Oct 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-955



જેમ,ઘટ (ઘડા) આદિ પદાર્થને,તેના મૂળથી માંડીને છેક ટોચ સુધી,આડું-અવળું કે ઊંચું-નીચું કરીને જોઈએ-
તો પણ ઘટ-આદિ પદાર્થ જ જોવામાં આવે છે અને તે વિના એક અણુમાત્ર પણ બીજું કશું દેખાતું નથી,
તેમ,આ જગતને પણ મૂળથી-ટોચ સુધી જે જે પુરુષે જેવીજેવી પરીક્ષા કરી જોયું છે,તેવીતેવી રીતે,
તે પુરુષને સર્વત્ર બ્રહ્મ જ જોવામાં આવ્યું છે,તે વિના એક અણુમાત્ર પણ બીજું કશું જોવામાં આવ્યું નથી.

જેમ સોનાના સેંકડો આકારો બનાવવામાં આવે તો પણ તેનું સુવર્ણ-પણું તો કાયમ જ રહે છે,અને તે બદલાઈને બીજો કશો ભાવ થતો નથી,તેમ શાંત પરબ્રહ્મની અંદર અનેક સૃષ્ટિઓ અને અનેક જીવો વિવર્ત-ભાવથી ભલે જોવામાં આવે -તો પણ એ પરબ્રહ્મનું વાસ્તવ શાંત-સ્વરૂપ કાયમ જ રહે છે.બીજો કોઈ ભાવ થતો  નથી.

પોતાની અંદર રહેલું અજ્ઞાન (અહંકાર) જ હૃદયમાં પુષ્પ-રૂપે વિકસિત થઇ,બહાર જગત-રૂપી-ફળના આકારે થઇ રહેલ છે.અહંકાર-આદિ પ્રતિબંધ ખસી જવાને લીધે,નિરતિશય આનંદનો અનુભવ કરનાર અને બ્રહ્મની સાથે એકતાને પામેલા વિવેકી જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં સિદ્ધિઓ પણ અતિ તુચ્છ છે.
જેણે પોતાના આત્માનું સ્વરૂપ ઓળખી લીધું છે,એવો પુરુષ ગમે તેવી સ્થિતિમાં અને ગમે તે ઠેકાણે રહ્યો હોય,
પરંતુ તેને દ્વૈત-સંબંધી-સંકલ્પો ઉઠતા જ નથી.

જે પુરુષને સર્વ જગત આકાશના જેવું શૂન્ય લાગે છે,તેને ભોગ આદિના નિમિત્તનું કશું સ્વરૂપ જ દેખાતું ના હોય,
તો પછી તેને ઈચ્છા શી રીતે ઉત્પન્ન થાય અને કઈ બાબતમાં ઈચ્છા ઉત્પન્ન થાય?
બીજા સામાન્ય-પુરુષોના કરતાં નિસ્પૃહ,નામ-રૂપની કલ્પનાઓથી રહિત અને વૈભવ-દરિદ્રતા ને એક સમાન-રૂપે ગણનાર વિવેકી મહાત્મા પુરુષના અગાધ મહિમાને જાણવાને કોણ સમર્થ થઇ શકે?

પોતાના પ્રકાશમય આત્મ-સ્વ-રૂપ વડે સર્વત્ર સમાન-રૂપે પ્રકાશી રહેલ તેમજ આકાશની જેમ નિર્વિકાર,શુદ્ધ,અસંગ અને ચૈતન્ય-રૂપ થઇ રહેલ મહાત્મા પુરુષના બંધુ-પુત્ર-આદિનું
મરણ થવાથી તેમનું કશું મરી જતું નથી કે તેમના જીવતા રહેવાથી તેમનું કશું જીવતું નથી.
એ મહાત્માનું તો જે કંઈ છે તે તે સદા એક-રૂપમાં જ અખંડિત-પણે રહે છે.
માત્ર અજ્ઞાની લોકોને જ ભ્રાંતિથી,જન્મ-મરણ-વગેરે ભાસ્યા કરે છે.

અમે આ બાબતમાં સંપૂર્ણ તપાસ કરીને તત્વ-દૃષ્ટિ વડે જે નિર્ણય કર્યો છે,તેનાથી એમ સ્પષ્ટ થાય છે કે-
ભ્રાંતિ પણ નથી-ભ્રાંતિને જોનાર પણ નથી,કે જન્મ-મરણ પણ નથી--કેવળ એક બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે.
જે પુરુષ આ દૃશ્ય-પ્રપંચથી વૈરાગ્ય પામ્યો હોય,કેવળ આત્મામાં જ પ્રીતિ રાખતો હોય,અને પરમ શાંતિને પામી ગયો હોય,તે પોતે વિદ્યમાન (દેખાતો) છતાં દેહ-આદિ-રૂપે અવિદ્યમાન (ના દેખાતા) જેવો જ છે.
અને તે જ આ સંસાર મહાસાગરને તરી ગયેલ છે કે નિર્વાણને પ્રાપ્ત થઇ ગયેલ છે.

જેને બુદ્ધિથી માંડી આ સર્વ દૃશ્ય-જગત પોતાની મેળે જ રુચતું નથી,
અને જે સદાકાળ આકાશની જેમ નિર્વિકાર અને શાંત રહે છે,તેને ઉત્તમ પુરુષો "મુક્ત" કહે છે.

અહંકાર (હું દેહ છું-તે) માત્ર અવિચારને લીધે જ ખડો થઇ જાય છે.વિચારથી જોતા અહંકાર છે જ નહિ,તો પછી,આ જગત ક્યાંથી રહે? અને જન્મ-મરણ પણ ક્યાંથી રહે? વસ્તુતઃ તો માત્ર એક ચિદાકાશ જ સત્ય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE