Oct 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-945

(૩૬) ઈચ્છાત્યાગથી મોક્ષપ્રાપ્તિ
વસિષ્ઠ કહે છે કે-જેમ,જળની અંદર અનેક ચકરીઓ જુદાજુદા-રૂપે જોવામાં આવે છે,તેમ,પ્રથમ તો સર્વ પદાર્થો જુદાજુદા-રૂપે જોવામાં આવે છે.
તે પદાર્થો મનુષ્યની ઈચ્છાને ઉત્પન્ન કરી દઈ,તેના ચિત્તને ભમાવી મુકે છે.પછી તે રાગ-દ્વેષ-વગેરે અનેક મોટા અનર્થોને ઉત્પન્ન કરે છે.પણ જેમ, જળના તરંગો જળ-રૂપ જ છે તેમ, સર્વ પદાર્થો એક પરબ્રહ્મ જ છે.સર્વ પદાર્થોના વિશેષ-રૂપને છોડી દેતાં જે અવશેષ રહે છે,તે,ચિદાકાશ જ જગતનું ખરું સ્વરૂપ છે.

એ ચિદાકાશ,કેવળ સત્તા-માત્ર-રૂપે જણાય છે અને સમાધિ-વડે ચિત્ત-શાંતિ થતાં તે અનુભવમાં આવે છે.
વિવેકને પામેલો હું,ચિદાકાશની અંદર સત્યતાથી જોઉં છું,તો મારી દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની કલ્પનામાં આવતું
આ જગત કંઈ પણ નથી.પણ બ્રહ્મ-રૂપ જ છે.
જેમ,એક આકાશથી જુદું બીજું આકાશ નથી જણાતું,તેમ,રૂપ-આદિ બાહ્ય વિષયોનું અને મન-બુદ્ધિ-આદિ
આંતર-વિષયોનું,ખરું તત્વ શોધવા જતાં,ચૈતન્ય સિવાય બીજું (જુદું) કશું જણાતું નથી.

જ્ઞાતા પુરુષને "હું આ જગત-રૂપી દૃશ્યનો દૃષ્ટા-રૂપે અનુભવ કરનાર છું"
એવો  ભાવ જગતની ભ્રાન્તિને ખડી કરી દેનાર છે,
પણ "જગત-રૂપી દૃશ્ય જ નથી,સર્વ બ્રહ્મ છે,તો પછી "હું" દૃષ્ટા તરીકે અનુભવ કરનાર જુદો ક્યાંથી રહ્યો?"
એવો ભાવ જગતની ભ્રાન્તિને શાંત કરી દેનાર છે.
જેમ સ્મરણ અને વિસ્મરણ-એ બંને તમારી સ્વાધીનતામાં છે-તેમ,ઉપરના બંને ભાવો તમારી સ્વાધીનતામાં જ છે.
ચિદાકાશ,આકાર-માત્રથી રહિત અને પરમ આકાશ-રૂપ છે,તેથી તેનો ચૈતન્ય-રૂપ-સ્વભાવ,કોઈ પણ રીતે,
કોઈ જગ્યાએ પણ બદલી શકાતો નથી.એટલે તેમાં જડ જગતની કલ્પના સંભવતી જ નથી.

જેમ,આકાશની અંદર,વનની ઉત્પત્તિ જોવામાં ના આવી શકે,તેમ,તમે-હું-વગેરે કશી પણ ભ્રાંતિ મારા જોવામાં આવતી નથી.આ મારી ઉપદેશ-વાણી પણ ચિદાકાશ-રૂપ હોવાથી પોતાના સ્થૂળ-રૂપથી રહિત શૂન્યના જેવી છે,એમ તમે સમજો.આ વાણી તમારા ચિદાકાશ-રૂપ-આત્માની અંદર પોતાની મેળે જ સ્થિર થઈને રહે છે.
એટલે કે-આ વાણીની ઉત્પત્તિ પણ ચેતન-તત્વથી છે અને સ્થિતિ પણ ચેતન-તત્વમાં જ છે.
વળી તેનું ખરું તત્વ કે જેને "સ્ફોટ" કહે છે તે પણ ચૈતન્ય-સ્વરૂપ જ છે.
(નોંધ-શબ્દોનો નાદ (વાણી) સંભળાતાં,મન પર તેની જે અસર પડે છે-તેને સ્ફોટ કે શબ્દ-બ્રહ્મ કહે છે)

આમ,સર્વ ચૈતન્ય-સ્વરૂપ હોવાથી,કોઈ પદાર્થને પામવાની ઈચ્છાનો ઉદય જ થવા દેવો નહિ,
પરંતુ ચિત્રમાં આલેખાયેલા ચિત્રની જેમ નિર્વિકાર થઈને રહેવું-એ પરમપદ-રૂપ છે,એમ તત્વવેત્તાઓ કહે છે.
જે પુરુષ,લાકડાના બનાવેલ કૃત્રિમ પુરુષની જેમ,સંકલ્પ વિનાની દશામાં રહીને,ઈચ્છા અને વ્યાકુળતા વિના,
આવી પડેલાં કર્મોમાં પ્રવૃત્તિ કરે છે-તે જ ખરો શાંત ચિત્ત-વાળો વિવેકી પુરુષ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE