Oct 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-960

 વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે (રામ-એવા) નામ-રૂપ-વાળા છો અને તમે મને વસિષ્ઠ-નામ-રૂપ-વાળા તરીકે દેખો છો.બાકી હું તો ચૈતન્ય છું,અને સર્વત્ર (અને તમારામાં પણ) પરમ શાંત ચિદાકાશને જ દેખું છું.
જેમ પવનની અંદર ગતિનું સ્ફુરણ થયેલું દેખાય છે,તેમ,પરબ્રહ્મની અંદર બાહ્ય વિષયો (રૂપ-આદિ) અને મનોમય વિષયો (સંકલ્પ-વિકલ્પ-આદિ) ની ભ્રાંતિ ઉત્પન્ન થયા જેવી દેખાય છે,બાકી એમાં વસ્તુતઃ કશું ઉત્પન્ન થયેલું જ નથી.

જેમ, સુષુપ્તિ અવસ્થામાં રહેલો પુરુષ સ્વપ્ન દેખતો નથી,તેમ,બ્રહ્મ-રૂપ થઇ ગયેલો પુરુષ આ સૃષ્ટિને દેખતો નથી.
અને જેમ, સ્વપ્નાવસ્થામાં રહેલ પુરુષને સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરી શકતો નથી,
તેમ, સંસારમાં જ રચ્યા-પચ્યા રહેનાર પુરુષને બ્રહ્મનો અનુભવ થઇ શકતો નથી.અને
જેમ,પ્રબુદ્ધ (જાગી ગયેલ જ્ઞાનવાન) પુરૂષ ક્રમે કરીને,જાગ્રત અને સ્વપ્ન -બંને અવસ્થાનો અનુભવ કરે છે,
તેમ,તે પ્રબુદ્ધ-શાંત બુદ્ધિ-વાળો પુરુષ,બ્રહ્મ અને જગત,એ બંનેના પ્રકાશમય સ્વરૂપને અનુભવે છે.

પ્રબુદ્ધ પુરુષ આ સર્વ દૃશ્ય-જાળને સારી રીતે ઓળખે છે અને તે શુદ્ધ ચિત્ત-વાળો થઇ,
ક્રમે ક્રમે ઉત્તરોત્તર ભૂમિકામાં ચડતો જઈ,છેવટે શાંત થઇ જાય છે.

(૪૧) સ્વરૂપ-સ્થિતિથી નિર્વાણ

વસિષ્ઠ કહે છે કે-અવિદ્યાને,પોતાના સ્વરૂપમાં આરોપીને,તે આત્મા (પરમાત્મા કે ચૈતન્ય)જ
આ સર્વ જગત-રૂપ થઇ ગયો છે.અને તે આત્મા જ જગત,અહંકાર-આદિનો સાક્ષી-રૂપે અનુભવ કરે છે.
પણ,અવિદ્યાના આરોપ વિનાનો તે અદ્વિતીય,પૂર્ણ અને પરમ-આનંદ-સ્વભાવવાળો જ છે તેમ તમે સમજો.
અને તે સર્વના અધિષ્ઠાન-રૂપ પરબ્રહ્મ સાથે એકતા (અદ્વૈત) કરો,અને જગતની ભ્રાંતિ દૂર કરો.

જીવોનું સ્વરૂપ વિચારવા જતાં,તે જીવો માત્ર એક ચેતન-તત્વના ચમત્કાર-રૂપ જ છે.
તેમની "કલ્પના-રૂપ" નૃત્ય-મંડપની અંદર અનેક પ્રકારના રસો-ભાવો અને વિકારો સાથે,"જગત-રૂપ-ચિત્ર"ની
પૂતળીઓ ચિદાકાશમાં નૃત્ય કર્યા કરે છે.અને શૃંગાર-આદિ જુદાજુદા રસ વડે લોકોનું મનોરંજન કરે છે.
તેઓ માત્ર એક પરમાણુ જેટલા ચિદાકાશની અંદર પણ પોતે ચિદાકાશ-રૂપ હોવાથી ખડી થઇ જાય છે.
તેમનું જે નૃત્ય દેખાય છે તે,બ્રહ્મ-રૂપ-જળના એક પ્રવાહ-રૂપ અને બ્રહ્મ-રૂપી-પવનની ગતિ-રૂપ છે.

સુષુપ્તિ અવસ્થામાં પણ જાગ્રત-રૂપે રહેનાર "સાક્ષી-ચૈતન્ય",જેમ,"સ્વપ્નનું કારણ" છે,
તેમ,સર્વના કારણ-રૂપ અધિષ્ઠાન-ચૈતન્ય,અવિદ્યાના યોગથી,તે પૂતળીના નૃત્યના કારણ-રૂપ છે.
જાગ્રત-અવસ્થામાં પણ ચિંતાને છોડી દઈ,જાણે સુષુપ્તિને પ્રાપ્ત થયા હો,
તેમ સંકલ્પ-રહિત થઈને રહો અને પોતાના શુદ્ધ-સ્વ-રૂપની ભાવના કરતા રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE