May 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-808

એમ વિચાર કરીને,તે ચૂડાલાએ પોતાના પતિ શિખીધ્વજ રાજાની પાસે વારંવાર ભયંકર સિંહનાદ કર્યો,તેમ છતાં રાજા જરા પણ ચલાયમાન ના થયો,ત્યારે રાણીએ તેનો હાથ ઝાલી હલાવ્યો,હલાવ્યાથી તે જમીન પર પડી ગયો,છતાં તે રાજા જયારે સમાધિમાંથી જાગ્રત થયો નહિ,ત્યારે,રાણીએ ફરી વિચાર કર્યો કે-અહો,આ રાજા તો છેક સાતમી ભૂમિકાની પરિપાક દશાએ પહોંચી ગયા લાગે છે,તો હવે તેને કોઈ પણ  યુક્તિ વડે શા માટે જાગ્રત કરવા જોઈએ? એ ભલે વિદેહમોક્ષને પ્રાપ્ત થાય,હું પણ આ સ્ત્રી શરીરને ત્યજી દઈ,પાછો પુનર્જન્મ ના થાય તે માટે પરમપદને (વિદેહમુક્તતાને) પ્રાપ્ત થઇ જાઉં,કેમ કે અહી જીવવામાં શું વિશેષ સુખ છે?

એમ વિચાર કરી,સતી ચૂડાલાં પોતાનો દેહત્યાગ કરવા માટે તૈયાર થઇ પણ,પાછો એ રાણીએ વિચાર કયો કે-
હું એ રાજાના દેહને તપાસી જોઉં,કે જો તેના હૃદયાકાશની અંદર જાગ્રત થવાના બીજ-રૂપે  કોઈ "સત્વ-શેષ" હશે,તો તે રાજા કાળે કરીને જાગ્રત થઇ જશે અને મારી પેઠે વ્યવહાર કરવા છતાં,પૂર્ણ જીવનમુક્ત થઇ જશે.
પણ જો કદાચિત તેનામાં કોઈ સત્વ-શેષ નહિ હોતાં,વિદેહમુક્ત થયો હશે તો હું પણ તેની સાથે વિદેહમુક્ત થઈશ.આમ વિચારી  તેણે રાજાના શરીરને સ્પર્શ કરી જોતાં તેને શરીરની ગરમીથી (અને હવે પછી આગળ કહેલાં ચિહ્નોથી) જણાયું કે-રાજામાં હજી સત્વ-શેષ બાકી રહ્યો છે.

રામ કહે છે કે-હે મહારાજ અત્યંત શાંત ચિત્તવાળા અને કાષ્ટ જેવી નિશ્ચળ સ્થિતિને પ્રાપ્ત થયેલા ધ્યાન-નિષ્ઠ
(સમાધિસ્થ) પુરુષનું સત્વ-શેષ-પણું શી રીતે જણાય?

વસિષ્ઠ કહે છે કે-જે પુરુષનું ચિત્ત સર્વ પ્રકારની ગતિનો ત્યાગ કરીને સ્થિર થયું હોય,
અને તેના ચિત્તમાં રહેલા સર્વ વિકારો શાંત થયા હોય,
તો પણ તે સમાધિમાંથી જાગ્રત થવા-રૂપ કોઈ "સુક્ષ્મ વસ્તુ" રહી ગઈ હોય,તેને "સત્વ-શેષ" કહે છે.
તેવા પુરુષનું શરીર પ્રથમ જેવું હોય તેવું જ સરખી રીતે પૂર્ણતાવાળું રહે છે,તે નાશ પામતું નથી,વધતું નથી,
કરમાઈ જતું નથી કે ખીલતું પણ નથી,માત્ર પ્રથમ જેવું હોય તેવું જ રહે છે.

દ્વિત્વ-એકત્વ-આદિ વિકલ્પો વડે જોડાયેલ હોવાથી,જે પુરુષનું ચિત્ત સંકલ્પ-રૂપે સ્ફુરે છે
તેનો જ દેહ,વિકારો વડે,બીજી તરેહનો થઇ જાય છે,પરંતુ જેના ચિત્તમાં સંકલ્પ સ્ફુરતો જ નથી,
તેનો દેહ કોઈ દિવસ વિકારો વડે બીજી તરેહનો  થતો જ નથી,પણ જેવો હોય તેવો ને તેવો જ રહે છે.
હે રામચંદ્રજી,વ્યવહારના કારણ-રૂપ સર્વ ભાવ-વિકારો (વધવું-ઘટવું-ઉત્પન્ન-નાશ-વગેરે) નું કારણ,
ચિત્તનું સંકલ્પ-રૂપે સ્ફૂરણ થવું તે જ છે.એ પુનર્જન્મના બીજ-રૂપ સંકલ્પને લીધે જ એક દેહમાંથી બીજા દેહમાં જવાને તૈયાર થયેલા ચિત્તના હર્ષ-મોહ-વગેરેને વારંવાર રોક્યા છતાં તાબામાં રહી શકતો નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE