Oct 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-941

તે અવિનાશી-પરમપદમાં,"અમુક હું છું અને અમુક જગત છે" એવી ભ્રાંતિ,નિર્મૂળ હોવાથી સાવ છે જ નહિ.
સર્વ શાંત,અવિનાશી અને દૃશ્યના અવલંબનથી રહિત એવું તે બ્રહ્મ-રૂપ છે.
આમ,જો સર્વ શાંત-ચિદાકાશ-રૂપ છે-તો તેની અંદર,હું અને જગત-આદિ શબ્દની ભ્રાંતિનો વિલાસ ક્યાંથી હોઈ શકે? શાંત એક (અદ્વૈત) પરમ-તત્વ જ સર્વ-રૂપ છે,તો પછી કર્તા-ભોક્તા (દ્વૈત)પણ ક્યાંથી હોય?

બ્રહ્મ પારમાર્થિક,સત્ય અને આત્મ-રૂપ છે,તેથી નિષેધ કરવામાં આવતા સર્વ-મિથ્યા-પદાર્થોથી તે વિલક્ષણ છે.
જેથી તેનો (બ્રહ્મનો) નિષેધ થઇ ના શકતાં,બાકી બીજા સર્વ પદાર્થોનો નિષેધ કરવામાં આવ્યો છે.
સર્વ આત્મા-રૂપ છે અને આત્માના વિવર્ત-રૂપે ભાસી રહ્યું છે,
એટલે અહંકાર સહિત,આ સર્વ જગત પરમાત્માથી જરા પણ જુદું નથી.

જેમ,અચળ સ્ફટિક-મણિની અંદર,હજારો પદાર્થોના પ્રતિબિંબો પડતાં રહે છે,પણ તે મણિની સામે રહેલા તે પદાર્થો
જો ખસી જાય તો તે પ્રતિબિંબો પણ જતાં રહે છે,એમાં કોઈ વિશેષ જાતની મહેનત કરવી પડતી નથી,
તેમ,સંકલ્પનો ક્ષય કરી આત્મનિષ્ઠ થઈને રહેવું -કે-સંકલ્પને સ્ફૂર્યા કરવા દેવો,એ બંને વાત પોતાના સ્વાધીન છે.
જેનો આધાર કે કારણ જણાતાં નથી,એવો "અહંકાર-રૂપી-યક્ષ" ક્યાંયથી એ આવીને ખડો થઇ જાય છે,
અને એ અહંકાર-રૂપી-યક્ષે તમને સર્વને પરાધીન કરી મુક્યા છે-તે આશ્ચર્યની વાત છે.
ભ્રાંતિને લીધે જ,બ્રહ્મની અંદર,પોતાનું સ્વરૂપ જ કાક-તાલીય ન્યાયની જેમ,અહંકાર-રૂપે ભાસે છે.

તમે અને જગત-એ બંને બ્રહ્મ-રૂપ જ છો,તો પછી,નાશ અને ઉત્પત્તિ ક્યાંથી હોય?
અને જો આમ હોય તો પછી,તેનો હર્ષ-શોક પણ ક્યાંથી હોય?
સાક્ષી-ચૈતન્ય પોતે માયા સાથે જોડાય છે,ત્યારે તેના સર્વેશ્વર-પણાને લીધે,આ જગત,તેની અંદર સંકલ્પ-દ્વારા
સ્ફુરિત થઇ-ખડું થઇ ગયેલું દેખવામાં આવે છે,પણ જો સ્ફુરણ ન થાય તો તે જોવામાં આવતું નથી.
માટે તમને એ જગત સંબંધી કશું સ્ફુરણ જ ના થાઓ.

નિરાકાર અને નિરવયવ સ્વચ્છ પરબ્રહ્મમાં,જે જે કંઈ સંકલ્પ દ્વારા અનુભવમાં આવે છે-તે તે ચેતન-તત્વના,
અચિંત્ય પ્રભાવથી ઉત્પન્ન થઇ જાય છે,એટલે અહંકાર અને જગત પણ ક્યાંથી હોઈ શકે?
જેમ,વડ-આદિ કાર્ય,બીજ આદિ કારણથી સત્તા-વાળું છે,તેમ જગત પરબ્રહ્મની સત્તા વડે જ સત્તા-વાળું છે.
આત્મ-સત્તાથી જુદો જગતનો સંભવ જ નથી,તેથી તમે અંદર શાંત રહી,
નિરુપાધિક દશામાં રહી,ભ્રાન્તિને મૂકી દઈ,આકાશની જેમ વિક્ષેપ-રહિત થઈને રહો.

તમે પણ નથી,અમે પણ નથી,જગત પણ નથી અને આકાશ-આદિ પણ નથી.
આ સર્વ શાંત પરબ્રહ્મ જ પૂર્ણ થઈને ભરપુર થઇ રહ્યું છે.ચેતન વગર-બીજું કોઈ તત્વ સિદ્ધ થઇ શકતું નથી.
સર્વ પદાર્થો ભેદથી રહિત એક બ્રહ્મ-રૂપ જ સિદ્ધ થાય છે,માટે "હું અમુક-રૂપ છું" એવી ભ્રાંતિનો ત્યાગ કરો.
અને "હું સત્ય તથા સર્વ-ભેદોથી રહિત ચેતન-તત્વ-રૂપે છું" એવી દૃઢ ભાવના રાખો.(જે મોક્ષ છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE