Oct 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-961

તમે આ જગત-રૂપી સ્વપ્નનો આશ્રય કરો નહિ.જાગ્રત અવસ્થામાં જ તમે જ્ઞાનને લીધે રાગ અને વાસનાથી રહિત થઈને,સુષુપ્તિ-અવસ્થાની જેમ સંકલ્પ-રહિત થઈને રહેજો.એ જ સ્વ-રૂપ સ્થિતિ છે અને તેમાં દૃઢ થઈને રહેવું તે જ મુક્તિ છે,એમ તત્વવેત્તાઓનું સમજવું છે.
એ સ્થિતિમાં કર્તા-કર્મ-અને- સાધનો વિનાનું દૃષ્ટા-દૃશ્ય-દર્શનથી રહિત તથા
બાહ્ય-આંતર વિષયોથી રહિત,એક બ્રહ્મ જ વિવર્ત-ભાવથી જગત-રૂપે થઇ રહ્યું છે-એમ ભાસે છે.

સ્વ-રૂપ સ્થિતમાં રહેલા પુરુષને,પોતાના નિર્વિકાર ચૈતન્યમાં બ્રહ્મ-સત્તા જ,અભેદ-રૂપે પ્રકાશી રહેલી જોવામાં આવે છે.તેમ જ દ્વિત્વ-એકત્વ વગેરે ભેદથી રહિત પોતાના આત્મ-સ્વરૂપ સાથે
(દ્વિત્વ-એકત્વ વગેરે ભેદથી રહિત) બ્રહ્મ જ અખંડ-એક-રસ-રૂપે થઇ રહેલ છે-એમ તેને પ્રતીતિ થાય છે.
સૃષ્ટિના અધિષ્ઠાનની અંદર અભેદ-રૂપે રહેલું એ સત્ય-તત્વ,આત્માની અંદર પોતાની મેળે જ સ્થિર થઈને રહેલ છે.
એ તત્વ આકાશ જેવું નિર્વિકાર,વિશાળ અને અસંગ છે તો શિલા જેવું ઘટ્ટ પણ છે!!
વળી તે રત્નના જેવું પ્રકાશમય પણ છે.

ઘટ્ટ છતાં તે આકાશના જેવું નિર્મળ અને જગત-રૂપી પ્રતિબિંબને પ્રાપ્ત થઈને,કેમ જાણે ક્ષોભને પ્રાપ્ત થયેલું હોય તેમ દેખાય છે,છતાં તે ક્ષોભથી રહિત છે.તે જગત-રૂપે અસત્ય છે તો અધિષ્ઠાન-રૂપે સત્ય છે.
જે શહેરની રચના હજી થવાની હોય, તે શહેર જેમ, કલ્પનાથી  તેના રચનારની અંદર રહ્યું હોય છે,
તેમ,આ સર્વ જગત,પ્રકાશમય અનંતની અંદર (કલ્પનાથી) રહેલ છે.
મનને બ્રહ્મથી જુદું ના રાખતાં,જયારે તે મનની જ વૃત્તિ દ્વારા,
તે મનને,બ્રહ્મ સાથે એક-રૂપ કરી દેવામાં આવે છે,ત્યારે,જ આ વાત અનુભવમાં આવે છે.

જેમ,સંકલ્પ-રૂપે કલ્પના કરાયેલું નગર,સંકલ્પથી જુદું નથી,તેમ,આ જગતનો આભાસ,પરબ્રહ્મથી જુદો નથી.
તે પ્રકાશ-મય પરમ-તત્વ,નિરંતર ઉત્પત્તિ-નાશ-વગેરે વિકારો-વાળું ભાસતું હોવા છતાં,નિર્વિકાર-એકરૂપ જ છે.
હે રામચંદ્રજી,પોતાનું સ્વરૂપ ઓળખાયા પછી જ,શાંતિ વડે ઘન-ભાવને (ઘાટા-પણાને) પ્રાપ્ત થયેલું બ્રહ્મ જ,
પોતાના અદ્વૈત-પણાને લીધે,ઉત્પત્તિ-નાશને ના પામેલા એવા પોતામાં કલ્પાયેલી સૃષ્ટિ-રૂપે ભાસે છે.

(૪૨) જગત અને ઈશ્વરની એકતા

વસિષ્ઠ કહે છે કે-નિર્વિકાર ચિદાત્માની અંદર જે કંઈ ચિત્તના જેવું દેખાય છે,તે ચિદાત્માથી જુદું નથી,
કેમ કે (વિભાગને બતાવનારાં) નામ-રૂપની રચના પહેલાં જ તે ચિદાત્મામાં "ઉપાધિ-રૂપે" દાખલ થયેલા,
ચિત્તમાં,નામ-રૂપનો (વિભાગોનો)સંપર્ક સંભવતો જ નથી.વળી ચિત્ત પણ (ચિદાત્માની અંદર કલ્પેલું હોવાથી)
ચિદાત્માની જેમ જ નિર્મળ છે,જેને લીધે એ બંનેનો ભેદ અસંભવિત છે.
હવે આમ,જો,ચિત્ત,એ ચિદાત્માથી જુદું સંભવતું નથી,તો પછી ચિત્તે કલ્પેલી સૃષ્ટિનો સંભવ ક્યાંથી હોય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE