Oct 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-947

જે મનુષ્ય ઈચ્છાને ઓછી કરવામાં યત્ન કરતો નથી,તે દિવસે દિવસે પોતાના આત્માને
અંધારા કૂવામાં નાખતો જાય છે.દુઃખ-પરંપરા ને જન્મ આપનારા આ સંસારનું બીજ ઈચ્છા જ છે.
અને એ ઈચ્છા-રૂપી બીજને જ્ઞાન-રૂપી અગ્નિથી શેકી નાખવામાં આવ્યું હોય તો તે ફરીવાર ઉગતું નથી.
ઈચ્છાને શાંત કર્યા  વિના શાસ્ત્રકથા-ગુરુસેવા-વગેરે નકામી છે.

તમે માત્ર ઈચ્છાને જ શાંત કરો,એટલે તે વડે તમને સારી રીતે જ્ઞાન પ્રાપ્ત થશે.
નિસ્પૃહ-પણું થવું એ જ મોક્ષ-રૂપ છે.માત્ર આટલી જ વાતમાં શું ના બની શકે તેવું છે?
જે જે વિષયમાંથી ઈચ્છા જતી રહીને જેટલું જેટલું નિષ્કામ-પણું પ્રાપ્ત થાય,તેમાં તેમાં,તેટલું તેટલું મુક્ત-પણું જ છે,
માટે,જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચે,અને ધૈર્ય-વગેરે બળ ચાલે,ત્યાં સુધી ઉત્પન્ન થતી ઈચ્છાને શમાવી દેવી જોઈએ.
જે જે વિષયોમાં જેટલી જેટલી ઈચ્છા રહે,તેટલી તેટલી તે તે બાબતોમાં બંધના પાશમાં બંધાવું પડે છે.

એ ઈચ્છા જ દુઃખના ઢગલા-રૂપ છે,અનેક પીડાઓને વિસ્તારનાર છે,અને પુણ્ય-પાપ -મય છે.
એટલે વિવેકી પુરુષની એક ક્ષણ પણ ઈચ્છાને દૂર કરનાર યત્ન વગરની જવી ના જોઈએ.
જેમ જેમ પુરુષની અંદરની ઈચ્છાઓ શાંત થતી જાય છે,તેમ તેમ,સાધન-ચતુષ્ટ્ય દ્વારા,મોક્ષ આપનાર કલ્યાણની
વૃદ્ધિ થાય છે.એટલે પોતાના આત્માને વિવેકથી રહિત રાખીને વિષયોના ઉપભોગ વડે,તેની ઈચ્છાઓ પૂર્ણ કર્યા  કરવી,તે સંસાર-રૂપી-વિષ-વૃક્ષનું સિંચન કરવા જેવું છે.

(37) જ્ઞાનયોગનો ઉપદેશ

વસિષ્ઠ કહે છે કે-ઈચ્છા-રૂપી-વિષ-વિકારને નિવૃત્ત કરી દેનાર "યોગ" નામનો ઉપાય મેં તમને પ્રથમ પણ કહેલ છે,
છતાં પણ હું તમને તે સ્પષ્ટ રીતે સમજાવવાને ફરી વાર કહું છું.તે તમે સાંભળો.
અહીં જો કંઈ પણ વસ્તુ આત્માથી જુદી હોય તો તે મેળવવાની ઈચ્છા ઘટે છે,
પણ જયારે આત્માથી જુદું કંઈ છે જ નહિ,તો પછી તેનાથી જુદી કઈ વસ્તુની ઈચ્છા રાખવાની છે?

ચિદાત્મા પોતે નિરવયવ છે,દ્રષ્ટા-દ્રશ્ય-દર્શન-એ ત્રિપુટીથી રહિત છે,સૂક્ષ્મ છે અને આકાશથી પણ અત્યંત શૂન્ય છે.
વળી તે જ ચિદાત્મા,હું-જગત -વગેરે આકારે વિવર્ત-રૂપે (આભાસ-માત્ર જ) પણ થઈને રહેલ છે,
તો પછી,તેને ઈચ્છા કરવા લાયક બીજી કઈ વસ્તુ હોઈ શકે?
તત્વજ્ઞાન ને લીધે શાંતિને પ્રાપ્ત થયેલની (તત્વવેત્તાની) દ્રષ્ટિમાં કોઈ પણ "નિમિત્ત કે પ્રમાણ" ના જણાયાથી,
ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય-વિષયો) અને ગ્રાહક (ગ્રહણ કરનાર જીવ)નો વસ્તુતઃ સંબંધ જ નથી.
તો પછી તેને ઈચ્છા કરવા લાયક બીજી કઈ વસ્તુ હોઈ શકે?

વળી જે લોકોની (અજ્ઞાનીઓની) દૃષ્ટિમાં  ગ્રાહ્ય-ગ્રાહકનો સંબંધ સિદ્ધ છે,તેઓ પણ તત્વ-દ્રષ્ટિએ મિથ્યા હોવાથી
મારા જોવામાં આવતા નથી.કેમકે ગ્રાહ્ય-ગ્રાહકનો સંબંધ એકબીજામાં પરસ્પર પોતાની અંદર વ્યવહાર-દૃષ્ટિએ રહેલ છે,
અને જે તત્વ-દૃષ્ટિથી  જોતાં દેખાતું નથી-એમ તે અસત્ય હોવાથી મારા જોવામાં કેમ આવી શકે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE