એટલે તે મનોમય-પ્રાણ (વાયુ) માં રહેલા (તેના પેટા ભાગ તરીકે રહેલા) જગતો પણ ખેંચાય છે.
ચાર પ્રકારનાં પ્રાણી સહિત,પૃથ્વી-આદિ દૃશ્ય-વર્ગને ધારણ કરનારાં ત્રણે જગત (ત્રણે લોકો)
સંકલ્પથી પેદા થયેલાં હોવાથી,તે મિથ્યા છતાં,આપણી પાસે જ સર્વ ઠેકાણે પવન-વડે ગંધની માફક ધારણ કરાયેલ છે.એટલે,સ્વપ્નમાં દેખાતાં નગરોની જેમ,તે ચક્ષુ વડે દેખાતા નથી,
આકાશ કરતાં પણ અતિ સૂક્ષ્મ,એ સર્વ જગતો,સદાકાળ-સર્વ ઠેકાણે રહેલાં જ છે,પરંતુ તેનો સાર તપાસવામાં આવે તો (તત્વતઃ) તે કલ્પના-માત્ર જ હોવાથી,તત્વ-દૃષ્ટિથી જોતાં કશું પવનો વડે ખેંચાતું જ નથી,
તો પણ,તમે (રામ) અમારી દ્રષ્ટિમાં (વસિષ્ઠ) "સાંભળનાર-ઉપવેશને ધારણ કરનાર-આદિ ક્રિયાઓ કરનાર"
તરીકે આ મારી પાસે (મારી દૃષ્ટિ સામે) રહ્યા છો,તે જેમ સત્ય છે,તેવી રીતે,ચેતન-અંશ સર્વ-વ્યાપી હોવાથી,
તે જગતો,પણ તે તે જીવોને- ભોગવવાના,તે તે (પોતાના) સ્વર્ગ-નરક-આદિ લોકોમાં દૃઢ ભાવના થઇ જવાથી,
(જીવોને) તે સત્ય જ લાગે છે.(કે જેથી સ્વર્ગ-આદિ લોકોમાં સુખ-દુઃખ-આદિ અર્થો અને ક્રિયાઓ થાય છે)
આપણી પાસે જ,પ્રાણ-રૂપી નદીના પ્રવાહમાં,આ જગતો (કે જે વાસના-રૂપ જ હોવાથી પ્રગટ થયેલાં નથી)
વહ્યે જાય છે,અને પવન (મહા-વાયુ) વડે ખેંચાતા છતાં,ખરી રીતે જોઈએ તો ખેંચાતા નથી.
હે રામચંદ્રજી,જેમ પવનો,વાયુમાં રહેલી અતિ-સૂક્ષ્મ સુગંધને ફેલાવે છે,
તેમ,પ્રાણવાયુની અંદર રહેલાં જગતોને પણ તેઓ ખેંચે છે.
જેમ,ઘડાને કોઈ એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવામાં આવે તો પણ તેની અંદર રહેલા
આકાશમાં ફરક પડતો નથી,તેમ, ત્રણે લોકને ધારણ કરનારું મન,ભલે સંકલ્પ-ભેદ-દ્રષ્ટિને પ્રાપ્ત થાય,
પરંતુ તેની અંદર રહેલા અધિષ્ઠાન ચૈતન્યમાં કશું પણ રૂપાંતર થતું નથી.
જગત અને તેના સંબંધીની ભ્રાંતિ -એ બંને ઉત્પન્ન થયેલ જ નથી,
અને કદાચિત ઉત્પન્ન થયેલ હોય અને તે પવનો વડે વહન કરાતું હોય (એવું કદાચ માનીએ) તો પણ,
(જેમ વહાણની અંદર બેઠેલા પુરુષને તેની ગતિની ખબર પડતી નથી તેમ)
પવનોએ કરેલું આ પૃથ્વીનું ભ્રમણ (પરિવર્તન)-આદિ થતું હોવા છતાં,આપણને તે વિશેની ખબર પડતી નથી.
એટલે કે આપણા અંગ (દેહ) સાથે સંબંધ રાખનારી,આ પૃથ્વીનું ભ્રમણ,આપણે કે જે પાર્થિવ શરીર-વાળા છીએ તેને તે ભ્રમણની ખબર પડતી નથી (કે તે ભ્રમણ આપણા લક્ષ્યમાં આવતું નથી)
જેમ કોઈ એક વિશાળ ઘર,ચિત્રકારની બુદ્ધિ વડે નાના કાગળ પર ચિતરાયેલું જોવાથી,તે ઘર અનુભવી શકાય છે,તેમ,સૂક્ષ્મ પરમાણુની અંદર,પણ આ મહા-વિશાળ જગત બુદ્ધિની કલ્પના વડે અનુભવમાં આવે છે.
પરમાણુ (કે અણુ) માં જગત-આદિ મોટા પદાર્થો દેખાવથી તે પરમાણુ અતિ મોટો (વિશાળ) હશે તેવી શંકા લાવવાની નથી,તેમ છતાં,પણ, મનની હલકાઈથી (અજ્ઞાનથી) એવી શંકા તો લોકો કરે જ છે.
