Apr 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-805

જે કંઈ સુખ-સ્વર્ગ-આદિ ફળને આપનાર (કર્મકાંડ-વગેરે) છે-તે સર્વને ત્યજી દઈ,
તમે એકસરખી રીતે પરબ્રહ્મમાં (આભાસ-રૂપે) રહી,તેના જેવા જ શુદ્ધ આત્મ-રૂપ થઈને રહો.
સર્વ પદાર્થોમાં ચૈતન્યના અંશને સત્ય અને જડ-અંશને અસત્ય માનીને,નિઃસ્પૃહપણાથી (અનાસક્તિથી) આ સર્વ પદાર્થ સમૂહને ગ્રહણ કરવા છતાં પણ તમે "સંકલ્પ" વિનાના થઈને રહો.

હે રાજા,જેમ સ્વભાવિક પ્રવૃત્તિ વડે ઉત્પન્ન થયેલી વિપત્તિનું રૂપ,એ વિવેક-જ્ઞાનનો ઉદય થતાં,વિપત્તિ-રૂપ લાગતું નથી,તેમ,સંકલ્પ-રહિત ચિત્ત-વાળા પુરુષની પાસે,જન્મ-મરણ-આદિ સંસાર-દુઃખ આવી શકતાં નથી.
આ ત્રણે લોકમાં જે દુઃખ દેખાય છે-તે-બધાં ચિત્તની ચપળતાથી (સંકલ્પ-વિકલ્પથી) ઉત્પન્ન થયેલાં છે.
જેનું ચિત્ત,શાંત-સ્થિર-ચપળતા વગરનું અને સંકલ્પ-રહિત છે,તે પુરુષ જ સદાકાળ મહા-આનંદી હોવાથી,
મોક્ષ-રૂપ સામ્રાજ્ય મેળવે છે.માટે ચિત્તના સંકલ્પ-વિકલ્પોને સાક્ષી-ચૈતન્યમાં લય કરીને,
એ સાક્ષી-રૂપ ચૈતન્ય (પરબ્રહ્મ) સાથે તમે પણ એક-રૂપ થઈને.પૂર્ણ-કામ થઈને રહો.

શિખીધ્વજ કહે છે કે-હે મુનિ,ચેષ્ટા (વૃત્તિઓ) અને તેનો અભાવ બંને એક-રૂપ કેમ થાય? તે વિષે કહો.
કુંભમુનિ કહે છે કે-જેમ સમુદ્ર,જળ-રૂપ છે,તેમ,આ સર્વ જગત એક અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપ છે,
પણ એ અધિષ્ઠાન-ચૈતન્યમાં બુદ્ધિનો આભાસ પડતાં,જેમ,શુદ્ધ શાંત જળ,તરંગો વડે ગતિ કરે છે,
તેમ બુદ્ધિની વૃત્તિઓ વડે તે (ચૈતન્ય) અનેક સંકલ્પો-રૂપે સ્ફૂરે છે.

હે રાજા,જે નિર્મળ તત્વ,બ્રહ્મ-સત્ય અને જ્ઞાન-સ્વરૂપ-વગેરે નામોથી કહેવામાં આવે છે.
તે જ તત્વને અજ્ઞાની પુરુષો જગતના આકારે જુએ છે.
આત્મા (ચૈતન્ય) જ "સંકલ્પનું સ્ફૂરણ થવું,અથવા નાશ થવો" એ બંને આકારે પ્રતીતિમાં આવતો હોવાથી,
એ બંને (આકારો) આત્મા-રૂપ જ છે. આ રીતે બંનેની એક-રૂપ-પણાથી ભાવના કરવામાં આવે,
તો - એક નિર્મળ આનંદ-રૂપ આત્મા જ બાકી રહે છે.

"આત્મામાં સંકલ્પનું સ્ફૂરણ થવું-એ જ સૃષ્ટિનું સ્વરૂપ છે" એવું બરાબર જ્ઞાન થવાથી સૃષ્ટિ લય પામી જાય છે.
અને ત્યારે ચારે બાજુ,આકાશની પેઠે,તે (ચૈતન્ય) જ ભરપૂર દેખાય છે.જેનું વર્ણન થઇ શકે તેમ નથી.
(નોંધ-જેમ આકાશનું વર્ણન થઇ શકતું નથી,તેમ તે ચૈતન્યનું પણ વર્ણન થઇ શકતું નથી!!)
કાળે કરી (સમય આવતાં) શાસ્ત્રોનો અને સજ્જનોનો સંગ થવાથી,તથા અભ્યાસ-યોગ વડે ચિત્ત નિર્મળ થઇ જતાં,
દ્વૈતની ભ્રાંતિ મટી જઈ,એ આત્મા,જ્ઞાન-રૂપે ઉદય પામે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE