Oct 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-944

એ પરમાત્મા (બ્રહ્મ) જીવ-જગત-આદિના આકારે થઇ રહેલ પોતાના પ્રતિબિંબને,પોતાની મેળે જ જોવાની ઇચ્છાથી,પોતે અત્યંત નિર્મળ આકાર ધારણ કરી લઇ,"અરીસા-રૂપ" થઇ રહેલા છે.
તે બ્રહ્મ,પોતાની અનંત સત્તાની અંદર જ સંકલ્પથી બ્રહ્માંડમાં દેખાઈ રહેલા અનેક ચમત્કારો બતાવે છે
એ પરમાત્મા,જીવની અંદર રહેલા વાસના-મય-પ્રપંચ અને બહાર રહેલ જગત-રૂપી પ્રપંચ-વડે,
જાગ્રત અને સ્વપ્ન-અવસ્થામાં અનેક-રૂપે થઇ રહેલા છે.જો કે  સુષુપ્તિ અવસ્થામાં તે એક-રૂપે જ દેખાય છે.આમ,ભાવ-અભાવ-સ્થિતિથી,બહાર-અંદર સર્વત્ર એક જ તત્વ રહેલું છે.

આ સર્વ પદાર્થોની શોભા એ પરમાત્મા-રૂપ જ છે અને જેમ,જીભ,પોતાના મુખ-રૂપી ગુફાની અંદર ,
રસાસ્વાદનો ચમત્કાર બતાવે છે,તેમ,એ પરમાત્માની અંદર,તેની જ ઇચ્છાથી,તેના જ પ્રયોજન માટે,
વિવિધ પ્રકારના ચમત્કારો થયા કરે છે.ચેતન-સત્તાને લીધે જ,વિષયોને પોતાના પ્રદેશમાં ધારણ કરી રહેલું,
અને જગતમાં દેખવામાં આવતી,સુખ-દુઃખ,કામ-ક્રોધ,જન્મ-મરણ-વગેરે અનેક ચકરીઓ-વાળું,
એ જગત,પરમાત્મા-રૂપી-જળના રસ-રૂપ છે.

સૂર્ય,ચંદ્ર,અગ્નિ-આદિ દેવતાઓ,નેત્ર-આદિ ઇન્દ્રિયો અને તે સર્વના તેજ વડે પ્રકાશતા પદાર્થોની શોભા,
પ્રકાશમય પરમાત્મામાં,સુષુપ્તિ અને પ્રલયની સ્થિતિમાં (અવસ્થામાં) લીન થઇ જાય છે,
અને જાગ્રત-સ્વપ્ન-અવસ્થામાં,તેમાંથી જ ઉદય પામી ખડી થઇ જાય છે.
એ પરમાત્મા-રૂપી એક નિરવયવ રંગમાંથી આ જગત-રૂપી ચિત્ર બનેલું છે.
તેથી,,પરસ્પર ભિન્નતા બતાવનારી વિચિત્રતા-વગેરેથી રહિત જ છે.અને કેવળ પરબ્રહ્મ-રૂપે સર્વત્ર રહેલ છે.

જેમ અંદર સેંકડો પ્રતિબિંબો પડે,તો પણ,અરીસો,ઈચ્છા-આદિ વિકારોથી રહિત અને જેવો છે તેવો જ રહે છે,
તેમ,આ પરમાત્મા પણ અનેક બ્રહ્માંડોનો પોતાની અંદર ઉદય થાય,તો પણ સ્વરૂપમાં જ સ્થિર રહે છે.
જેમ,ભૌતિક સૃષ્ટિઓનું કારણ પંચમહાભૂત છે,તેમ,ભૂત,ભવિષ્ય અને વર્તમાન-સૃષ્ટિઓના બીજ-રૂપ તથા
કારણ-રૂપ આ પરમાત્મા જ છે,અને એ પરમાત્માનું બીજું કોઈ કારણ નથી.

માયાના યોગથી આ પરમાત્માના નેત્રનું ઊઘડવું અને જગતનું ઉત્પન્ન થવું-એ જોવામાં આવે છે.
અને એ પરમાત્મા નેત્ર મીંચવાથી (યોગ-નિંદ્રામાં જવાથી) આખા જગતનો પ્રલય થઇ જાય છે.
(નોંધ-પરમાત્માને સમજવા માટેની આ એક કલ્પના છે.બાકી,અદ્વૈતમાં દ્વૈત (બ્રહ્મ અને માયા) હોઈ શકે નહિ)
વસ્તુતઃ તો તે પરમાત્મા માયાના સંબંધ વિનાના અને ઉપરના બંને ભાવથી રહિત છે,અને
પોતાના શુદ્ધ (માયાના સંપર્કથી રહિત) પવિત્ર એવા સ્વરૂપમાં જ સદાકાળ સ્થિર થઈને રહે છે.
એટલે સર્વ,અનંત ચિદાકાશ-રૂપ જ છે -એમ સમજી તમે શાંત થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE