Apr 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-803

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપ કહો છો તે પ્રમાણે મૂર્ખ મનુષ્યને જ ચિત્ત હોય છે,બાકી ચિત્તના સ્વરૂપને (મિથ્યા) સમજનાર જ્ઞાની પુરુષને ચિત્ત હોતું જ નથી,તો પછી,ચિત્ત વગરના તમારા જેવા બીજા જીવન્મુક્ત પુરુષો શી રીતે વ્યવહાર કરે છે તે,વિષયનો ખુલાસો આપ જ કરો.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,તમારી વાત સાચી છે,
જેમ પથ્થરને અંકુર હોતો નથી,તેમ,જીવનમુક્ત પુરુષોને ચિત્ત જ હોતું નથી.
જે વાસના પુનર્જન્મને ઉત્પન્ન કરે છે-તે જ "ઘાટી વાસના" એ  ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે,તે જ્ઞાની પુરુષોને હોતી નથી.પરંતુ (તેમ છતાં) "સત્વ" (શુદ્ધ) વાસના શબ્દથી કહેવાતી,
અને પુનર્જન્મને નહિ આપનારી -તે (સત્વ) વાસના વડે,જ્ઞાની પુરુષો કર્મમાં પ્રવૃત્ત થાય છે (કર્મો કરે છે)

જીવનમુક્ત મહાત્મા પુરુષો,ઇન્દ્રિયોને નિયમમાં રાખી,સત્વ (વાસના)માં રહી,નિઃસંગ-પણાથી(અનાશક્તિથી)
વ્યવહાર કરે છે.પણ ચિત્ત (કે જે પુનર્જન્મને આપનારી ઘાટી વાસના છે) તેમાં રહી કદી વ્યવહાર કરતા નથી.
આમ,જે "ચિત્ત" મૂઢ (અજ્ઞાનવાળું) હોય છે-તે જ ચિત્ત કહેવાય છે,પણ જ્ઞાનવાળા ચિત્તને "સત્વ" કહે છે.
એટલે,અજ્ઞાની પુરુષો ચિત્તમાં રહે છે-જયારે જીવનમુક્ત મહાત્માઓ "સત્વ"માં રહે છે.
ચિત્ત વારંવાર ઉત્પન્ન થાય છે (પુનર્જન્મ આપે છે) જયારે "સત્વ" વારંવાર ઉત્પન્ન થતું નથી.

હે રાજા,અજ્ઞાની પુરુષોને જ (અહંકારને લીધે-એટલે કે હું દેહ છું-એમ સમજવાને લીધે) બંધન છે,
જ્ઞાનીને (તે નિરહંકાર હોવાથી) કશું બંધન છે જ નહિ.
હે રાજા,આજે તમે સંપૂર્ણ રીતે ચિત્તનો ત્યાગ કરી,મહાત્યાગી બની,સત્વ-વાન થયા છો,એમ હું સમજુ છું.
સર્વ વાસનાઓ છૂટી જવાથી,આજે તમે બહુ સુશોભિત દેખાઓ છો.તમારું ચિત્ત,આકાશના જેવું અસંગ,નિર્વિકાર અને વિશાળ થયું છે,એમ હું સમજુ છું.તમને હવે પરમ શાંતિ મળી છે,
તમને જ્ઞાન સિદ્ધ થયું છે,અને તમે પરબ્રહ્મમાં એક-સરખી (એકતાની) રીતે રહેનાર થયા છો.

હે રાજા,મેં ઉપદેશ કરેલા તે ઉપદેશના અર્થની "ધારણા" રાખવાથી,જાગ્રત થયેલી,
તમારી પરમ-જ્ઞાન-વાળી-બુદ્ધિ વડે,ચિત્તનો તમે ત્યાગ કર્યો-એ જ મહાત્યાગ છે,
અને આ મહાત્યાગ જ સર્વોત્તમ હોવાથી,
સ્વર્ગ-ધન-તપ-દાન અને તેમનાં ફળ-વગેરે-રૂપ પણ તે (ચિત્ત) જ છે.
એટલે,તમે પહેલાં જે તપ કરતા હતા કે ત્યાગ કર્યો હતો,તે દુઃખની નિવૃત્તિ કરી શકે નહિ.
ચિત્તના ત્યાગથી,જે મોક્ષ-સુખ મળે છે-તે ક્ષય(નાશ) વગરનું છે,નિરતિશય (સર્વથી અધિક) છે,
સત્ય છે અને નિરંતર (સતત) રહેનાર છે. (ક્ષણભંગુર નથી)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE