Oct 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-942

દૃષ્ટા (ચૈતન્ય) ને દેહાદિક-રૂપે જાણવો,એ જ બંધન-રૂપ છે,
અને તેને શુદ્ધ ચૈતન્ય-રૂપ જાણવો એ મોક્ષ-રૂપ છે.
તમે યોગ્ય સ્થિરતા ધારણ કરી,શિષ્ટાચાર પ્રમાણે,ભૂમિકાઓના અભ્યાસથી,
શાંતપણાથી, વિક્ષેપ-રહિત થઇ જઈ,આત્માને શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ જાણનારા થાઓ.
દૃષ્ટા,કદી પણ દૃશ્ય-ભાવને પ્રાપ્ત થતો નથી,અને ચેતન-તત્વ કદી જડ્ભાવને પ્રાપ્ત થઇ શકતું નથી.એ પ્રમાણે જડવસ્તુઓનો અભાવ સિદ્ધ થાય છે,એટલે જગતનું અસ્તિત્વ પણ સિદ્ધ થઇ શકતું નથી.આમ,દૃષ્ટા-દૃશ્યની દશાનો અભાવ છે,માટે તમે જાગ્રત અવસ્થામાં જ સુષુપ્તિ અવસ્થાની જેમ,
શૂન્ય જેવા અને આકાશના જેવા નિર્મળ થઈને રહો.

જેમ,વૃક્ષની અંદર ક્રમે કરી -થવું,હોવું,વધવું,ઘટવું-વગેરે છ ભાવ-રૂપ-વિકારોનો પ્રતિભાસ જોવામાં આવે છે,
તેમ ચિદાત્માની અંદર આ સૃષ્ટિ દેખાય છે. આ બાબતમાં બીજ મુખ્ય દૃષ્ટાંત-રૂપ છે.
જેમ,સર્વ વૃક્ષો,બીજના વિકાર-રૂપ હોવાથી,બીજ-રૂપ છે,તેમ,આ સઘળો વિસ્તાર ચેતન-સત્તાનો હોવાથી
તે સર્વ ચૈતન્ય જ છે.પરબ્રહ્મ પોતે સદા નિર્વિકાર છે,અને આ સર્વ જગત પરબ્રહ્મ-રૂપ જ છે.
એથી એ જગત પણ નિર્વિકાર,અનાદિ અને અનંત છે એમ તમે નિઃશંક રીતે સમજો.

આ દ્વૈત-અદ્વૈત એ સર્વ વિકાર સંકલ્પ-રૂપ જ છે.અને સંકલ્પનો ક્ષય થતાં તેનો પણ ક્ષય થઇ જાય છે.
જેવો શૂન્ય-પણાનો અને આકાશનો ભેદ કલ્પના-માત્ર જ તમારા જાણવામાં આવતો હોય,
તેવો જ પાયા વગરની સૃષ્ટિનો અને બ્રહ્મનો ભેદ તમારે સમજવો.
પરબ્રહ્મની શાંત સત્તા,મહા-ચૈતન્ય-રૂપે,પોતાની મેળે જ અનાદિ-કાળથી સિદ્ધ છે,માત્ર અજ્ઞાનને લીધે જ,
"હું અમુક મનુષ્ય-રૂપ છું" એવા આકારે થઈને રહેલ છે,અને જગતના આકારે વિવર્ત-રૂપે જ થઇ રહેલ છે.

બ્રહ્મ જ જો જગત-રૂપ છે,તો પછી તેમાં મિથ્યા ભ્રાંતિથી જે કંઈ ઉત્પન્ન થયેલ  દેખાય,
તે ખરી રીતે ઉત્પન્ન થયેલ જ નથી,અને કંઈ નાશ પામેલું જણાય તો પણ કંઈ નાશને પ્રાપ્ત થતું નથી.
જેમ ઘટાકાશ,મહાકાશની અંદર જ રહે છે,તેમ,બ્રહ્મ જ પોતાના અવિકારી સ્વરૂપની અંદર,
વિવર્ત-ભાવથી પદાર્થ-રૂપે (પણ વસ્તુતઃ બ્રહ્મ-રૂપે) થઈને રહેલ છે.

એક અર્ધી-પળ જેટલા સમયમાં,એક (હૃદય-રૂપ) પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતાં વચમાં,
ચિદાત્માનું જે કંઈ શૂન્યતા જેવું સદ-રૂપ અનુભવમાં આવે-તે જ વાસ્તવિક છે,માટે તમે તેની ઉપાસના કરો.
(નોંધ-ઉદાહરણ તરીકે શ્વાસ લેતાં-મૂકતાં,વચ્ચે ક્ષણભર જે રોકાય છે-તે શૂન્યતા છે-તે બ્રહ્મ છે)

વિવેકી-સત્પુરુષો કહે છે કે-ચૈતન્ય-મય આત્માનું એક રૂપ જગત-આદિ વિવર્ત-વાળું છે
અને બીજું રૂપ,વિવર્તથી રહિત શુદ્ધ,કૂટસ્થ અને પૂર્ણ આનંદ-રૂપ છે,
માટે તે બંનેમાં,જે વડે તમને પરમ-પુરુષાર્થ-રૂપ-મોક્ષ મળવાનો સંભવ લાગતો હોય,
તેમાં જ તમે એકનિષ્ઠા-વાળા થઈને રહો.અને વિવેક-રહિત કદી પણ થાઓ નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE