Oct 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-959

પહેલાં (આગળ) કહેલી યોગ-ભૂમિકાના અભ્યાસ-યોગથી,જયારે સર્વ દૃશ્ય (જગત) ની ભ્રાંતિ એકદમ ક્ષીણ થઇ જાય છે અને પછીથી તે જગત અને અહંકાર એ બંનેમાંથી એકેયની પ્રતીતિ થતી નથી,ત્યારે કેવળ પરબ્રહ્મ જ અવશેષ રહે છે.આમ, જયારે જયારે સ્વરૂપમાં સ્થિતિ-થવા-રૂપી-સૂર્યનો ઉદય થાય છે ત્યારે ત્યારે ભોગો-રૂપી-અંધકાર ક્ષીણ થઇ જાય છે.અને તે (અહંકાર) કોઈ કાળે હતો જ નહિ એવો થઇ જાય છે,છતાં કદીક તે મિથ્યા-રૂપે અનુભવવામાં આવે છે.

આ રીતે ભોગ-રૂપી અંધકારનો નાશ થતાં,બુદ્ધિ-આદિ ઇન્દ્રિયોનો સમૂહ,
આત્માને ઢાંકી દેનાર અજ્ઞાનથી રહિત તથા સ્થૂળ-દેહના અધ્યાસ વિનાનો થઇ જાય છે.
પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ (જ્ઞાન) એવી રીતે સ્ફુરે છે કે-તે (દીવાના પ્રકાશની જેમ)
ચારે તરફ ફેલાઈ જાય છે,અને જેથી વિવેકી પુરુષને સર્વ જગત અને પદાર્થો બ્રહ્મ-રૂપે ભાસે છે.

(૪૦) જીવનમુક્તનો અનુભવ

વસિષ્ઠ કહે છે કે-બહારની અને અંદરની સર્વ વસ્તુઓ,તેમનું વસ્તુતઃ સ્વરૂપ વિચારતાં પાયા વગરની છે,તેથી બાહ્ય-વિષયો (રૂપ-આદિ),માનસિક વિષયો (સંકલ્પ-આદિ) અને બુદ્ધિ-આદિ ઇન્દ્રિયોની જે કંઈ પ્રતીતિ થાય છે તે કોઈ વિકાર વિનાના સાક્ષી-ચૈતન્યનો એક વિવર્ત જ છે.
ચોતરફ પ્રસરી રહેલી અનંત આત્મ-સત્તાની અંદર સ્વભાવિક રીતે જ પદાર્થ-માત્ર રહે છે.

તે બ્રહ્મ,જયારે પોતાના સ્વ-રૂપને આવરણ કરનારી અવિદ્યા (માયા કે અજ્ઞાન)ને પોતાના અંગમાં આરોપિત કરીને,પોતે અવિદ્યા-રૂપે ઉદય પામે છે-ત્યારે આ સૃષ્ટિનો ભ્રાંતિના જેવો મિથ્યા પ્રતિભાસ થઇ આવે છે.
જયારે જ્ઞાન (વિદ્યા) વડે,પોતાનું સાચું સ્વ-રૂપ ઓળખાય છે,અને તે પોતાના સ્વરૂપમાં જ
પરમ શાંતિ આપનારી વિશ્રાંતિ મેળવી સ્થિર થઈને રહેવાય,ત્યારે જગત-રૂપી દૃશ્ય દેખાતું જ નથી.

ભોગો,મહા-રોગો જેવા અને અંતમાં દુઃખ પેદા કરનારા છે,બંધુ-વગેરે દૃઢ બંધન-રૂપ છે,અને,અર્થ (ધન)ની સંપત્તિ અનેક અનર્થો ઉત્પન્ન કરનાર છે,માટે આત્મા વડે આત્મામાં જ શાંતિ મેળવી શાંત થઈને રહેવાનું છે.
પોતાના સ્વરૂપને ભૂલી જઈને અવિદ્યા (માયા) થી આ દેહને આત્મા-રૂપ સમજતાં,આ સંસાર ખડો થઇ જાય છે.
અને પોતાના સ્વ-રૂપને ઓળખી લઈને આત્માને ચૈતન્ય માનતાં સંસારની ભ્રાંતિ શમી જઈ,
પરમ આનંદ-રૂપ થઇ રહેવાય છે,માટે પરમ ચિદાકાશ-રૂપ થઈને રહેવું અને શાંતિ મેળવવી-એ જ સારું છે.

મારો પોતાનો આત્મા કે જે આ "વસિષ્ઠ-નામ-રૂપી-દેહ"માં "જીવ-રૂપે" રહેલ છે,તેને હું બ્રહ્મ-સત્તાથી જુદો દેખતો નથી,તેમ જ હું આ દૃશ્ય-રૂપી આ જગતની ભ્રાંતિને પણ બ્રહ્મ-સત્તાથી જુદી દેખતો નથી.
હું તો શાંત પરબ્રહ્મની અંદર લીન થઇ ગયેલો છું અને નિર્વિકાર પરબ્રહ્મ-રૂપ જ છું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE