Oct 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-956

વસિષ્ઠ કહે છે કે-તત્વજ્ઞાનને લીધે તમારી ભ્રાંતિનો નાશ થઇ ગયો છે,અને તમે ચિત્તને સર્વ દૃશ્ય-વર્ગના અધ્યાસથી રહિત અને અસંગ રાખ્યું છે.વળી તમે એક સત્પુરુષની ગણનામાં ગણાવા યોગ્ય છો.માટે તમે સર્વના અધિષ્ઠાન-રૂપ એવા બ્રહ્મ-રૂપ થઈને રહો,એટલે સદાકાળ તમારું સર્વ આચરણ આનંદમય-પરબ્રહ્મ-રૂપ જ રહેશે.
તમે જે કંઈ કર્મ કરો છો,ભોજન કરો છો,હોમ કરો છો,દાન કરો છો,તપ કરો છે,હિંસા કરો છો અને ઈચ્છા કરો છો,તે સર્વ બ્રહ્મનો જ વિવર્ત હોવાથી પરમાનંદ-રૂપ અનાદિ-સિદ્ધ-પરબ્રહ્મમય છે.

તમે સંશયથી રહિત થઇ જાઓ,ઇચ્છાઓનો ત્યાગ કરો,ભ્રાંતિના આભાસ વિનાના અને સંકલ્પ-રહિત થઈને રહો.
દેહ-અંતઃકરણમાંથી અહંતાના અધ્યાસને છોડી દો અને તત્વજ્ઞાનપણાથી જેમ હાલ રહ્યા છો તેમ ભલે સુખેથી મુક્ત થઈને રહો.જેમ,પવનનો વ્યવહાર સ્વાભાવિક રીતે કોઈ વખત ચંચળ તો કોઈ વખતે શાંત હોય છે,
તેમ,તમે પણ તમારો વ્યવહાર પણ નિષ્કામ-પણાથી,સંકલ્પ-રહિતતાથી શાંત-પણાથી ચલાવો
અથવા ભલે તમે સમાધિ-નિષ્ઠપણાને લીધે વ્યવહાર ના પણ કરો.

જેમ લાકડામાંથી બનાવેલી યંત્રમય પૂતળી(રોબોટ!!),યંત્ર ચલાવનારની ઈચ્છા મુજબ ક્રિયા કર્યા કરે છે,
તેમ,ઉત્તમ પુરુષને યોગ્ય એવી તમારી ચેષ્ટા પણ વાસના વગરની,સંકલ્પથી રહિત,શાંતિવાળી અને
શાસ્ત્ર-રૂપી યંત્રને ચલાવનાર (ઈશ્વર) ને અધીન રહીને વ્યવહાર ચલાવનારી થાઓ.
હે રામચંદ્રજી,માતા-પિતા,બંધુ-મિત્ર વગેરેમાં સ્નેહથી દૃઢ રીતે બાંધી દેનાર પણ ના થાઓ,
તેમ સર્વ  સ્નેહથી રહિત પણ ના થાઓ,પરંતુ કોઈ અનિર્વચનીય-રૂપે પ્રકાશિત રહો.

આમ તમે ચિત્રમાં આલેખાયેલા દીવાની જેમ સાક્ષી-રૂપે સર્વના પ્રકાશ કરનાર થાઓ,
તેમ જ આભાસ-રૂપે જ સ્નેહ-અસ્નેહ આદિ ભાવને ધારણ કરનાર થાઓ.
વાસનાથી રહિત થઇ ગયેલા,ભોગોના સંબંધમાં વૈરાગ્ય-વાળા અને ભવિષ્યના વિષય-સુખ તરફ
સ્પૃહા(આસક્તિ) વિનાના વિવેકી પુરુષને,તત્વ-જ્ઞાનના (વિનોદ) માટે સારાં શાસ્ત્રો વિના બીજું કશું ઉત્તમ નથી.

(૩૯) આત્મનિષ્ઠ વિવેકીની દૃષ્ટિમાં જગતનું દર્શન

વસિષ્ઠ કહે છે કે-આત્મ-તત્વનો સાક્ષાત્કાર,જન્મ-મરણ આદિ સંસારિક અનર્થોની નિવૃત્તિ કરનાર છે,અને
તે સિદ્ધ થવાથી જીવનમુક્ત થઇ રહેલો વિવેકી પુરુષ,શાસ્ત્રોમાં કરેલા નિયમમાં રહેતો હોવા છતાં સંકલ્પ વિનાનો થઈને રહે છે.કદાચિત તેને વ્યવહારના સંબંધને લીધે,આભાસ-રૂપે (અસત્ય) સંકલ્પનું સ્મરણ થઇ આવે તો પણ તેને આત્મા-સ્વરૂપ સમજી લે છે અને તેને જુદી સત્તાવાળું સમજતો જ નથી.

પુરુષમાં તત્વજ્ઞાન થયા પહેલાં,"હું અમુક-રૂપ છું" તેવો અહંકાર ક્યાંકથી ખડો થઇ જાય છે,
પણ તત્વજ્ઞાન થયા પછી તે વિના કોઈ કારણે સહજ રીતે જ નાશ પામી ગયેલો દેખાય છે
અને પછી યત્ન કરીને ખોળવા બેસીએ તો પણ તે અહંકાર,તત્વજ્ઞ પુરુષની અંદર જોવામાં આવતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE