Sep 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-934

માંસ-આદિથી જે સ્થૂળ દેહ બંધાય છે-તે સર્વ પંચીકૃત પંચમહાભૂતના વિકાર-રૂપ છે,
તથા જડ-અસત્ય અને ભ્રાંતિ-માત્ર છે.
એવી જ રીતે મન-બુદ્ધિ-અહંકાર વડે જે સૂક્ષ્મ-દેહ (લિંગ-દેહ) બંધાય છે,
તે પણ અપંચીકૃત પંચમહાભૂતના વિકાર-રૂપ છે,અને તેથી તે પણ,જડ-અસત્ય-ભ્રાંતિ-માત્ર જ છે.

આમ, લિંગ-દેહ (સૂક્ષ્મ-દેહ)નું સ્થૂળ શરીર એ માત્ર મન-બુદ્ધિ-અહંકાર-વગેરે રૂપે જ રચાયેલું છે.
કે જે લિંગ-દેહમાં અહંકાર-રૂપે પ્રવેશેલો ચિદાત્મા,અવિદ્યા (માયા) વડે-સ્થૂળ દેહને પોતા-રૂપ માની લે છે.
પણ જો તે વિવેકથી પોતાના પ્રકાશ-રૂપ ચૈતન્યની સ્થિતિ રાખવા માંડે-તો મુક્ત-પણાનો ઉદય થાય છે.

લિંગ-શરીર-રૂપી ઉપાધિની અંદર જયારે (તદાકારના અભ્યાસથી) આત્મ-ચૈતન્ય મળેલ હોય,
ત્યારે તે દૃશ્ય પદાર્થ (જગત) તરફ વળે છે,
તેને લીધે,તેની (તે જગતની) સાથે સંબંધ રાખનારી વાસના પણ તેની સાથે જ હોય છે,
પણ જો જ્ઞાન વડે "આત્માથી કશું જુદું છે જ નહિ" એવું અનુભવવામાં આવે
ત્યારે,લિંગ-દેહ પણ નહિ રહેવાથી,વાસના પણ ક્યાંથી રહે?
કેવી રીતે રહે? કે કઈ જગ્યાએ રહે? કે તેનું સ્વરૂપ પણ ક્યાંથી બાકી રહે?

જે જીવ (દેહ)ને,આ જગત સંબંધી ભ્રાંતિ પેદા થાય છે,
તે જીવ જ તત્વ-દૃષ્ટિથી જોવા જતાં ઝાંઝવાના જળની જેમ મિથ્યા છે અને જોવામાં આવતો નથી,
તો પછી જન્મ-મરણ-આદિ સંસાર કોને હોય? ક્યાંથી હોય?કેવો હોય?
આત્મજ્ઞાન મેળવવા તૈયાર થયેલા,પુરુષને જો વૈરાગ્યની દૃઢતા ના હોય,
તો તેના ચિત્તમાં વિષયોનું સ્મરણ થાય છે.
અને જો આમ ચિત્તનો ઉદય થાય તો,તેને ફરીવાર આ સંસારની ભ્રાંતિ ખડી થઇ જાય છે.

માટે કશા દૃશ્ય-પદાર્થનો આશ્રય નહિ કરતાં,આકાશની જેમ અસંગ,નિર્વિકાર અને સ્વચ્છ થઇ આત્મનિષ્ઠ
થઇ રહેવું અને ભૂમિકાના અભ્યાસથી, પાછું કોઈ વખત આ સંસાર-રૂપી ભ્રાંતિ'નું સ્મરણ જ ના થાય,
એ રીતે તે દૃશ્ય પદાર્થને ભૂલી જવું-એ જ આ લોકમાં કલ્યાણ-રૂપ છે.

"અહીં કોઈ દૃષ્ટા પણ નથી,કોઈ ભોક્તા પણ નથી,કોઈનું અસ્તિત્વ પણ નથી અને કોઈનું નાસ્તિત્વ પણ નથી,
આ સર્વ એક શાંત ચિદરૂપ છે.સર્વ દૃશ્ય જગત બ્રહ્મ-રૂપ છે,
અને આરોપિત દૃષ્ટિએ મિથ્યા છતાં અધિષ્ઠાન-દૃષ્ટિએ સદ-રૂપ  છે" એ પ્રસિદ્ધ-રૂપનું જયારે જ્ઞાન થાય છે,
ત્યારે જેમ જળ સૂકાઈ જવાથી તેમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ ક્ષીણ થઇ જાય છે,
તેમ,ચિદાભાસ અને લિંગ-શરીર-રૂપ-ઉપાધિ-એ બંનેનો ક્ષય થઇ જાય છે,ને તત્વજ્ઞાનનો ઉદય થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE