Aug 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-894

આ પ્રમાણે જગત અને અહંકાર,એ બંનેનો અભાવ,(ઉપર કહેલી) યુક્તિ વડે સિદ્ધ થતાં,
તમારા બહારના અને અંદરના વિષયો શાંત થઇ જશે અને જેના લીધે દુઃખ-આદિ કશું રહેશે નહિ.
તમારું પોતાનું સ્વરૂપ,બ્રહ્મ-રૂપ જ છે.
હવે તમે જ્ઞાન-વાળા થયા છે.માટે તમે ભ્રમને જડમૂળથી ઉખેડી નાખો.
તમે બહાર અને અંદરથી,દૃશ્ય (જગત)ની કલ્પના-રૂપી-કલંકથી રહિત છો,
શુદ્ધ છો,શાંત છો,ઈશ્વર-રૂપ છો અને અવિનાશી છો.

(૧૬) વિદ્યાધરને સમાધિલાભ અને નિરહંકારતાની પ્રશંસા

ભુશુંડ (વસિષ્ઠને) કહે છે કે-હું ઉપર પ્રમાણે કહેતો હતો,તેટલામાં જ,તે વિદ્યાધર,સર્વ સંકલ્પોથી રહિત બનીને સમાધિના પરિણામ-વાળો થઇ ગયો.પછી મેં વારંવાર તેને જગાડ્યા છતાં,તે પરમ નિર્વાણને પ્રાપ્ત થઇ ગયેલો હોવાથી,પાસે રહેલ દૃશ્ય કે શબ્દ-આદિ વિષયોમાં તેની બુદ્ધિ ખેંચાઈ નહિ.
હે વશિષ્ઠજી,મારા એટલા જ ઉપદેશથી,જ્ઞાની થઇ,એ વિદ્યાધર,પરમપદને પ્રાપ્ત થઇ ગયો.

આ વિદ્યાધરના જેવા,કેટલાક મૂઢ પુરુષો,પણ ચિરાયુ (લાંબા આયુષ્ય વાળા) હોય છે.તેને લીધે,
તત્વજ્ઞાન જ દીર્ઘાયુષ્ય થવાનું કારણ હોય છે-તેવો કોઈ નિયમ જણાતો નથી.
ઘણા લાંબા કાળ સુધી,અભ્યાસ કરવાથી,જેઓનું ચિત્ત અંદર શુદ્ધ થઇ ગયું હોય,તેઓ તો,સહેજસાજ
ઉપદેશ આપવાથી,અભય આપનારા જ્ઞાન-રૂપ પરમપદને પ્રાપ્ત થઇ જાય છે.

વસિષ્ઠ (રામને) કહે છે કે-મુક્ત-ચિત્ત-વાળા તે ભુશુંડજી,તે પછી મૌન ધારણ કરીને રહ્યા.તે પછી,ત્યાંથી
હું વિદ્યાધર પાસે ગયો,અને તેને પણ કેટલુંક પૂછી,પાકી ખાતરી કરી લઇ,મારા આશ્રમમાં પાછો આવ્યો.
ભુશુંડજી કે જે સર્વ પક્ષીઓના રાજા જેવા છે-તેમની સાથે મારો આવો સમાગમ થયો.
ત્યાર પછી તો "કલ્પ" ના અગિયાર મહા (દિવ્ય) યુગો આજ દિવસ સુધીમાં ચાલ્યા ગયા.

(૧૭) અહંકારનો નાશ થતાં સંસારનો નાશ

વસિષ્ઠ કહે છે કે-"હું- એવા નામની કોઈ પણ વસ્તુ ચૈતન્યથી જુદી છે જ નહિ"  પ્રમાણે નિરહંકારપણાનું
અવલંબન રાખવાથી,સારાં-નરસાં ફળ આપનારી અને સંસાર-રૂપ-ફળ-વાળી ઈચ્છા,અંદર શાંત થઇ જાય છે.
નિરહંકારતાનો અભ્યાસ કરવાથી,લોઢું,પથ્થર અને સોનાને સમાન જાણનારો વિવેકી પુરુષ,સંસાર સંબંધી સર્વ પીડાઓથી રહિત થઇ જઈ,અને ફરી પાછો પણ દુઃખને પ્રાપ્ત થતો નથી.

અહંકાર-રૂપી-સંપુટમાં પ્રગટ થયેલા બ્રહ્મના સાક્ષાત્કાર-રૂપી-બોધના બળથી,દૂર ફેંકાઈ ગયેલ અહંકાર,
કોણ જાણે ક્યાં જતો રહે છે-તે કોઈના જાણવામાં આવતું નથી.
અહંકાર-રૂપી સંપુટમાં નિદિધ્યાસન-આદિના બળથી પ્રગટ થયેલ,બ્રહ્મ-જ્ઞાન-રૂપી વીરે,ફેંકી દીધેલો,
અહંકાર અને દેહ-રૂપી પથ્થર,ક્યાં અદૃશ્ય થઇ જાય છે -તે જાણી શકાતું નથી.
નિરહંકારતા-વાળી વૃત્તિમાં ઉડીને પડેલી ચેતન-તત્વ-રૂપી-જ્વાળા વડે,અહંકાર-રૂપી-હિમ ઉડી જઈ,
ક્યાં જતું રહે છે-તે જાણવામાં આવતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE