Oct 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-949

શ્રીરામ કહે છે કે-હે મુનિશ્રેષ્ઠ,આપ કહો છો તેમ સર્વ બ્રહ્મ-રૂપ છે,તો પછી ઈચ્છા પણ બ્રહ્મ-રૂપ હોવાથી,તેનો ઉદય થાય કે ના થાય,તેનો વિધિ-નિષેધ કરવાનું શું પ્રયોજન છે?

વસિષ્ઠ કહે છે કે-ઈચ્છાનું સ્વરૂપ (સત્ય-રીતે) જાણવામાં આવતાં ઈચ્છા,બ્રહ્મ-રૂપ જ જણાય છે અને જ્ઞાનની અવસ્થામાં ઈચ્છા બ્રહ્મ-રૂપ છે,બીજા કશારૂપ નથી,આ વિષયમાં તમે જે સમજ્યા છો-તે ખરું જ છે.પરંતુ આ એક વાત તમે સાંભળો.જયારે જયારે જ્ઞાનનો ઉદય થાય છે,ત્યારે ત્યારે દ્વૈતની શાંતિ થઇ વાસનાનો લય થતાં,ઈચ્છા શમી જાય છે.

સર્વ દૃશ્ય-જાળમાં નીરસ-પણું જણાયાથી,જે પુરુષને કશા વિષયમાં ઈચ્છાનો ઉદય જ થતો નથી,
તે પુરુષની અવિદ્યા શાંત થઇ ગયેલી છે અને તેનામાં નિર્મળ એવા મુક્ત-પણાનો ઉદય થયો છે-એમ સમજવું.
જ્ઞાની પુરુષને દૃશ્ય તરફ વૈરાગ્ય પણ હોતો નથી કે આસક્તિ પણ હોતી નથી.પણ સ્વાભાવિક રીતે જ દૃષ્ટા અને દ્રશ્યનો સંબંધ થવામાં તેને રુચિ જ હોતી નથી.કોઈક વખતે કાક-તાલીય-યોગથી (અથવા બીજા કોઈની પ્રેરણાથી) શાસ્ત્રમાં નિષેધ નહિ કરાયેલ (અને દેહ-ધારણ કરી રાખવામાં સાધન-રૂપ) એવા અન્ન-પાન-આદિના વખતે તે "ઈચ્છે" છે અથવા "નથી પણ ઈચ્છતો".આવી આભાસ-રૂપ ઈચ્છા-અનિચ્છા-એ બંને બ્રહ્મ-રૂપ છે.

ઘણું કરીને જ્ઞાની પુરુષને ભોગ સંબંધી કશી ઈચ્છા જ થતી નથી.કોઈ વખતે ઈચ્છા થાય તો તે પૂર્વના અભ્યાસ-અનુસાર હોય છે.જેમ,પ્રકાશ અને અંધારાની એકત્ર સ્થિતિ સંભવતી જ નથી,તેમ જ્ઞાનની અને ઈચ્છાની એકત્ર સ્થિતિ સંભવતી જ નથી.તત્વજ્ઞ પુરુષ કોઈ જગ્યાએ વિધિ-નિષેધનો વિષય થઇ શકતો જ નથી,કેમ કે વૈરાગ્યને લીધે જે પુરુષ સર્વ પ્રકારની વાસનાઓ અને ઇચ્છાઓથી રહિત છે,તેને કોણ શા માટે અને શું કહે?

જયારે સર્વ દૃશ્ય,રસ-સ્વાદ વિનાનું જણાયાથી કોઈ ઠેકાણે ચિત્તની રુચિ જ થતી નથી,ત્યારે ઈચ્છાનો ઉદય થતો નથી અને ત્યારે જ મુક્ત-પણાનો અનુભવ થાય છે.જ્ઞાનને લીધે,દ્વિત્વ-એકત્વ-આદિ ભાવને છોડી દઈ,
નિઃસંકલ્પ-પણે જે કેવળ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ શાંત-પણાથી સ્થિર થઈને રહે છે,
તેની દૃષ્ટિમાં,ઈચ્છા-અનિચ્છા-આદિ સર્વ ભાવો મંગળમય ચિદ-રૂપ જ છે.

આવા મહાત્માને કર્મ કરવાનું કે કર્મ ત્યાગ કરવાનું-એવું કોઈ પ્રયોજન જ નથી રહેતું,કે સર્વ પ્રાણીમાત્રમાંથી (પોતાને) કશું પ્રયોજન કાઢી લેવાનું પણ હોતું નથી.તેમ જ ઈચ્છા કે અનિચ્છા વડે,પોતા કે પારકા વડે,
મરણ કે જીવિત વડે,પણ તેને કશું પ્રયોજન હોતું નથી.મુક્ત દશાને  પ્રાપ્ત થયેલાને ઈચ્છાનો ઉદય જ થતો નથી,
કદાચ પ્રારબ્ધ-વશ,કોઈ આવશ્યક બાબતમાં નહિ જેવી ઈચ્છા થાય-તો પણ તે અખંડ બ્રહ્મ-રૂપ જ છે.

દુઃખ પણ નથી કે સુખ પણ નથી,અને આ જગત અનાદિ-સિદ્ધ-બ્રહ્મ-રૂપ જ છે,એમ સમજી જે પુરુષ શિલાની જેમ અંદર નિર્વિકાર અને બ્રહ્મ-નિષ્ઠ થઈને રહે છે તેને વિદ્વાનો "પ્રબુદ્ધ" (જ્ઞાન-સંપન્ન) કહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE