Sep 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-932

વસિષ્ઠ (શ્રોતાઓને) કહે છે કે- હે મુમુક્ષુઓ-છતાં અજ્ઞાની શ્રોતાઓ,મુક્તિ મેળવવામાં
(૧) ભોગોનો ત્યાગ (૨) આત્મ-વિચાર અને (૩) મન-ઇન્દ્રિયો-વગેરેનો નિગ્રહ કરવાનો પોતાનો પુરુષાર્થ,
આ ત્રણ સિવાય બીજા કશાનો ખપ પડતો નથી,એમ નિશ્ચય કરી તમે સર્વ અનાત્મ-વસ્તુને છોડી દો.
અને કેવળ પોતાના આત્માનું જ તમે તત્વજ્ઞાન દ્વારા શરણ લો.

ઉપર પ્રમાણે,અહંકાર-સુધીની સર્વ દ્વૈત-ભ્રાન્તિને શમાવી દઈને,મનને સર્વ વાસનામાત્રથી રહિત કરીને,
બ્રહ્મ-ભાવ-રૂપે કરવું-તેને જ શ્રુતિઓ અને વિદ્વાનો મોક્ષ કહે છે.
આવી સ્થિતિ તત્વજ્ઞાન વિના કદી પણ પ્રાપ્ત થતી નથી.

જગતની ભ્રાંતિ (જે પરમાર્થ-રૂપ નથી-ને મિથ્યા-રૂપ છે-તે) જ્યાં સુધી રહે,ત્યાં સુધી,
ભલે શ્રુતિઓ વડે "એક-અદ્વૈત"માં થોડો વિશ્વાસ બેસે,તો પણ રાગ-દ્વેષ-આદિ દોષોની પ્રબળતાને લીધે,
અને ઘણા લાંબા કાળથી જગતની સત્યતા વિશેની ભ્રાંતિ-દૃઢ થયેલી હોવાથી,
તે "એક-અદ્વૈત" માં બરાબર દૃઢ-રીતે વિશ્વાસ બેસી શકતો નથી,
એથી જીવને અનાદિ-કાળથી સંસારના બંધનમાં ફસાવું પડે છે.માટે શાસ્ત્રોમાં દૃઢ વિશ્વાસ રાખો તેમજ
"જગત અને હું-એ બંને મિથ્યા છે-ને સાવ છે જ નહિ" એમ સારી રીતે દૃઢ નિશ્ચય રાખો.

જયારે ધન-સ્ત્રી-પુત્ર-શરીર-વગેરેમાં નિસ્પૃહ રહીને,પરમાર્થ-રૂપ પરમ-તત્વને ઓળખી લેવામાં આવે છે,
ત્યારે જ -ચિદાકાશ-રૂપ-વિવેકી (ઉપાધિ-વિશિષ્ટ) જીવ અને તેની દ્રષ્ટિમાં આભાસ-રૂપે દેખાતું આ જગત,
એ બંને શુદ્ધ ચૈતન્ય થઈને રહે છે.વાસ્તવમાં આ જ મુક્તિનો ઉપાય છે-બીજો કોઈ નથી.

(૩૧) મોક્ષસાધનના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-ચિદાભાસ આ સર્વ દૃશ્યને આકારે થઇ રહેલ છે,અને તેની અંદર જે જે વસ્તુ,જેવી રીતે સંકલ્પ દ્વારા સ્ફૂરી આવે છે,તે તે ભલે અસત્ય હો કે સત્ય હો,પરંતુ તેવી રીતે (સ્ફુરણ અનુસાર) અનુભવમાં આવે છે.
ચેતનતત્વ જ પ્રથમ અધ્યાસને લીધે,બહારના આકારે અનુભવમાં આવે છે,અને કોણ જાણે તે પોતે બહાર પદાર્થો (જગત) રૂપે થઇ રહેલ હોય એમ ભાસે છે.એથી,સર્વ (દૃશ્ય જગત) ચેતનનો વિવર્ત હોવાથી ચૈતન્ય-રૂપ છે.

ચિદાત્મા (પરમાત્મા) જ આ સર્વ જગતમાં પ્રસરી રહેલા છે,
તેથી કોઈ પણ જગ્યાએ ચૈતન્ય-સત્તા સિવાય બીજું કશું જુદું નથી.
કોઈનો નાશ પણ નથી,અનર્થો પણ નથી,જન્મ-મરણ પણ નથી,મોક્ષ પણ નથી,
શૂન્ય પણ નથી,અને કોઈ જુદાજુદા પ્રકારની રચનાઓ પણ નથી.
"અધિષ્ઠાન-દૃષ્ટિ"એ જોતાં સર્વ બ્રહ્મ-રૂપ છે,અને "આરોપિત-દૃષ્ટિ"એ જોતાં કશું બ્રહ્મ-રૂપ નથી.
જગત અને અહંકાર-આદિ મિથ્યા જ છે-તેમનો જોકે જ્ઞાન થતાં નાશ થાય છે,
છતાં વસ્તુતઃ જોતાં,તેમાં શો નાશ થાય છે? (કંઈ નહિ) કેમ કે અસત્ય પદાર્થનો વળી નાશ ક્યાંથી હોય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE