Sep 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-930

બ્રહ્મ નિર્વિકાર છે અને સર્વત્ર સમાન-રૂપે રહેલ છે.તેની અંદર (બ્રહ્મની અંદર) જગતના પદાર્થોના
વિચિત્ર "સ્વ-ભાવો"ની સ્થિતિ સંભવતી નથી,તેથી તે  (બ્રહ્મના) "સ્વ-ભાવ" ને જગતના હેતુરૂપ કહી શકાતો નથી.
એટલે,"દૃશ્યનો (જગતનો) અભાવ સિદ્ધ કરવા જતાં,આત્માનું અસ્તિત્વ પણ રહી શકતું નથી"
એવી કોઈ નાસ્તિક શંકા કરે-તો તે સાચી નથી,કેમ કે,આત્માના અસ્તિત્વનો નિષેધ કરનાર,
નાસ્તિક પુરુષનો "પોતાનો આત્મા તો સાબિત જ છે" તેથી તેનો નિષેધ કેમ સંભવે?
એ નાસ્તિક પોતાનાથી જુદા દેખાતા દૃશ્યના આત્માનો નિષેધ કરે પણ પોતાના આત્માનો નિષેધ કરી શકે નહિ.

હવે, જો આત્મતત્વ સર્વત્ર "એક" જ છે,તો પોતાનો આત્મા -પણ "સર્વ-રૂપ" (એક) જ સિદ્ધ થાય છે,
અને દૃશ્યનો નિષેધ થઇ જઈ,ગૂઢ રીતે આત્માનું અસ્તિત્વ જ કાયમ રહી જાય છે.
વળી,"કોઈ પણ જાતના આધાર વિના (એટલે કે કશું હોય જ નહિ-તો તેનો) નિષેધ અસંભવ છે,
એથી અહી દૃશ્ય-દૃષ્ટાનો નિષેધ કરવામાં,અને જેની અંદર તેનો નિષેધ કરવામાં આવે તે આધાર આત્મા છે.

એટલે,"દૃશ્ય-દૃષ્ટા-રૂપી-ભેદ-બુદ્ધિને અસંભવ માની,સર્વ નિષેધના અવધિ-રૂપ નિયત-તત્વ-આત્મા છે."
તેને જ સ્વીકારવાની જરૂર છે-અને તે જ બ્રહ્મ (પરમાત્મા) છે.

(૩૦) જ્ઞાનદૃષ્ટિની સાધના

વસિષ્ઠ કહે છે કે-અહંતા કે જે પરમ-અવિદ્યા-રૂપ છે,એ અહંતાને,પોતાનામાં કાયમ રાખી,મૂઢ-પુરુષો,
પરમપદને શોધે છે-આવી ઉન્મત ચેષ્ટા નિષ્ફળ છે.(એટલે કે અહંતા હોય તો પરમપદ મળી શકે નહિ)
જે પુરુષ આ અહંતા-રૂપી મેલનો સંપૂર્ણ-પણે ત્યાગ કરીને,આકાશની પેઠે નિર્મળ અને નિર્વિકાર થઈને રહે છે,
તેવો મોક્ષને પ્રાપ્ત થયેલો જ્ઞાન-નિષ્ઠ પુરુષ,તેનો દેહ રહે-કે-પડી જાય,તો પણ સદા તાપમાત્રથી રહિત,
અતિ શીતળ જ હોય છે.અને તે નિર્મળતા,ગંભીરતા,સ્થિરતા અને પૂર્ણતાથી શોભે છે.

જીવનમુક્ત પુરુષ વ્યવહાર કાર્ય કરતો હોય,અને તેની અંદર વિકાર લાગતો હોય,તો પણ તે સદાકાળ સમાન સ્થિતિવાળો અને નિર્વિકાર જ રહેતો હોય છે,તેની અંદર જે વ્યવહાર દેખાય છે-તે આભાસમાત્ર છે.
તે વિવેકી જીવનમુક્ત પુરુષની વાસના પણ,તે પોતે પરબ્રહ્મ સાથે એકરસ-રૂપ થઇ જવાથી દેખાવ-માત્ર છે.
જે પુરુષ,સુખ-દુઃખ-રૂપી તરંગો વડે અંદર કશો ક્ષોભ નહિ પામતાં,
બહાર ઉદાસીન-નિસ્પૃહ-શાંત થઈને રહે છે,તે જીવનમુક્ત છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE