May 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-807

આ પ્રમાણે વિચાર કરતાં કરતાં વાસનારહિત ચિત્ત-વાળો એ રાજા,પથ્થરની બનાવેલી મૂર્તિની પેઠે,વાણી-વગેરેની ચેષ્ઠા વગરનો,સમાધિસ્થ જ થઈ રહ્યો,અને સંકલ્પ વગરની નિર્વિકલ્પ સમાધિમાં જ તે દૃઢ સ્થિતિને પ્રાપ્ત થઇ પથ્થરની પેઠે નિશ્ચલ થઇ ગયો.એ રાજાને સમાધિમાં પોતાના નિર્મળ આત્માનો લાભ (અનુભવ) થવાથી,ઘણા લાંબે કાળની પોતાની ભયભીત બુદ્ધિને શાંત કરી,પરબ્રહ્મ સાથે એકરૂપ થઇ જઈ,અને ઘણા લાંબાકાળ સુધીના  પોતાના અભ્યાસ વડે કરેલા યોગથી,પોતાના સ્વરૂપમાં રહી સુષુપ્તિ (નિંદ્રા)ની પેઠે નિર્વિકલ્પ સમાધિમાં વિશ્રામ લીધો.

(૧૦૩) કુંભનું પુનરાગમન

વસિષ્ઠ કહે છે કે-એ રીતે શિખીધ્વજ રાજા,નિર્વિકલ્પ સમાધિને લીધે ભીંતના જેવો ચેષ્ટા રહિત થઇ ગયો.
અને ચૂડાલા કે જે કુંભમુનિના વેશથી આવી હતી,તેણે રાજાને બોધ આપી,ત્યાંથી અદ્રશ્ય થઈને,
આકાશમાં વેગથી ઉડી,આકાશમાં જ તેણે માયા વડે રચેલો દેવપુત્રનો આકાર ત્યજી દીધો,
તેણે પોતાનો સુંદર સ્ત્રીનો આકાર ગ્રહણ કરી લીધો.આકાશમાર્ગે તે પોતાના રાજ્યમાં આવી,
દરબારગઢમાં પ્રવેશ કરી,ને રાજ્યનું સઘળું કામકાજ કર્યું.

ત્રીજે દિવસે પાછી,ચૂડાલા આકાશમાં ઉડી,યોગ શક્તિથી કુંભમુનિનું રૂપ ધારણ કરીને,
શિખીધ્વજ રાજા જે વનમાં હતો ત્યાં પહોંચીને જોયું તો
રાજાને નિર્વિકલ્પ સમાધિમાં,વૃક્ષના જેવો નિશ્ચળ જોયો.તેથી તે મનમાં વિચારવા લાગી-
"અહો,આ રાજા પોતાના આત્મામાં શાંત પામી સ્વસ્થ,શાંત અને સમાન ચિત્ત-વાળો થઇ ગયો છે.
શું હું એને હમણાં પરમપદમાંથી જાગ્રત કરું?
હમણાં પ્રારબ્ધ બાકી છે ત્યાં સુધી તે તેના દેહનો ત્યાગ ના કરે તો સારું છે.

તે,થોડો વખત રાજમાં કે વનમાં વાસ કરીને પોતાનું શેષ પ્રારબ્ધ ભોગવવા એ જીવતો રહે,
પછી અમે બંને જીવનમુક્તિનો સરખો અનુભવ કરી,એક સાથે જ દેહનો ત્યાગ કરીને વિદેહમુક્તિને પ્રાપ્ત થઈશું.
હમણાં જો એ રાજા પોતાના દેહનો ત્યાગ કરશે તો,મને લાગે છે કે-
મેં આપેલો બોધ વિષમ હોવાથી,માત્ર આટલા અભ્યાસના યોગથી તે
સપ્તમ ભૂમિકા સુધીના પરિપાકને તે પ્રાપ્ત થશે નહિ,માટે જરૂર હું તેને સમાધિમાંથી જાગ્રત કરું."


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE