Oct 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-937

હે રામચંદ્રજી,જે જે શાસ્ત્રોમાં (વેદાંતશાસ્ત્ર-ન્યાયશાસ્ત્ર-વગેરેમાં)
જે જે પુરુષો વધારે બોધવાળા (જ્ઞાનવાળા) હોય,તેમની તમે જુદી જુદી રીતે સેવા કરતા રહો
(અને જાતે વિચાર કરી જ્ઞાન ગ્રહણ કરતા રહો)
કેમ કે તે જુદા જુદા શાસ્ત્રોના જ્ઞાનીઓનો જયારે પરસ્પર સમાગમ થઇ જાય,
ત્યારે (પ્રત્યેક મનુષ્યના વિચારો જુદાજુદા હોવાને લીધે) પરસ્પર વિરુદ્ધ યુક્તિ વડે
પોતાની વાત (કે વાદ) સિદ્ધ કરવા જતાં વચમાં એક "વાદ-રૂપી-પિશાચીણી" (રાક્ષસીણી)ખડી થઇ જાય છે.

ત્યારે તમે ભલે વિવેકી હો,પણ જુદીજુદી યુક્તિ વડે સિદ્ધ થતું પણ જુદાજુદા તાર્કિકોથી પ્રતિપાદન કરાતું,
એ એક તત્વ (ચૈતન્ય) વિષે (જુદા જુદા તર્કોમાંથી કોઈ એક ) તમારા મળતા આવતા વિચાર મુજબ,
"અમુક જ વાત (કે વાદ) નો સ્વીકાર જ મારા માટે વધારે શ્રેષ્ઠ છે"
એવી (કદાચિત) ભ્રાંતિ પેદા થાય છે,અને તેનાથી અનર્થમાં ઉતરવું પડે છે.
માટે સાચા વિવેકી પુરુષે,એકાંતમાં જ પ્રત્યેક પંડિતનો સમાગમ કરી,
તેમની કહેલ બાબતોનો,પોતાની બુદ્ધિ વડે જાતે જ સારી રીતે (તટસ્થતાથી) "વિચાર" કરવો.
અને પોતાની બુદ્ધિની વૃદ્ધિ (કે શુદ્ધિ) માટે,તે તે પંડિતે કહેલા વિષયની,બીજા પંડિતના વિષય સાથે,
તથા,શ્રુતિ-યુક્તિ અને પોતાનો અનુભવ-થી તેની બરોબર પરીક્ષા કરવી,
અને પછી જે સર્વ સંકલ્પથી રહિત હોય,સત્ય હોય-
તે પરમતત્વનું જ નિર્વિકલ્પ સમાધિ દ્વારા તન્મય-પણું સંપાદન કરવું.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ઉપર કહ્યા મુજબ,વિદ્વાન પુરુષોના સમાગમ વડે,"બુદ્ધિ" ને
તીક્ષ્ણ બનાવી દઈ,અજ્ઞાન-રૂપી-લતાના કટકે-કટકા કરી તેને નિર્મૂળ કરી નાખો.
આ વાત સંભવિત છે અને થઇ શકે તેવી છે,માટે જ હું તમને કહું છું,
અને આ વાત અમે પોતે અનુભવેલી પણ છે.અમે કંઈ બાળક નથી કે મિથ્યાવાદી પણ નથી.

જેમ,આકાશની અંદર,વાદળાં-ઝાકળ-વગેરે થવાથી તેનું કંઈ ઇષ્ટ કે અનિષ્ટ થતું નથી,
તેમ,નિઃસંકલ્પ યોગી-પુરુષને પણ આ જગતના સર્વ વ્યવહારોથી ઇષ્ટ કે અનિષ્ટ થતું નથી.
"વિચાર" વડે બ્રહ્મનું નિર્વિકાર અને પૂર્ણ સ્વરૂપ જાણવામાં આવે તો-આ સર્વ દૃશ્ય-જાળ
ઝાંઝવાના જળની જેમ મિથ્યા જ જણાઈ જાય છે.બ્રહ્મ-સત્તાથી જુદું,બીજું અહંકારના આધાર-રૂપ,
કોઈ આત્માનું સ્વરૂપ જ નથી,તેથી દૃઢ નિશ્ચય કરી,પરમાત્મામાં લીન થઇ રહેલા તત્વવેત્તા પુરુષની અંદર,
સંકલ્પ-આદિ ભ્રાંતિ ક્યાંથી થાય? કેવી રીતે થાય? અને શા માટે થાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE