More Labels

Sep 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-931

જેમ,જળ પોતાની અંદર તરંગ-આદિ વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,
તેમ,ચિદાત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વ-રૂપમાં,"અહંભાવની સૃષ્ટિ-રૂપે" વિવર્ત-ભાવને પ્રાપ્ત થઇ જાય છે,તો પછી તેમાં વળી,ભિન્નભિન્ન ભાવોની કલ્પના કેવી હોય? પરમાત્માની અંદર ભ્રાંતિથી અનેક સૃષ્ટિઓ જોવામાં આવે છે,પરંતુ તે પરમાત્માથી જુદી નથી.(પરમાત્મા અને સૃષ્ટિ-બંને એક જ છે)
જેમ,અંકુર,પોતાની અંદર વૃક્ષ-પત્ર-ફળ-આદિ ભાવને અનુભવે છે,તેમ,અવિવેકી પુરુષનો આત્મા પણ આકાશના જેવો અસંગ અને નિર્વિકાર છે,છતાં તે પોતાની અંદર (અજ્ઞાનને લીધે) જગત અને અહંકારને અનુભવે છે.

બહાર રૂપ-આદિ-"વિષયની સત્તા" અને અંદર "મનની સત્તા" સત્યમાં તો અધિષ્ઠાનની સત્તાને લીધે જ "ભ્રાંતિથી" સત્ય દેખાય છે.અને આમ  તે "ભ્રાંતિ-રૂપ" હોવાથી,સત્ય નથી.

વસિષ્ઠ (સર્વને) કહે છે કે-હે,દેવતુલ્ય શ્રોતાઓ,આ જગત જે રીતે ઉત્પન્ન થાય છે,જે રીતે સ્થિતિને પ્રાપ્ત થાય છે,
જે રીતે પોતાનાં કર્યો કરે છે,જે રીતે સુખ-દુઃખનો અનુભવ કરાવે છે,જે રીતે નાશ પામી જાય છે,અને,
જે રીતે દેશ-કાળ સાથે સંબંધ રાખે છે-એ સર્વ મેં તમને ઉત્પત્તિ-સ્થિતિ-ઉપશમ-આદિ પ્રકરણોમાં યુક્તિપૂર્વક
બતાવ્યું છે,તો તે પ્રમાણે વિચારી લઇ,એ સર્વ મિથ્યા છે-એમ નિશ્ચય રાખી,તમે સુખથી શાંત થઈને રહો.

શાંત અને વિવેકી પુરુષ વ્યવહાર કર્યા કરતો હોય,અને વ્યવહારમાં ઇષ્ટ-અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં,
તે શબની જેમ કશા વિકારને પ્રાપ્ત થાત નથી કેમકે તેનું ચિત્ત, અંદર નિર્વાણને પ્રાપ્ત થઇ ગયેલું હોય છે.
જીવનમુક્ત પુરુષની અહંતા એ આભાસ-માત્ર હોવાથી મન અને વાસનાથી રહિત છે.
તે પુરુષ જીવે ત્યાં સુધી આ જગતને અવલંબી રહે છે.પણ જગત અને તેનો ભોકતા જીવ એ બંને જ્યાં સુધી કાયમ રહે ત્યાં સુધી ચૈતન્ય-રૂપ જ છે કેમ કે તેને (પુરુષને) પોતાને આ સર્વ, ચેતનના વિવર્ત-રૂપ સમજાયાથી,
જડ-અંશ ક્યાંય દેખાતો નથી.આમ એ (તેવો પુરુષ) પરમપદ-રૂપ જ છે.

આ જગતમાં,દેહ-આદિ ભાવને આત્મીય-બુદ્ધિ વડે ગ્રહણ કરી લેવાથી,કેવળ સુખનો બોજો ઉપાડવા માટે જ મનુષ્યને મમતા-રૂપી પાશથી બંધાવું પડે છે.જેમ, મરી ગયા પછી મળતું સ્વર્ગનું પદ જીવતાને ન મળી શકે,
તેમ,અજ્ઞાનનો અનુભવ થવાથી જાણે ભયભીત થઇ રહેલી "મોક્ષ-સત્તા" પણ અજ્ઞાનીનો આશ્રય કરતી નથી.

જે જે,વસ્તુની સંકલ્પ વડે કલ્પના કરવામાં આવે છે,તે તે નાશ-વાળી જ છે,
પરંતુ,જ્યાં સંકલ્પની કલ્પના પહોંચી શકતી નથી,તે જ "સત્ય" છે-અક્ષય-પરમપદ-રૂપ છે.
"બીજું કંઈ પણ નથી અને હું પણ નથી" એવી ભાવના રાખી તમે સુખેથી રહો.

જેમ,અજ્ઞાની પુરુષ,અમૃતને વિષ માને,તો પણ વિવેકીની દ્રષ્ટિમાં તો તે અમૃત-રૂપ જ છે,
તેમ,અવિવેકીઓને અયોગ્ય અને અસત્ય લાગતી વાત,વિવેકીઓને યોગ્ય અને સત્ય જ લાગે છે.
દેહથી માંડી ચિત્ત સુધી આ આખા જડ શરીરને વિચારીને જોઈએ તો તેમાં ક્યાંય "હું" જેવો ભાવ દેખાતો નથી,
માટે "હું" નથી-એમ સમજવું એ જ સત્ય વાત છે.સર્વ ભેદ-બુદ્ધિથી રહિત થઇ ગયેલા જીવનમુક્ત પુરુષોમાં,
તત્વ-વિચારને લીધે,અહંકારનો ક્ષય કરનારું મુક્ત-પણું જ કેવળ ઉદય પામે છે,બાકી કશું નાશ પામતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE