More Labels

May 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-810

કુંભમુનિ કહે છે કે-જ્યારથી તમને છોડીને દેવ-સભા (સ્વર્ગ) માં ગયો,ત્યારથી જ મારું ચિત્ત તમારી પાસે આવવા ખેંચાતું હતું,તેથી સ્વર્ગ ભલે રમણીય હોય,પણ હમણાં હું તમારી પાસે જ રહીશ.હે રાજા, તમારા જેવો બીજો કોઈ મારો બંધુ,શિષ્ય,ભરોસાદાર,સુહૃદ આ જગતમાં છે જ નહિ,એમ હું માનું છું.

શિખીધ્વજ કહે છે કે-અહો,આ મંદરાચળમાં અમારાં પુણ્ય-રૂપી વૃક્ષો ફલિત થયાં,કેમ કે આપ અસંગ છતાં અમારા સમાગમને ઈચ્છો છો.હું આપનો ભાવિક સેવક છું,આપની ઈચ્છા હોય તો આપ ભલે અહી મારી પાસે રહો.
હે દેવપુત્ર,આપે બોધ દ્વારા આપેલી યોગની યુક્તિ વડે,મને જેવી શાંતિ મળી છે,તેવી શાંતિ હું ધારું છું કે સ્વર્ગમાં પણ ના મળી શકે.

કુંભમુનિ કહે છે કે-તમે મહા આનંદ-રૂપ પરમપદમાં શું શાંતિ લીધી? આ ભેદમય દુઃખનો (ભેદ-દ્રષ્ટિનો)
શું તમે ત્યાગ કર્યો? ઉપરથી માત્ર મનોહર દેખાતા સંકલ્પો તરફની તમારી પ્રીતિ શું નિર્મળ થઇ ગઈ?
શું ભોગો નીરસ લાગે છે? હેય-ઉપાદેય (આ ગ્રહણ કરવા અને આ ત્યાગ કરવા લાયક છે-એવી ભેદ-વાળી)
દશાને ઓળંગી,શાંત થઇ રહેલું,અને શમ વડે સમાન સ્થિતિવાળું થયેલું તમારું ચિત્ત,
તે દૈવ-અંશથી આવી પડે-તેવી "દશા"માં થઈને ઉદ્વેગ વગરનું થઇ રહ્યું છે કે શું?

શિખીધ્વજ કહે છે કે-હે મહારાજ,આપની કૃપાથી,સર્વ દૃશ્ય (જડ) વર્ગનું ઉલ્લંઘન કરી રહેલી ગતિ મેં જોઈ,
હવે સંસારના સીમાડાનો અંત આવ્યો અને જે નિશ્ચય મેળવવાનો હતો,તે મને મળી ગયો છે.
આજે આયુષ્યનો ઘણો લાંબો કાળ ચાલી ગયા પછી,મેં ઘણા વખત (ત્રણ દિવસ) નિર્વિકારપણાથી સમાધિ
વડે શાંતિ મેળવી.જે મેળવવાનું હતું તે બધું મને મળી ચૂક્યું છે અને તૃપ્ત થઇ હું સ્વરૂપમાં સ્થિતિ રાખી બેઠો છું.
હવે આપે મને,બીજો કોઈ ઉપદેશ આપવો પડે તેવું રહ્યું નથી.

હું સર્વત્ર અતિ તૃપ્ત છું,અને કોઈ તાપ ના લાગતાં,અતિ શીતળ થઈને રહ્યો છું.જે અજ્ઞાત હતું તે મેં જાણી લીધું,
જે અપ્રાપ્ત હતું તે મને પ્રાપ્ત થયું અને જે ત્યાગ કરવાનો હતો તેનો મેં ત્યાગ કરી દીધો.
"સત્વ" (વાસના રહિત શુદ્ધ ચિત્ત) પણ મારા પોતાના આત્માથી,બાકી રહેલા પ્રારબ્ધ સુધી,
આભાસ-રૂપે જુદું જણાય છે,પણ તે કોઈ જુદું તત્વ નથી.

હવે હું જન્મ-મરણ-આદિ સંસારના દુઃખો વગરનો,અજ્ઞાન અને ભયથી રહિત,વૈરાગ્યવાન,પરમાનંદ-રૂપી શાશ્વત ઉદયને પ્રાપ્ત થયેલો,પરબ્રહ્મની પેઠે સમાન ચિત્ત-વાળો,અને સર્વ પ્રકારે શાંત થઈને રહ્યો છું.
હું જ સર્વ-રૂપ છું તથા સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત થઇ,આકાશની પેઠે નિર્મળ અને સમાન-રૂપે રહેલો છું.

(૧૦૪) ચૂડાલાને ભોગની ઈચ્છા

વસિષ્ઠ કહે છે કે-હે,રામચંદ્રજી,જાણવા લાયક જે પદાર્થ છે તેને જેણે જાણી લીધો છે તેવા શિખીધ્વજ રાજા અને કુંભમુનિ પરસ્પર જ્ઞાન વડે આત્મા સંબંધી કથાઓ કરતા ત્રણ મૂહુર્ત સુધી તે વનમાં રહ્યા અને પછી ત્યાંથી ઉઠી,
નંદનવનની પેઠે આનંદ ઉપજાવનાર તથા ફળફૂલથી ભરચક-બીજા મનોહર વનમાં ફરતા રહ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE