે આત્મા-રૂપ-અમૃત તે મારું પોતાનું જ સ્વરૂપ છે.
હે દેવપુત્ર,એ આત્મ-પદ-રૂપ-અમૃત,મને આજ દિવસ સુધી કેમ મળ્યું નહોતું?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE