Oct 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-943

(૩૫) બ્રહ્મ-સ્વરૂપનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-ક્ષણમાત્રમાં (ઇન્દ્રિય દ્વારા) એક દેશમાંથી બીજા દેશમાં પ્રાપ્ત થયેલ ચિદાત્માનું,વચમાં જે કંઈ નિર્વિષય-રૂપ છે તે આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે,અને તમે સદાકાળ-તેમાં જ નિષ્ઠા રાખો,એટલે તમને મોક્ષની નિર્વિકાર સ્થિતિ પ્રાપ્ત થશે.

તમે જીવનમુક્ત પુરુષના વ્યવહાર પ્રમાણે અને પોતાના કુલાચાર પ્રમાણે વ્યવહાર કરતા રહેજો,
પણ અંદર,વાસનાઓ અને એષણાઓ (ઇચ્છાઓ) થી રહિત,ચૈતન્ય-રૂપ પરમ-તત્વમાં નિષ્ઠા રાખવાના
પુરુષાર્થમાંથી તમે કદી પણ ના ડગશો,ને મેરુપર્વતની જેમ અચળ થઈને રહેશો.

અવિદ્યાનું ખરું રૂપ,તત્વ-દૃષ્ટિથી જોવા જતાં દેખાતું નથી.તો પછી તે અવિદ્યા વડે થયેલો જડ-ચેતન,
દૃષ્ટા-દૃશ્ય-નો વિભાગ તો કઈ જગ્યાએ અને કેમ સંભવે? જો આમ જ છે તો પછી,તમે,પોતાની અંદર,
સંકલ્પને શા માટે સ્ફુરાવો છો? તમે સંકલ્પને સ્ફુરવા જ નહિ દો,તો પોતાની મેળે જ શાંતિનો ઉદય થશે.

બ્રહ્મ અને જગત-એ બંને પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિએ જોતાં એક જ છે,છતાં અનેકના જેમ થઇ રહેલ છે.
બ્રહ્મ,પોતે પૂર્ણ છે,તો પણ અપૂર્ણ-જેવું ભાસે છે અને શુદ્ધ છતાં અશુદ્ધના જેવું જગત આકારે પ્રસરી રહ્યું છે.
એ બ્રહ્મ-તત્વ શૂન્ય નથી,છતાં પ્રલય-આદિમાં શૂન્ય (નિર્વિકલ્પ) જેવું થઈને રહે છે,
તો સૃષ્ટિ કાળમાં કેમ જાણે શૂન્યતાથી રહિત હોય તેમ ભાસે છે.
વસ્તુતઃ તે દેશ-કાળથી અમાપ છે,છતાં કોણ જાણે દેશ-કાળ વડે તે માપ-વાળું હોય તેમ થઇ રહ્યું છે.

એ શુદ્ધ તત્વ,માયાના સંપર્કથી રહિત છે,તો પણ માયા-રૂપી કિરણોનો (સૂર્યની જેમ) પ્રસાર કરે છે.
તે શુદ્ધ ચૈતન્ય-તત્વ,આકાશ જેવા શૂન્ય પ્રદેશમાં પણ વન-પર્વતો-વગેરેની રચનાઓ બનાવે છે.
તે તત્વ અતિ-સૂક્ષ્મ પદાર્થોથી પણ અતિ-સૂક્ષ્મ છે અને અતિ સ્થૂળ પદાર્થોથી અતિ-સ્થૂળ છે.
અંદર શૂન્યતાને લીધે તે કર્તા,કર્મ અને કરણ (અસાધારણ કારણ) થી રહિત છે.
તે સર્વત્ર પ્રકાશમય છે,છતાં,અજ્ઞાનના આવરણને લીધે અંધકાર જેવું દેખાય છે.

તે તત્વ પ્રત્યક્ષ જ છે,છતાં ઘણી મહેનતે માંડ જાણી શકાય તેવું છે.તે અજ્ઞાન-દશામાં પરોક્ષ પણ
જ્ઞાનની દશામાં પોતાની પાસે જ રહેલું છે.તે તત્વ,ચૈતન્ય-રૂપ છતાં અવિદ્યા વડે જડ-રૂપ દેખાય છે.
તે તત્વ  "હું-રૂપ" પણ છે છતાં તમારા-રૂપ પણ થઇ રહ્યું છે.તે તમારા-રૂપ છે છતાં મારા-રૂપ પણ થઇ રહ્યું છે,
તે "મારા" (હું કે અહંકાર) થી જુદું જ છે-છતાં બ્રહ્મ-દૃષ્ટિએ "હું-રૂપ" થઇ રહ્યું છે.
બરફ જેમ સફેદ રંગ ધારણ કરે છે,તેમ આ બ્રહ્મ-તત્વે પોતાની અંદર રહેલી દૃશ્ય-જાળને
વિવર્ત-ભાવે ધારણ કરેલી છે.જેમ,બરફને લીધે તેની અંદર રહેલું ધોળા-પણું જોવામાં આવે છે,
તેમ,ચૈતન્ય-તત્વને લીધે જ તેની અંદર આ સૃષ્ટિ જોવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE