Apr 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-802

કુંભમુનિ કહે છે કે-જેમ શુદ્ધ-સફેદ વસ્ત્રમાં,કંકુ-વાળા-જળનાં બિંદુઓનો રંગ બરાબર લાગી જાય છે,તેમ,જયારે,ચિત્ત,ભોગ-વાસનાઓને છોડીને,શાંત થઈને રહે,ત્યારે જ તે (શુદ્ધ) ચિત્તમાં,ઉપદેશ બરાબર લાગે છે.
અનંત યોનિઓમાં ભટકવાથી,અનેક શરીરો વડે,મેલો થયેલો,
તમારો,અનંત વાસના-રૂપી મેલ,આજે પાકી ગયો છે.
જેમ વૃક્ષ પરથી પાકી ગયેલાં ફળો,વૃક્ષથી છૂટાં પડે છે,અને જમીન પર પડી જાય છે,તેમ,કાળે કરીને પાકી જતાં રાગ-આદિ-વાસના-રૂપ મેલો (પાપો)
લિંગ-દેહથી છૂટાં પડે છે.(નાશ પામે છે)


હે રાજા,આજે તમારો વાસના-રૂપી-મેલ બરોબર પાકી ગયો હતો
અને તે સમયે જ મેં તમને જે બોધ કર્યો,
તેને લીધે જ તમારા અજ્ઞાનનો ક્ષય થઇ ગયો,અને મારા બોધનું તાત્પર્ય તમે સમજી ગયા.
તથા,તે ઉપદેશ તમારા હૃદયમાં દૃઢ બેસી જવાથી,તમે આજે જ જ્ઞાની થઇ ગયા છો.
સત્સંગ થવાથી,આજે તમારાં,બધાં સારાં-નરસાં કર્મોનો ક્ષય સિદ્ધ થયો છે.

હે રાજા,તમારામાં જે અગાઉ  "હું અને મારું" એવું ચિત્ત-રૂપ-અજ્ઞાન હતું,
તે તમને મારાં વચનો (બોધ)થી તમારા અનુભવથી તમને સમજવામાં આવ્યું
અને તેથી હૃદયમાંથી ચિત્તને છોડી,જયારે ચિત્તનો ક્ષય થયો-
ત્યારે તમે જ્ઞાની થયા છો.જ્યાં સુધી હૃદયમાં ચિત્તની સત્તા રહે છે,ત્યાં સુધી જ અજ્ઞાન રહે છે.
(બીજી રીતે કહીએ તો)  તે ચિત્તનું,વાસ્તવમાં કોઈ ખરું સ્વરૂપ જ ના હોવાથી તે મિથ્યા છે,
એમ સમજી તેનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે.

ભેદ-અભેદની દ્રષ્ટિ કરવી,એ જ ચિત્ત છે અને અજ્ઞાન પણ તે જ કહેવાય છે.
પરમાત્માનો અપરોક્ષ અનુભવ થવાથી,
એ સર્વ ભેદ-અભેદ ના વિકલ્પોનો લય થઇ જવો,તે જ જ્ઞાન છે અને તે જ પરમ-ગતિ-રૂપ છે.
હે રાજા,તમે જ્ઞાની થાય છો,મુક્ત થયા છો,
તમે તે ચિત્તનો ત્યાગ કર્યો કે જે આત્મસ્વરૂપથી સત્ય છે-પણ ચિત્ત-રૂપે મિથ્યા છે,
અને આ મિથ્યા જગતની કલ્પના થવાનું સ્થાન છે.
તમે શોક-વગરના,ચેષ્ટા-રહિત,સંગ-રહિત,જ્ઞાનવાન,નિઃસહાય,મૌન-વાળા અને
આત્મજ્ઞાન ને પ્રાપ્ત કરીને,પૂર્ણ થઈને,પોતાના નિર્મળ આત્મ-સ્વરૂપમાં સ્થિર થાઓ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE