Oct 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-938

(૩૩) ભ્રાંતિના નાશનો ઉપાય
વસિષ્ઠ કહે છે કે-પોતાના પ્રયત્નથી અને (શાસ્ત્રો-વગેરેના) સત્સંગથી વિકસિત થયેલી બુદ્ધિથી,
જો "જ્ઞાન" મેળવવામાં ના આવે તો,પછી તેને માટે (તે જ્ઞાન મેળવવા માટે) નો બીજો કોઈ ઉપાય નથી.
જેમ,વિષ એ સ્વભાવે જ મરણ-કારક છે,તેમ છતાં,રસાયણશાસ્ત્રમાં કહેલો ઉપાય જો કરવામાં આવે તો,તે વિષ તેનો વિષ-ભાવ છોડી અમૃતમય બની જાય છે,
તેમ,તમે પોતે જે જે વાસના,અવિદ્યા,જગત આદિ સર્વ કલ્પી લીધેલા છે,તેની સામે શાસ્ત્રમાં બતાવેલી
"પ્રતિકલ્પના" (ક્રિયા-વિચાર-વૈરાગ્ય-ભોગત્યાગ-વિવેક-દોષદૃષ્ટિ-વગેરેનું નામ પ્રતિકલ્પના છે)
પોતાની મેળે જ કરવામાં આવે તો,એ સર્વ (વાસના-વગેરે) પોતાનો સ્વભાવ ભૂલી મોક્ષમાં ઉપયોગી થાય છે.

જ્યાં સુધી કલ્પના-માત્રની નિવૃત્તિ થઇ જાય ત્યાં સુધી,વાસના-જગત-અવિદ્યા-વગેરેના સંબંધમાં,
શાસ્ત્રમાં બતાવેલી,"પ્રતિકલ્પના" કર્યે જવી,કેમ કે કલ્પનામાત્રની નિવૃત્તિ થઇ જતાં,
અવશિષ્ટ રહેલા આત્મામાં જ નિમગ્ન રહેવું-તે મુક્તપણાનું લક્ષણ છે.
એ કલ્પનાની (બ્રહ્મમાં જગતની કલ્પનાની) સંપૂર્ણ નિવૃત્તિ,પ્રથમ વૈરાગ્યપૂર્વક ભોગોનો ત્યાગ કરવાથી જ
સિદ્ધ થાય છે,તે વિના બીજી કોઈ રીતે તે (નિવૃત્તિ) સિદ્ધ થતી નથી.

જે પુરુષ,બહાર વાણી વડે અને અંદર મન વડે,નામ-રૂપની ભાવના જ નહિ કરતાં,
વાણી અને મનનો નિરોધ કરવામાં તૈયાર થઈને રહે,તેની અંદર ધીરે ધીરે કલ્પનાનો નાશ થવાનો વધતો જાય છે.
એક અહંકારને છોડી દઈએ તો અવિદ્યા(માયા) નું બીજું કશું રૂપ જોવામાં આવતું નથી,
એટલે એ અહંકાર જો નાશ પામે તો બીજી કશી ભાવના નહિ ઉઠતાં,આત્માથી મોક્ષ જુદો રહેતો નથી.

તત્વ-સાક્ષાત્કાર થયા પછી પણ જો તમે જગત-જીવ-વગેરેમાં રૂચી રાખી,સ્થૂળ-દેહ રહે ત્યાં સુધી,
થોડો પણ અહંકારનો આધાર રાખશો-તો પોતાનું પરિપૂર્ણ આત્મ-સ્વ-રૂપ ભૂલી જવાને લીધે,
તમે અનેક દુઃખ-પરંપરામાં અથડાઈ મરશો.તમે જો અહંકારનો ત્યાગ કરશો તો સર્વ દુઃખની નિવૃત્તિને પ્રાપ્ત થશો.

જે પુરુષની દૃષ્ટિ પાષાણની જેમ અચળ હોય છે તેની વૃત્તિ બહિર્મુખ થતી નથી.
તેની દૃષ્ટિમાં કોઈ પણ પદાર્થ સત્ય જોવામાં આવતો નથી,તેથી એ દૃશ્ય (જગત કે જગતના પદાર્થો)
વિદ્યમાન (દેખાતું) છતાં અવિદ્યમાન (ના દેખાયા જેવું) થઇ રહ્યું હોય છે,આવા મહાત્મા પુરુષને નમસ્કાર હો.
જેનું ચિત્ત પરબ્રહ્મની અંદર લયને પ્રાપ્ત થઇ ગયેલું હોય,એવા મહાત્મા પુરુષની સ્થિતિ,
બહાર પાષાણની જેમ અચળ હોય છે અને અંદર ચૈતન્યની ભાવના વડે,
આ દૃશ્ય-જાળ(જગત) શૂન્ય જણાયાથી શમી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE