Sep 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-935

પરમાત્માનું શુદ્ધ ચૈતન્ય,સંકલ્પ-માત્રથી રહિત છે.શાંત છે,
અને તેમાં જગત-જીવ-આદિ તત્વોની "ભાવના" કરવામાં આવે તો તે ચૈતન્ય-તત્વ તેવું (જગત-રૂપ) દેખાય છે,
પણ જો એવી ભાવના કરવામાં ના આવે તો તે ચૈતન્ય-રૂપ જ જણાય છે.
સ્વપ્ન-જાગ્રત-આદિ અવસ્થા સંબંધી સર્વ પદાર્થોનું જ્ઞાન શાંત થઇ જતાં કેવળ શુદ્ધ ચૈતન્ય જ બાકી રહે છે,
અને તે અસ્તિત્વ (ચૈતન્ય)નું નિરૂપણ કરવા માટે દેશ-કાળ-વગેરેનો આધાર ના હોવાને લીધે,
તે વ્યવહારનો વિષય નથી,તેમ જ શુદ્ધ રૂપનો કદી બાધ નહિ થવાને લીધે તેનો અભાવ પણ કહી શકાતો નથી.

એ તત્વ વાણી વડે વર્ણવી શકાય તેવું નહિ હોવાથી વાણીનો તો વિષય (વર્ણવી શકાય તેવું) જ નથી.
આ વાત સમાધિ-નિષ્ઠ જીવનમુક્ત પુરુષ,તેની ભ્રાંતિનો પૂર્ણ લય,થવાથી સમજી શકે છે,બાકી આત્મ-તત્વનું સ્વરૂપ એ જ્ઞાની-પુરુષની પણ ઉપદેશ વાણીનો પણ વિષય નથી.એ તો માત્ર અનુભવથી જ સમજાય તેવું છે.
માટે હે રામચંદ્રજી,તમે અહંકાર છોડી દઈ,શોક,લોભ,મોહ,મન,દેહ,મનન,ઇન્દ્રિયો,અજ્ઞાન,ભય-વગેરે સર્વનો
ત્યાગ કરીને શાંત,અજન્મા,અક્ષય,સર્વ ભેદમાત્રથી રહિત,એક બ્રહ્મ-રૂપ થઇ સમાધિનિષ્ઠ થઈને રહો.

(૩૨) સત્ય વસ્તુ-જ્ઞાનોપદેશ

વસિષ્ઠ કહે છે કે-જેમ,ગતિ કરીને પવન પોતાનું સ્વરૂપ ફેલાવે છે,તેમ,ચિદાત્મા,જયારે બહિર્મુખ થઈને
પોતાના સ્વરૂપને પ્રસારે છે ત્યારે,અહંતા અને મિથ્યા જગતની ભ્રાંતિ,મિથ્યા છતાં,
કેમ જાણે ખડી થઇ ગઈ હોય એમ ભાસે છે.એટલે,ભલે જો અહંતા અને જગત-રૂપી ભ્રાંતિનો ઉદય થયો હોય
પણ તે જો બ્રહ્મ-રૂપ જણાય તો તે (ભ્રાંતિ) ખેદ-કારક (દુઃખ દાયક કે અનર્થ વાળો) થતી નથી,
પણ જો જગતના નામ-રૂપ વડે તેની ભાવના કરવામાં આવે તો-તે અનર્થકારક (દુઃખદાયક) થાય છે.

જેમ આંખ,જોવાના પદાર્થ પર જઈ,રૂપનો અનુભવ કરે છે,
તેમ ચેતન-તત્વ પણ બહિર્મુખ થઇ જઈ,પોતાના જ રૂપને પ્રસારી દઈ,જગતની ભ્રાન્તિને અનુભવે છે.
અને આમ,ચૈતન્ય,બહિર્મુખ થઇ,પોતાના રૂપને જે બહાર ફોગટ પ્રસારી દે છે,
તેનું એ પ્રસરેલું રૂપ (જગત તરીકેનું) એ પ્રસારવાનો કોઈ "વિષય" ના હોવાથી મિથ્યા છે.
અને આમ જો તે મિથ્યા હોય તો પ્રસરે પણ શી રીતે?

આમ (મિથ્યા) હોવા છતાં,ચિદાત્માનું ઉપર પ્રમાણેનું બહિર્મુખપણે ફેલાવું,બાહ્ય-વસ્તુઓના અનુભવ વડે
સિદ્ધ થાય જ છે.અને આ અનુભવ થવાને લીધે,તે (ચિદાત્મા) બાહ્ય પદાર્થના અનુભવ કરનાર તરીકે દેખાય છે.
અને આ (અવિદ્યા-કે -અજ્ઞાન-માયાનો) અનુભવ વિદ્યા (જ્ઞાન) વડે (કે સત્યતાથી વિચારવાથી) નાશ પામે છે.
એટલે (જ્ઞાનની દૃષ્ટિથી જોવા જતાં-કે વિચારતાં) બાહ્ય વસ્તુઓ,ભ્રાંતિ-કલ્પિત હોવાથી મિથ્યા છે,
અને ચિદાત્મા તેનો (તે બાહ્ય વસ્તુઓનો) પોતે અનુભવ કરતો નથી.
તેમ છતાં,બાળકે મનથી કલ્પી લીધેલા યક્ષની જેમ,તે "મિથ્યા-રૂપે" (તે વસ્તુઓનો) અનુભવ કરે (પણ) છે.
(નોંધ-વિરોધાભાસી જણાતા એવા આ વાક્યનો અતિ-વિચારવાથી જ ખુદથી જ જવાબ મળી શકે તેમ છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE