Oct 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-964

આત્મ-તત્વનું ખરું સ્વરૂપ ઓળખવામાં ના આવે,તો દર્પણની અંદર જેમ મુખ દેખાય છે,
તેમ અંતઃકરણ-રૂપ ઉપાધિમાં ચિદાત્મા જ પ્રતિબિમ્બિત થઈને ચિદાભાસ-રૂપે દેખાય છે,
પણ જ્ઞાન વડે જો પોતાનું સ્વરૂપ ઓળખવામાં આવે તો "ભેદ-કરનાર-ઉપાધિ" ખસી જતાં
ચિદાભાસ-પણું શમી જાય છે અને ચૈતન્ય-પણું અનુભવમાં આવે છે.આમ,ઉપાધિનો અભાવ સિદ્ધ થતાં ચિદાભાસ અનિર્વચનીય થઇ જાય છે,અને છેવટે શાશ્વત ચૈતન્ય જ અવશેષ રહે છે.

વસિષ્ઠ કહે છે કે-હે શ્રોતાજનો,તમે અંતઃકરણને શાંત રાખી સ્વસ્થ રહો.નિર્લેપ (અનાસક્ત)  રહી
આવી પડેલાં કર્મ કરતા રહો તથા બીજાઓ પાસે પણ કરાવતા રહો,અને જીવનમુક્ત થઈને રહો.
તમે કાર્ય અને કારણ એ બંનેના સાર-રૂપ-ચૈતન્ય-તત્વને જ પોતાના આત્મા-રૂપ સમજી લઈને આકાશના જેવા નિર્લેપ,અસંગ અને નિર્વિકાર થઇ જાઓ,એટલે તમારે ફરીવાર પાછો આ સંસારમાં જન્મ-મરણ નહિ રહેશે.

વિવેકી પુરુષો,સર્વનો ત્યાગ કરીને શાંત અંતઃકરણવાળા અને ઉજ્જવળ મન-વાળા હોય છે.
ચિત્રમાં આલેખાયેલા પુરુષની જેમ,તેઓ ભલે એકાંતમાં સમાધિમાં જ બેઠા રહેતા હોય,તેમ છતાં,
તેઓ તે સમાધિ-કાળ અને વ્યવહારકાળ -એ બંનેમાં નિરંતર એક-ભાવે જ્ઞાનમાં જ તરબોળ રહે છે.
કેમ કે તેમના સંકલ્પો શાંતિને પામ્યા હોય છે,એટલે સંકલ્પથી રચાયેલું આ જગત તેમને તુચ્છ લાગે છે.

જેમ,જન્મથી અંધ પુરુષ,નેત્ર-વાળા પુરુષને થતા રૂપનો અનુભવ જાણી શકતો નથી,તેમ,અવિવેકી મનુષ્ય,
વિવેકીઓને થનારા આત્માના અનુભવને જાણી શકતો નથી.આમ છતાં,તે અવિવેકી (અજ્ઞાની) પુરુષને
કાને થોડાં (જ્ઞાનનાં) વાક્યો પડી જતાં "હું ખરો તત્વજ્ઞ છું" એવી ભ્રાંતિમાં પડે છે,
અને પોતાના મુક્ત-પણાનું વર્ણન કરે છે.પણ,તે પોતે તો અંદર અજ્ઞાન કાયમ હોવાથી સંતાપ પામે છે
અને તેને તત્વજ્ઞની જેમ શાંતિના સુખનો અનુભવ થતો નથી.

અવિદ્યા-રૂપે પ્રસરી રહેલી કોઈ "કલ્પિત" બાબતનો ઉપદેશ સાંભળી,કોઈ અજ્ઞાની,તેનો આધાર લઇ લે છે,
અને તે આધારથી (અજ્ઞાન અને મૂર્ખતાના લીધે) પોતાને કૃતાર્થ થયેલા માની બેસે છે,
પણ,બીજી જ ક્ષણે તેઓ કલેશ વડે પીડાય છે,એટલે તે કૃતાર્થ-પણું સાચું નથી.એમ વિવેકીઓનું સમજવું છે.
આ જગત "કેવળ ભ્રાંતિ-માત્ર છે"એમ સમજી લઇ,સર્વ વિષયોમાં વૈરાગ્ય રાખવો અને કેવળ આત્મામાં જ વાસના વિનાની સ્થિતિ રાખવી-એને જ સુખ-દુઃખના ખરા ઉપાય-રૂપ મોક્ષ કહી શકાય છે.અને એ જ કૃતાર્થતા છે.

હે રામચંદ્રજી,તમે મારા ઉપદેશને જો બહિર્મુખ-પણાથી (જેમ લૌકિક-પુરાણિક કથાઓ સાંભળવામાં આવે છે તેમ)
જ સાંભળશો,તો માત્ર તેટલાથી જ તમે કૃતાર્થ થશો નહિ.પણ અંતર્દ્રષ્ટિ કરીને (અંતર્મુખ-પણાથી) આ સર્વ દૃશ્ય-પ્રપંચને નિર્મળ એવા ચૈતન્ય-રૂપે જોશો તો જ કૃતાર્થ થઇ મોક્ષ-સુખની વિશ્રાંતિને પામશો.
જેમ,જન્મથી આંધળાને રૂપનો અનુભવ બીજાઓના ઉપદેશ-વચનોથી જ થાય છે,તે અનુભવ નહિ કર્યા સમાન જ હોય છે,તેમ જે અનુભવ બીજાઓના ઉપદેશ-વચનો દ્વારા કરેલ હોય તે અનુભવ નહી કર્યા સમાન જ છે.
માત્ર પોતાના અંતરાત્મા-રૂપી-પરમ-તત્વનો અપરોક્ષ-પણે અનુભવ કરતા રહો,તે પોતાનો અનુભવ જ સાચો છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE