Oct 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-957

જે પુરુષમાં અજ્ઞાન-રૂપી આવરણ પાતળું પડી જાય છે,જેની સર્વ ઇચ્છાઓ શમી જાય છે,અને
જેનામાં નિષ્કામતાનો ઉદય થાય છે,તે વિવેકી પુરુષ જ્ઞાન-રૂપી અમૃત વડે પૂર્ણ થઇ જાય છે.
તેથી તે નિરતિશય એવી આનંદ-મયી પોતાની સવરૂપ-સત્તાથી ઝળકી ઉઠે છે.આવરણથી રહિત,
પ્રકાશમયબુદ્ધિ-વાળા અને અજ્ઞાન-રૂપ અંધકારને પેદા કરનાર સર્વ સંદેહ-રૂપી-ઝાકળને ખસેડી નાખવામાં પવન જેવા મહાબળવાન એવા વિવેકી પુરુષનો દેહ ચંદ્રની જેમ શોભે છે.

બ્રહ્મલોકમાંથી આવેલો પવન જેમ સ્પર્શથી મનુષ્યને પવિત્ર કરી દે છે,તેમ સંકલ્પથી રહિત,શાંત અને
અંદર શીતળતા-વાળા જ્ઞાન-નિષ્ઠ પુરુષનો સ્પર્શ પણ સ્પર્શ કરનારને પવિત્ર કરી દે છે.
સ્વપ્નની અંદર જેમ,વાંઝણીના પુત્રનો મિથ્યા-રૂપે અનુભવ થાય છે,તેમ આ સૃષ્ટિનો જે કંઈ મિથ્યા-રૂપે
અનુભવ થાય છે,તે તો અસત્ય-રૂપે દેખાવ આપનારા "ભ્રાંતિ-રૂપ-અનુભવ"નો જ "વસ્તુ-ભાવ" છે.

તો,આ અસત્ય સંસારની અંદર બંધ-મોક્ષ-રૂપ અર્થ કોને આશ્રયે રહે અને કોનાથી ઉત્પન્ન થાય છે?
પ્રથમ,તો આ બંધ-મોક્ષ શબ્દો જ મિથ્યા છે,તો પછી તેની વાચ્ય-રૂપ-અર્થની સિદ્ધિ કેવી રીતે જ થાય?
જગતને જો તેના અધિષ્ઠાન-રૂપ-બ્રહ્મ-રૂપે જોઈએ તો તે (જગત) પણ સત્ય છે,ઉત્પત્તિ-સ્થિતિથી રહિત છે
અને વાસનાના આશ્રય-રૂપ થાય તેવું પણ નથી,પણ જો તેને બ્રહ્મ-રૂપ ના માનીએ તો -
"હું અને જગત" એ બંનેની "વાસ્તવિક સત્તા" માં સ્થિતિ થઇ શકતી નથી.
એટલે,અહંકાર-આદિ-સૃષ્ટિ અને દુઃખ-આદિ-એ સર્વ જુદા-રૂપે ના દેખાતાં,કેવળ ચૈતન્ય-રૂપ જ જણાય -
તે "આત્મ-સ્વ-રૂપમાં શાંત થયા" નો "વસ્તુ-ભાવ" છે.

આત્મ-સ્વરૂપનો અનુભવ કરનારા વિવેકી પુરુષને,"આ સૃષ્ટિ ભિન્ન છે" એવો ભાવ થતો નથી.
જેમ,સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન-અવસ્થાનો વિષય દેખાતો નથી અને સ્વપ્ન-અવસ્થામાં સુષુપ્તિ-અવસ્થાનો વિષય દેખાતો નથી (એટલે કે જેમ બંને અવસ્થામાં પરસ્પર એકબીજાના વિષયો રહી શકતા નથી)
તેમ,નિર્વિષય એવા ચૈતન્યમાં કોઈ પણ વિષય રહી શકતો નથી,તેથી બંધ-મોક્ષ એ ભ્રાંતિ-રૂપ જ છે.
આમ,સુષુપ્તિ કે સ્વપ્ન અવસ્થા પણ નથી અને બંધ-મોક્ષ પણ નથી,જે કઈ છે તે સત્ય-શાંત-પરબ્રહ્મ-રૂપ જ છે.

ભ્રાંતિ વિષે જો, વિચાર કરવામાં આવે તો,તેનું સ્વરૂપ અસત્ય જ લાગે છે અને તત્વ-દૃષ્ટિથી જોતાં તે તે ભ્રાંતિ હાથમાં આવી શકે (અનુભવમાં આવી શકે) તેમ છે જ નહિ.તેથી ભ્રાંતિનો તો સંભવ જ રહેતો નથી.
આમ સાક્ષીના અનુભવથી,એ ભ્રાંતિથી થયેલ જ્ઞાન (અનુભવ) અસત્ય ઠર્યાથી તે (ભ્રાંતિ) છે જ નહિ.
એટલે સર્વને પોતાની અંદર રહેલું સાક્ષી-ચૈતન્ય જ પરમ-પ્રિય થઇ રહેલ છે,અને સાક્ષી(ચૈતન્ય)નો આનંદ જ,
"બીજા પદાર્થમાં-પ્રતિબિમ્બિત" જેવો થઇ જઈ (આનંદ-રૂપ જ) અનુભવમાં આવે છે.

સાક્ષી-ચૈતન્યથી બીજું કશું જુદું ના માનતાં,
કેવળ સાક્ષી-ચૈતન્યમાં (પોતાના આત્મામાં) જ શાંત થઈને રહેવું,તે જ મોક્ષ આપનારું છે.
આ પ્રમાણે બુદ્ધિ-વડે પોતાના આત્માની અંદર વિચાર કરી,તમને જે સારું લાગતું હોય તે તમે ભલે સુખેથી કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE