Oct 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-946

જે પુરુષ વાસનારહિત રહીને કશામાં રાગ-દ્વેષ રાખતો નથી,અને  (અનાસક્ત થઇને) આવી પડેલા વ્યવહારને કરીને પોતાનું જીવન ગાળે છે,તે જીવનમુક્ત માટે આ જગત બહાર અને અંદર (લાકડાની જેમ) શૂન્ય જ છે.
જે પુરુષના હૃદયમાં દૃશ્ય-પદાર્થો તરફ કોઈ રુચિ જ થતી નથી,પણ, અદૃશ્ય (આત્મતત્વ) માં જ જેની રુચિ રહે છે,વળી,જે બહાર અને અંદર સદા શાંત જ રહે છે,તે આ સંસાર-સાગરને તરી ગયેલ જ છે-એમ સમજવું.

વસિષ્ઠ કહે છે-હે રામચંદ્રજી,તમે પ્રારબ્ધનો ક્ષય ત્યાં સુધી જરૂરી એવો વાણીનો વ્યવહાર કરજો.
વાસના-રહિત થઈને સુખથી અનેક શબ્દોનો ઉચ્ચારણ કરજો,ક્ષોભ પામશો નહિ ને મનનો ઉદય થવા દેશો નહિ.
તમે ત્વચા-ઇન્દ્રિય વડે,માળા-ચંદન-વગેરેનો ભલે સ્પર્શ કરજો,પણ તે ઈચ્છા કે વાસના વિના જ કરજો.
દૈવ-યોગે (પ્રારબ્ધથી) આવી પડેલ રસ-ના સમૂહોનો તમે ઈચ્છા,ભય અને વાસના વિના,તેમ જ રાગ (આસક્તિ) અને અભિલાષાને પણ છોડી દઈને,સુખથી (તે રસો-નો) આસ્વાદ લેજો.

ઉપર પ્રમાણે બાકીની કર્મેન્દ્રિયોના વિષયોના સંબંધમાં,પણ તેમનું નિઃસાર-પણું તથા નીરસ-પણું જ
મનમાં લાવજો અને જ્ઞાન દ્વારા મનને બોધ આપી,ભોગ-રૂપી-રોગોની ચિકિત્સા કરજો.
જે પુરુષ,ભોગો-રૂપી-વિષનો સ્વાદ લેતાં,દિવસે-દિવસે તેમાં વિશેષ પ્રીતિ કરતો જાય છે,
તે પોતાના દેહને બળતા અગ્નિમાં ફેંકે છે અને તેમાં નિરંતર સૂકા ઘાસનો પૂળો નાખતો રહે છે-એમ સમજવું.

શાસ્ત્ર-જ્ઞાન-રૂપી ભૂષણને ધારણ કરનારા વિવેકી પુરુષો,ઈચ્છા-માત્રનો ત્યાગ કરીને નિસ્પૃહ થઈને રહેવું,
તેને જ ચિત્ત-શાંતિનો મુખ્ય ઉપાય કહે છે.ઈચ્છાનો ઉદય થતાં જેવું દુઃખ થાય છે તેવા દુઃખનો અનુભવ નરકમાં પણ થતો નથી.અને ઈચ્છાની  શાંતિ થતા જેવું સુખ થાય છે-તેવા સુખનો અનુભવ બ્રહ્મ-લોકમાં પણ થતો નથી.
ચિત્તનું સ્વરૂપ ઈચ્છા-માત્ર જ છે અને ઈચ્છાની શાંતિ થવી-એ જ મોક્ષ છે-એમ વિવેકીઓ કહે છે.

શાસ્ત્ર-તપ-નિયમો-યમો-એ બધું તૃષ્ણાઓ (ઇચ્છાઓ) દૂર કરવા માટે જ છે.
વિવેકને લીધે,મનુષ્યની ઈચ્છા જેમ જેમ ઘટતી જાય છે,તેમ તેમ,દુઃખ અને ચિંતા-રૂપી-રોગ શાંત થઇ જાય છે.
પણ મનુષ્યનો ઈચ્છા-રૂપી રોગ જેમ જેમ વધતો જાય,તેમ તેમ દુઃખ અને ચિંતા-રૂપી તરંગો વધવા માંડે છે.
આ ઈચ્છા-રૂપી રોગનું પ્રબળ ઔષધ અને ચિકિત્સા, બીજું કંઈ પણ નહોતાં,માત્ર પુરુષ-પ્રયત્ન જ છે.
જો પૂર્ણ-પણે ઈચ્છાની શાંતિ થઇ શકે તેમ ના હોય તો,થોડુંક પણ એ માર્ગ (પુરુષ-પ્રયત્ન) ને અનુસરવું,
કેમ કે એ શુભ રસ્તે ચાલનાર,ક્રમે ક્રમે અભ્યાસથી નિઃસ્પૃહ થઈને દુઃખને પ્રાપ્ત થતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE