Apr 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-806

પોતાના સ્વરૂપનો "અપરોક્ષ" રીતે અનુભવ કરનારા જીવનમુક્ત પુરુષોમાં અને સર્વત્ર ફેલાઈ  રહેલું,એ "આત્મ-તત્વ" પોતે જ પોતાના આત્મા-રૂપનો દાખલો ટાંકીને  બતાવે છે.
હે રાજા,આદિ-મધ્ય-અંત-વગેરેના કાળ-પરિમાણથી રહિત અને સર્વના સાર-રૂપ એવા,તે આત્મ-સ્વરૂપને તમે પ્રાપ્ત થયા છો,એટલે હવે તે આત્મ-તત્વ-રૂપી-પરમ-પદમાં તમે દૃઢ થઈને રહો.ભેદ કરનાર,દેહ-આદિ ઉપાધિ હવે રહી નથી,એટલે તમે ભેદ વગરના,સર્વ-વ્યાપી,ચેતન-સ્વરૂપ થઇ ગયા છો,અને શોક-રહિત થયા છો.

(૧૦૨) કુંભનું જવું અને શિખીધ્વજની વિશ્રાંતિ

કુંભમુનિ કહે છે કે-હે શિખીધ્વજ રાજા,મેં કહેલા પરમ-તત્વનું શ્રવણ-મનન-નિદિધ્યાસન કરી,
અપરોક્ષ અનુભવમાં આવેલા અને (માયાનું) આવરણ ખસી જતાં,સ્પષ્ટ જોવામાં આવતા-તે પરમ-પદમાં,
જેમ તમારી ઈચ્છા હોય તેમ,સમાધિમાં કે વ્યવહારમાં રહો.
હું હવે દેવસભામાં (સ્વર્ગમાં) જાઉં છું,અત્યારે ત્યાં ઉત્સવ હોવાથી બ્રહ્મલોકમાંથી નારદજી પણ ત્યાં પધારેલા છે,
તેઓ મને ત્યાં દેખે તો તેમને ક્રોધ થાય,અને કલ્યાણની ઈચ્છા રાખનારે,ગુરુજનોને ઉદ્વેગ ઉત્પન્ન ના કરાવવો જોઈએ,તેથી હું હવે અહીંથી જઈશ,તમારે હવે સર્વ સંકલ્પોનો ત્યાગ કરીને સ્વરૂપમાં જ રહેવું.
કેમ કે મેં બતાવેલો આ માર્ગ જ સહુથી ઉત્તમ છે.

વસિષ્ઠ કહે છે કે-તે વખતે જ્યાં શિખીધ્વજ રાજા પ્રણામ કરવા માટે હાથમાં પુષ્પો લઇ ઉત્તર આપવા તૈયાર
થયા,એટલામાં તો તે કુંભ મુનિ અદ્રશ્ય થઇ ગયા.તેમના જતા રહ્યા પછી,રાજા પરમ વિસ્મય પામ્યો અને તે આશ્ચર્યકારક પ્રસંગનો વિચાર કરતાં,ચિત્રમાં આલેખાયેલી મૂર્તિની પેઠે સ્તબ્ધ બની ગયો.
અને મન થી વિચારવા લાગ્યો કે-

"દૈવે(નસીબે) જ કુંભમુનિના બહાને મને સદાકાળ પ્રકાશ-રૂપે રહેલા પરબ્રહ્મનો બોધ કરાવ્યો,
બાકી નારદમુનિના પુત્ર કુંભમુનિ ક્યાં? અને હું ક્યાં?
કોઈ ભાગ્યોદયનો યોગ આવી જતાં એમણે મને બોધ કર્યો.
હું કે જે મોહ-રૂપી નિંદ્રા વડે વ્યાકુળ હતો,તે તેમના બોધથી જાગૃત (જ્ઞાનવાન) થયો.
આ કરવાનું છે અને આ નથી કરવાનું-એવી મિથ્યા ભ્રાન્તિઓ-રૂપી કર્મો કરવામાં હું કેમ ખૂંચી ગયો હતો?
અહો,આ શીતળ,શુદ્ધ અને શાંત-પોતાના આત્મા-રૂપ પરમ-પદથી,મારું વાસના વગરનું ચિત્ત શીતળ થયું છે અને હવે હું શાંત થઇ ગયો છું,મુક્ત થયો છું અને કેવળ સુખ-રૂપ થઇ ગયો છું.
હવે હું એક તણખલાને પણ ઈચ્છતો નથી અને બરોબર આત્મ-સ્વરૂપમાં જ સ્થિર છું."


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE