Sep 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-928

જેમ,પોતાના ચિત્તમાં થતું ઘટ-આદિ પદાર્થોનું સ્ફૂરણ,પોતાના સિવાય બીજા કોઇથી જાણી શકાતું નથી,
તેમ,આ "પરમપદની સ્થિતિ" પોતાના (અનુભવ) સિવાય બીજા કોઇથી જાણી શકાતી (અનુભવાતી) નથી.
આ સ્થિતિમાં "હું કે તમે" (બીજું કોઈ છે) એવો કોઈ ભાવ કે નિરહંકારતા પણ રહેતી નથી,માત્ર એક કૈવલ્ય (એક) જ બાકી રહે છે,કે જે નિર્વિકાર,નિર્વાણ-રૂપ અને પરમ-મંગલમય છે.

વિવેકીઓ કહે છે કે-શુદ્ધ ચિદાત્મા,જયારે ચિત્ત દ્વારા બહિર્મુખ થાય છે,ત્યારે તેમાં,જડ-દ્રશ્યમાં રહેલી "ક્રિયા"
(શક્તિ-કે માયા-કે અવિદ્યા) દેખાય છે,અને એ જ જન્મ-મરણના હેતુ-રૂપ છે,બંધનકારક છે.
પણ જો એ ચિદાત્મા બહિર્મુખ ના થતાં,જો અંતર્મુખ જ રહે,તો તેમાં,જડ-દ્રશ્યમાં રહેલી "ક્રિયા"
દેખાતી નથી,અને એ સ્થિતિ પરમ-મોક્ષ-રૂપ,શાંત,અક્ષય,અને પરમપદ-રૂપ  છે.

વસ્તુતઃ તો-(માયા-વિહીન) શુદ્ધ,શાંત,નિર્વિકાર પરબ્રહ્મ-જો સર્વત્ર રહેલો હોય,તો તેમાં અન્યથી પ્રકાશ લેતો,
જડ-દૃશ્ય-વર્ગ જુદો સંભવતો જ નથી,તો પછી કોણ કોનો પ્રકાશ કરે ને શી રીતે કરે?

જેવી રીતે,વાસનાને અનુસરીને ચિદાત્મામાં સ્ફુરતો સંકલ્પ,એ ચિદાત્માથી જુદો ના હોવા છતાં,
કેમ જાણે જુદો હોય તેમ દેખાય છે,તેવી રીતે,જાગ્રતમાં પણ પોતાનો આત્મા જ બહિર્મુખ થતાં,
કેમ જાણે દૃશ્ય-પ્રપંચ-રૂપે,જુદો થઇ રહ્યો હોય એમ ભાસે છે.
મન,બુદ્ધિ-વગેરે ચિદાત્મા સાથે એકરસ હોવાથી,ચૈતન્ય-રૂપ છે,પણ તે જ મન-બુદ્ધિ વગેરેને,
"મન-બુદ્ધિ-વગેરે" ની "નામ-રૂપની ઉપાધિ" સાથે જોડી દેતાં તે જડ જણાય છે.

"જો કોઈ દૃશ્ય-પદાર્થ (જગત) છે જ નહિ,તો પછી કેવળ ચૈતન્ય અને શૂન્યમાં શું ફરક છે?"
એવી શંકા લાવવાની જરૂર નથી કારણ કે,બંનેમાં જે અંતર છે-તે વિવેકી-અનુભવી પુરુષ જાણે જ છે,
માત્ર વાણી વડે તેને વર્ણવી શકાય તેમ નથી.
જેમ,અંધારામાં ઉઘાડી આંખે, બહુ પ્રયત્નથી જોવામાં આવે તો,સૂક્ષ્મ-રૂપ અને અસદ-રૂપ એવો કંઇક
અનિર્વચનીય આભાસ જોવામાં આવે છે,તેમ,બ્રહ્મની અંદર આ જગત અનિર્વચનીય રીતે ભાસ્યા કરે છે.

આમ,જો વાસનાથી રહિત થઈને અંતર્મુખ થઈને હું રહું,તો હું પોતે ચિદાકાશ-રૂપ જ છું,
તમે પણ જો કોઈ વાસના નહિ બાંધો તો ચિદાકાશ-રૂપ જ છો,અને બીજો કોઈ પણ પુરુષ "હું ચિદાકાશ-રૂપ છું" એવા નિશ્ચયવાળો હોય તો તે જ્ઞાની પુરુષ પણ ચિદાકાશ-રૂપ જ છે.
જો કે,બહાર વ્યવહારમાં અજ્ઞાની જણાતા (પરંતુ ચિન્મય એવા) પુરુષો,પોતાની મેળે જ,
પોતાનાં દેહાદિ-હોવા છતાં,પણ કોણ જાણે તે કશું ન જ હોય,તેમ આત્મનિષ્ઠ અને મહાશાંત થઈને રહે છે.

જીવોનો,સંસાર-રૂપે ફેલાઈ રહેલો "અવિદ્યા-રૂપી-અગ્નિ" (સાક્ષી-ચૈતન્ય વડે રક્ષા કરાયેલા) "અજ્ઞાન-રૂપી-વાયુ"
વડે પ્રજ્વલિત થાય છે,છતાં જયારે "અહં બ્રહ્માસ્મિ" એ મહાવાક્યને અનુસરીને" જ્ઞાનનો ઉદય" થાય છે,
ત્યારે છેવટની "આત્મસાક્ષાત્કાર-વૃત્તિ" રૂપે પરિણામ પામેલો અવિદ્યા-અગ્નિ,અજ્ઞાન-વાયુ વડે જ શમી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE