Sep 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-929

આત્મતત્વમાં એકરસ થઇ,અંદર જડ નહિ છતાં-બહાર ઠૂંઠાની જેમ,સંસારના સર્વ-જ્ઞાનથી રહિત થઇ જઈ,
કોઈ પણ દુઃખથી ક્ષોભ પામ્યા વિના-કેવળ શાંત રહી,આત્મનિષ્ઠ થઇ રહેવું તે જ મોક્ષ કહેવાય છે,
અને એ જ અક્ષય-પદ-રૂપ (પરમપદ-રૂપ) છે.વિવેકનો ઉદય થતાં મનુષ્ય જ્ઞાની થઇ,તત્વવેત્તા અને
જીવનમુક્ત થાય છે.પણ,અવિદ્યા(અજ્ઞાન-કે માયા) વાળો અજ્ઞાની અનેક યોનિઓમાં ભટકે છે.

"હું,બ્રહ્મ અને જગત" એ સર્વ ભેદ,અવિદ્યા-રૂપી એક જાતનો ભ્રમ જ છે અને મિથ્યા છે.
વિચાર કરી જોવામાં આવે તો-દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઇ જાય,તેમ એ કશું નજરે પડતું નથી.
સર્વ ઇન્દ્રિયોના સમૂહ-વાળો,છતાં કશો સંકલ્પ નહિ કરનારો,બાહ્ય-જ્ઞાનના અનુસંધાનથી રહિત,અને,
શાંત બુદ્ધિ-વાળો,જીવનમુક્ત પુરુષ,બહાર અને અંદર બ્રહ્મ સિવાય બીજું કશું અનુભવતો જ નથી.

સમાધિ-દશામાં જ્ઞાની પુરુષને માત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે,તો સર્વ દૃશ્ય-જાળ (જગત)
પોતાના આત્મામાં જ લીન થઇ ગયેલી હોવાથી,તે સર્વ તેને આત્મા-રૂપ જ જણાય છે.
જેવી રીતે આકાશની અંદર ભ્રાંતિ વડે કાળાશ દેખાય છે,તેવી રીતે પરમાત્માની અંદર ભ્રાંતિથી જ
પૃથ્વી-વગેરે પદાર્થો જોવામાં આવે છે.એટલે આમ,પરમાત્મા એ સર્વ-દૃશ્ય-વર્ગથી રહિત જ છે.
"આ સર્વ દૃશ્ય મિથ્યા છે"એવી જે પુરુષની દૃઢ-બુદ્ધિ હોય છે,
તે પુરુષ ભલે બહાર,વાસના-વાળો જણાતો હોય તો પણ (તે અંદર) વાસના વિનાનો જ છે.

આ સંસાર,સંકલ્પની અંદર રહેલો એક અદભુત ઠાઠ છે,તો એનામાં શું વિશ્વાસ રાખવો યોગ્ય છે?
આ સંસાર જોકે પ્રત્યક્ષ જોવામાં આવે છે,છતાં પણ તે સાંકલ્પિક જ હોવાથી,તેમાં શો વિશ્વાસ રાખવો?
આમ,કર્તા અને ભોક્તા-એ બંને અસંભવ હોવાને લીધે,સુખ-દુઃખ પણ નથી કે પુણ્ય-પાપ પણ નથી,
અને કોઈનું કશું નાશ પણ પામતું નથી.

પ્રાણ,બુદ્ધિ,મન,દેહ-વગેરેમાં તાદામ્યને પ્રાપ્ત થઇને,મંગલમય ચિદાત્મા,અનેક પ્રકારના સ્વભાવો ધારણ કરે છે,
અને સંસારમાં અનેક અનર્થોથી ઘેરાયેલો હોય,એમ પ્રત્યક્ષ દેખાય છે,છતાં એ સર્વ વાતનું (યુક્તિઓથી)
નિરાકરણ કરવામાં આવે-તો-ચિદાત્માનું,દુઃખ-રહિત,નિરતિશય આનંદરૂપ-પણું અવશેષ રહે છે.
અને આ સિદ્ધ કરવા માટે વેદાંતમાં બતાવેલ "અધ્યારોપ અને અપવાદ"નો આશ્રય કર્યા સિવાય બીજી કોઈ
યુક્તિ નથી.વળી ચિદાત્માનું ચિત્ત-દેહ-વગેરે રૂપે અનેક થઇ જઈ જન્મ-મરણ-વગેરેની ઘટમાળમાં
ઘસડાઈ જવું-તે સમજવામાં "વિવર્ત-વાદ" સિવાય બીજી કોઈ યુક્તિ ઘટી શકતી નથી.

હવે,આ બધી (આગળની) વાત સ્વીકારવાને બદલે-જો આત્માને "અવયવ-વાળો" માનીએ,
તો,પછી તે જડ અવયવોવાળો છે કે ચેતન અવયવવાળો છે? -એ વાતનો વિવાદ ચાલુ થાય.
જડ કે ચેતન ગમે તે માનો,તો પછી,એ જડ-ચેતન અવયવોનો નાશ થાય તો એ આત્માનો પણ નાશ થાય,
અને જો આમ થાય (એમ વિચારીએ) તો કૃતનાશ(કરેલાં કર્મોનો નાશ) અને
અક્રુતાભ્યાગમ (નહિ કરેલાં કર્મોની પ્રાપ્તિ) એ બે દોષ આવે છે,માટે "વિવર્ત-વાદ" જ સ્વીકારવા યોગ્ય લાગે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE