Oct 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-936

 "હું અમુક-રૂપ છું"એમ કલ્પી લેવાથી ખડો થઇ જતો "અહંકાર" દુઃખકારક છે,પરંતુ,"હું એવું કંઈ પણ નથી" એવી સંકલ્પ-રહિત સ્થિતિ ગ્રહણ કરવામાં આવે તો,"અહંકાર"નો ઉદય થતો નથી.
માટે વિચાર કરતાં જણાય છે કે-બંધન-અને મોક્ષ-એ બંને પોતાને (ખુદને) સ્વાધીન છે.


વિદ્યા (જ્ઞાન) વડે અજ્ઞાનનો નાશ થઇ (૧) ચિદાત્મા સાથેએક રૂપ થઇ જવું (૨) ચેતન-રૂપે જણાતી મન-બુદ્ધિ-વગેરે સર્વ જડ-વસ્તુઓને જરા પણ (ચૈતન્યથી)જુદી ના જાણવી (૩)દૃષ્ટા-દૃશ્ય-વગેરે દ્વૈતભાવ છોડી દેવો
(૪) કેવળ ચિદાકાર-વૃત્તિ વડે ચિત્તમાં બીજું કશું સ્ફુરવા દેવું નહિ અને (૫) જડ પાષાણની જેમ અચળ-પણે સમાન-ભાવથી,નિર્વિકાર તથા શાંત થઇ રહેવું--એ જ ધ્યાન કે સમાધિ છે.કે મોક્ષનો આધાર છે.

હે,પાંડિત્યનું અભિમાન ધરાવનારા વાદીઓ (જુદા જુદા વાદોને માનનારા અને ખંડન-મંડનમાં રચ્યા રહેનારા)
તમે દ્વૈત-અદ્વૈતનો વાદ-વિવાદ કરીને મૂર્ખાઓની જેમ ઝગડાઓમાં પડી,વાણીનો વિલાસ કરી,નકામું ગળું દુખવશો નહિ.(ઉપર કહ્યા મુજબ) ઘાટી વાસના-વાળાઓ મૂઢ પુરુષ જ બહિર્મુખ-પણાને લીધે "સંકલ્પ"વડે રચાયેલા દૃશ્ય (જગત)ને,રૂપ-આદિ બાહ્ય વિષયો અને મન-બુદ્ધિ-આદિ દ્વારા આંતરવિષયો,
(તે જગતને) મિથ્યા હોવા છતાં પણ જુએ છે,અને તેનાથી થતું દુઃખ પણ ભોગવે છે.(એ સત્ય જ છે)

(જો કે થોડી દેખાવ-માત્ર)વાસના-વાળો વિવેકી-પુરુષ,અંતર્મુખ હોય છે,તેથી તેને જ્ઞાનને લીધે,
બહારના (રૂપ-આદિ) અને અંદરના (મન-બુદ્ધિ-આદિ) વિષયો,સૂતેલા પુરુષની જેમ, નહિ-જેવા જ લાગે છે.
વળી પ્રારબ્ધયોગ વડે પ્રાપ્ત થયેલું દુઃખ (કે સુખ) તેવા પુરુષને,ઉપરથી (બાહ્ય-રીતે) જોવા જતાં,
ભોગવ્યા જેવું જણાતું હોય,પણ નિજાનંદમાં ઢંકાઈ જવાને લીધે-તે (તેના માટે) નહિ ભોગવ્યા જેવું જ છે.

જેમ,સંસારના બીજા પદાર્થોની વાસનાઓનો વધારો થવાથી સંસારનો અનુભવ થાય છે,
તેમ,દેશ-કાળ અને ક્રિયાના યોગથી વાસનાઓ ધીરે ધીરે ઓછી થતી સમૂળગી નાશ પામે તો,
મુક્ત-પણાનો અનુભવ થાય છે.આગળ કહેલી યુક્તિ વડે "પરબ્રહ્મથી 'હું' એવી જુદી કાંઇ વસ્તુ જ નથી
અને શરીર હોય કે પડી જાય ત્યારે પણ અહંકાર વાળો જીવ બ્રહ્મની સત્તાથી જુદો નથી"
એમ જેને દૃઢ નિશ્ચય થઇ જાય અને સમાધિ-પૂર્વક શાંતિથી રહે,તેને દૃઢ-બોધ થયો કહેવાય છે.

આમ,પરમ-ચૈતન્ય-તત્વ (પરમાત્મા) માં (વાયુમાં જેમ-પ્રવાહ અને ગતિ કલ્પવામાં આવે છે તેમ)
જગત-જીવ-આદિ સર્વ ભાવ "કલ્પવામાં" આવે છે,કે જેનો,
"હું કોણ છું? આ જગત શી રીતે થયું?" એવા વિચાર કરવાથી,(તે કલ્પનાઓનો) ક્ષય થાય છે.
"હું એવી કંઈ પણ વસ્તુ જ નથી" એમ દૃઢ નિશ્ચય થવો-એ જ મોક્ષ છે.(તો પછી એવો નિશ્ચય કેમ ના કરવો?)

આવો "અહંકારનો અભાવ" એ સત્સંગ અને "વિચાર" કરવાથી તરત જ અનુભવમાં આવે છે.
જેમ પ્રકાશ વડે અંધકાર જતો રહે છે,તેમ સત્સંગ અને વિચારથી અહંકાર-રૂપી-બંધન ક્ષીણ થઇ જાય છે.
માટે જીવ-ભાવ રહે ત્યાં સુધી,તત્વવેત્તાઓનો સમાગમ અને વિચાર કરવો કે જેનાથી જ્ઞાનનો ઉદય થતાં,
આ સર્વ જગત ચૈતન્ય-રૂપે જ ભાસે છે.અને અહંકાર પણ ચિદાત્માથી જુદો ભાસતો નથી.
વસ્તુરુપને ઢાંકી દેનાર અજ્ઞાન નાશ પામી જાય છે અને એક જ ક્ષણમાં વાસ્તવ તત્વનું જ્ઞાન થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE