Oct 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-952

ચિદાત્માની વાસનાની "વિચિત્રતા"ને લીધે થનારા-દૃઢ સંકલ્પના પ્રયોગથી પર્વતો આકાશના જેવા થઇ જાય છે અને આકાશ પર્વતોના જેવું થઇ જાય છે.સિદ્ધ યોગી પુરુષો અર્ધનિમેષ (અડધા પલકારા) જેટલા સમયમાં,પોતાના આત્માના દૃઢ સંકલ્પ-રૂપી સિદ્ધ ઔષધના પ્રયોગ વડે જ જગતને આકાશ-રૂપ કરી દે છે,અને આકાશને આ ત્રણ-લોક-રૂપી બનાવી દે છે.

જેમ,આકાશની અંદર સિદ્ધ યોગીપુરુષોના સંકલ્પ વડે કલ્પાયેલાં અસંખ્ય નગરો (આકાશ સાથે) એકબીજામાં  
ન ભળી જતાં અદૃશ્ય-રૂપે રહેલાં છે,તેમ,હજારો સૃષ્ટિઓ બ્રહ્મની અંદર એકબીજામાં ભળી  ન જતાં અદૃશ્ય-રૂપે રહેલી છે,અને તે સર્વ ચિદાકાશ-રૂપ જ છે.(અધિષ્ઠાન ચૈતન્યથી તે સૃષ્ટિઓ જરા પણ જુદી કહી શકાતી નથી)
જેમ,જ્ઞાનનિષ્ઠ યોગી-પુરુષો,પોતાના લોકમાંથી બીજા (સિદ્ધ પુરુષોના) લોકમાં જવા માટે,
પોતાની હાલની ઉપાધિનો (દેહનો) મહા-ચૈતન્યમાં લય કરી દે છે અને બીજા લોકમાં ચાલ્યા જાય છે,
તેમ,આ સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિમાં જવાનું શક્ય બને છે.

જેમ,આકાશની અંદર ખાલી જગ્યા રહેલી છે,તેમ,અનેક સૃષ્ટિની પરંપરા,પરમાત્માની અંદર વિના અડચણે રહેલી છે.જેમ,પુષ્પની અંદર સ્વાભાવિક રીતે જ સુગંધ રહેલી છે,તેમ,પરમાર્થ-રૂપ-ચિદાકાશની અંદર,સ્વાભાવિક રીતે જ સૃષ્ટિના વિલાસો રહેલા છે.જેમ,પુષ્પની સુગંધ એકબીજામાં મળી જાય છતાં નોખી (જુદી) રીતે જણાય છે,અને,
જેમ,સિદ્ધ-પુરુષોના લોકો પણ એકબીજા સાથે મળતા આવતા છતાં નોખા (જુદા) છે,
તેમ,ચિદાકાશ-રૂપે અનેક સૃષ્ટિઓ એકબીજામાં ઓતપ્રોત જેવી છતાં,નોખી રહેલી છે.

સૃષ્ટિઓનું સ્વરૂપ જોવા જતાં,તે સંકલ્પ-રૂપી-આકાશમય જ દેખાય છે,તેથી એ સૃષ્ટિઓ સર્વના પોતપોતાના અનુભવ પ્રમાણે રહેલી છે.જેવી રીતે સ્થૂળ સંકલ્પ-વાળા અને સ્થૂળ-મોહ-વાળા પામર પુરુષોને આ જગતનું સ્થૂળ-પણું અનુભવમાં આવે છે,તેવી જ રીતે,સૂક્ષ્મ સંકલ્પ-વાળા અને સૂક્ષ્મ-મોહ-વાળા યોગી-પુરુષો,
મન-પૂર્વક,સૂક્ષ્મતા વિશેની જગતની જે વાત કહે છે,તે પણ સત્ય છે.

અરે વાદીઓ (જુદા જુદા વાદ-વાળાઓ) વિજ્ઞાન-વાદ જ એક સત્ય છે તેમ નથી,તેમ સપ્ત-પદાર્થોનો વાદ પણ એક માત્ર સત્ય નથી.પરંતુ આ સર્વ વાદો તમારા પોતપોતાના સંકલ્પ અનુસાર, તે તે પ્રયોજન અને ક્રિયાને સિદ્ધ કરી આપીને ફળ-જનક દેખાય છે (અને તે તે મુજબ જ તમે તેમને  તે તે સત્ય છે-તેમ કહો છો)
(નોંધ-બુદ્ધ ધર્મના એક ભાગ-વાળા જે વિજ્ઞાનને જ સત્ય માને છે- તે વિજ્ઞાન-વાદ તો નૈયાયિક વાદ-વાળાઓ
દૃશ્ય-રૂપે જોવામાં આવતા અને અનેક અનર્થોના હેતુ-રૂપ દ્રવ્ય,ગુણ,કર્મ વગેરે સાત પદાર્થોને સત્ય કહે છે)

"ચેતન તત્વની અંદર દૃષ્ટા-દર્શન-દૃષ્ટિ-એ ત્રિપુટીને પ્રકાશ કરવાની જે "શક્તિ" રહી છે-તે જ "જગત-રૂપ" છે"
આ પ્રમાણે જો ભાવના કરવામાં આવે તો,ચેતન-તત્વનો અને જગતનો ભેદ દેખાતો નથી.
આ સર્વ સૃષ્ટિ એ બ્રહ્મના માયા (શક્તિ) ના સંબંધથી થઈ રહેલ છે પણ પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી જોતાં,
તે (બ્રહ્મ) શાંત પણે પોતાના સ્વરૂપમાં જ રહેલ,જન્મ-મરણ-આદિ વિકારથી રહિત-એક ચિદાકાશ-રૂપ જ છે.
અને તેમાં રાગ-દ્વેષ આદિ કોઈ પણ દોષો સંભવતા નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE