May 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-809

જેનો દેહ,ચિત્ત શાંત થઇ જવાથી,સત્વ-વડે,અહં-તત્વના અધ્યાસથી રહિત થઇ ગયો હોય,તે દેહને આકાશની પેઠે વૃદ્ધિ-ક્ષય આદિ ભાવ-વિકારો બાધ કરી શકતા નથી.
જેમ ચંચળતા વગરના જળમાં તરંગ વગેરે ઉત્પન્ન થતા નથી,તેમ,સમાન-પણાથી રહેલ (સંકલ્પ-રહિત) સત્વ-સમુહમાં પણ રાગ-દ્વેષ-આદિ "ચિત્ત-દોષ",અને યુવાની-ઘડપણ-આદિ "દેહ-દોષ" ઉત્પન્ન થતા જ નથી.
પ્રારબ્ધનો નાશ થયા વિના એ "સત્વ" નો અભાવ થતો નથી.
પરંતુ પ્રારબ્ધ રહે ત્યાં સુધી એ  "સત્વ" સર્વ નિર્વિકાર એક તત્વ-રૂપ જ ભાસે છે,પછી ફક્ત કાળે કરીને પ્રારબ્ધનો ક્ષય થઇ જતાં-એ "સત્વ"નો પણ ક્ષય થઇ જાય છે.

હે,રામચંદ્રજી,જે દેહમાં ચિત્ત (મલિન વાસના વાળું મન) કે સત્વ (વાસના વગરનું શુદ્ધ મન) પણ નથી હોતું,
તે દેહ,જેમ સૂર્યના તાપથી ઝાકળ લય પામી જાય,તેમ મરણ પામી બ્રહ્મમાં લય થાય છે.
શિખીધ્વજ રાજાનો દેહ ચિત્ત વગરનો હતો,પણ સત્વ અંશવાળો હતો,તેથી તે વિકારને પ્રાપ્ત થયો નહોતો.
તેના શરીરમાં હજી ગરમી રહી હતી,એટલે ચૂડાલાએ પોતાના દેહનો ત્યાગ ના કરતાં વિચાર કર્યો કે-

"જે શુદ્ધ ચૈતન્ય-તત્વ સર્વમાં (એટલે કે રાજા અને મારામાં પણ) રહેલું છે,તેમાં (રાજાના ચૈતન્યમાં)
યોગ-શક્તિ વડે પ્રવેશ કરી રાજાના દેહમાં (ચૈતન્યમાં) પ્રવેશી તેને હું હમણાં જ જાગ્રત કરું.
જો હમણાં હું તેણે જાગ્રત નહિ કરું તો પણ ઘણે કાળે (સત્વશેષ હોવાથી) પોતાની મેળે જ જાગ્રત થશે,
તો પછી હમણાં (ત્યાં સુધી) હું એકલી શા માટે રહું? તેને જાગ્રત કરવો જ ઘટે"

એ રીતે વિચાર કરી,ચૂડાલાએ પોતાના ઇન્દ્રિય-રૂપ-પાંજરાનો ત્યાગ કરી (પોતાના ચૈતન્ય તત્વથી)
રાજાના શરીરના ચૈતન્ય-તત્વમાં પ્રવેશ કર્યો,અને ચિદાભાસવાળી તેની બુદ્ધિને જાગ્રત થવાની સ્ફૂરણા આપી.
અને પછી રાજાના દેહમાંથી પાછા ફરી,પોતાના દેહમાં તેણે પાછો પ્રવેશ કર્યો.
ચૂડાલામાંથી કુંભમુનિનો આકાર ધરી,ભમરીઓના સમૂહના જેવા મધુર શબ્દ વડે ગાન કરવા માંડ્યું.

તે ગાનના શબ્દો સાંભળી,રાજાની સત્વગુણવાળી બુદ્ધિ જાગ્રત થઇ.પોતાનું સત્વ જે સૂક્ષ્મ-રૂપે હતું,
તે હવે પાછું ચારે બાજુ દેહમાં પ્રગટ-રૂપે ફેલાઈ જવાથી,તે રાજાએ ધીરે ધીરે પોતાનાં નેત્રો ઉઘાડ્યાં.
અને પોતાની પાસે ઉભેલા કુંભમુનિને તેણે જોયા.અને ઉદગાર કર્યો કે-
"અહો અમે ધન્ય છીએ,કે કુંભમુનિ પોતાની મેળે જ ફરી અહી પાછા આવ્યા અને દર્શન દીધાં"

શિખીધ્વજ કહે છે કે-હે, મહારાજ,અમારા કોઈ ભાગ્યોદયથી,અમે આપના પવિત્ર ચિત્તમાં સાંભળી આવ્યા હોઈશું કે જેથી આપ અહી પધાર્યા.આ બહુ સારું થયું.અમને પવિત્ર દર્શન આપવાનું જ આપનું કારણ હશે,
અને જો તેમ ના હોય તો,આપનું અહી પધારવાનું બીજું શું કારણ છે? તે તમે કહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE