Oct 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-965

(૪૩) જગત અજ્ઞાન-કલ્પિત છે
વસિષ્ઠ કહે છે કે-બહારના પદાર્થો (જગત) આદિ ભોગવવા-લાયક પદાર્થ (ભોગ્ય)
અને અંદર અહંકાર-આદિ ભોગવનાર (ભોક્તા) એ બંનેના તત્વનું જ્ઞાન થતાં,તે ભેદ મિથ્યા સાબિત થાય છે.
તેજ રીતે, મોહને લીધે,"આત્માનું સાક્ષી-સ્વરૂપ" (દૃષ્ટા) ભૂલાઈ જવાથી,તે ભોકતા (અહંકાર) માં જ
આત્મ-બુદ્ધિ રાખનાર,મૂઢ પુરુષોનો (સાક્ષી-સ્વરૂપ ભૂલાઈ ગયેલ) આત્મા પણ બ્રહ્મ-સત્તાને લીધે જ ભોગ્ય (જગત)ને અનુભવી શકે છે,માટે તે (આત્મા) સત્ય-બ્રહ્મ-રૂપ પણ સાબિત થાય છે.

અજ્ઞાન-રૂપી-તાવથી મુક્ત થયેલા અને જ્ઞાન વડે શીતળ-ચિત્ત-વાળા પુરુષનું,પ્રથમ ચિહ્ન એ છે કે-
તેમને ભોગો રુચતા જ નથી.બીજા (નામ-રૂપ સંબંધી-ભ્રાંતિ-વાળા) કોઈ જ્ઞાનોની જરૂર નથી,
પણ માત્ર "હું એવો કોઈ પદાર્થ જ નથી" એવી રીતે અહંકારનો ત્યાગ કરવાથી મોક્ષ-સુખ મળે છે.
માટે તમે તેવી જ ભાવના કરતા રહો.

સ્વપ્નમાં જોવામાં આવતા પદાર્થોનું જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય,તો તે પદાર્થો (સત્યમાં ના હોવાને લીધે)
પુરુષનું રંજન કરી શકતા નથી,તે પ્રમાણે જ્ઞાન-દશામાં અનુભવેલા "હું અને જગત" એવા અહંકાર-આદિ
પદાર્થો,મિથ્યા-રૂપે પ્રતીત થવાથી (સત્યમાં ના હોવાને લીધે) તત્વજ્ઞનું રંજન કરી શકતા નથી.

જેમ,ભ્રાંતિથી કલ્પાયેલો યક્ષ (ભોક્તા) અને તેનું નગર (ભોગ્ય) એ બંને સત્ય નથી,છતાં પરસ્પર,
ભોક્તા-ભોગ્ય-રૂપે કેમ જાણે સત્ય હોય તેવાં થઇ રહે છે,તેમ અહંકાર (ભોક્તા) અને જગત (ભોગ્ય)
એ બંને ભ્રાંતિ-રૂપ અને મિથ્યા જ છે,છતાં તે સત્ય હોય તેમ ભાસ્યા કરે છે.

"હું ભ્રાંતિ-માત્ર છું અને મિથ્યા છું" એમ સમજી લઈને તેવી ભાવના રાખવાથી ચિત્તનું ચિત્ત-પણું જતું રહે છે,
અને પોતાના તાત્વિક-સ્વરૂપ-રૂપ ચૈતન્ય-પણાના ભાવને પ્રાપ્ત થાય છે,માટે તમે કલ્પનાઓ અને
આશંકાઓનો ત્યાગ કરીને-અને- "અમુકનો ત્યાગ અને અમુકનું ગ્રહણ" એ (કલ્પનાને) પણ પડતી મુકો,
ઈચ્છાને પ્રસરવા ના દો,અને પોતાના આત્મ-સ્વરૂપમાં શાંતિથી વિશ્રાંતિ કરો.

અરે મનુષ્ય-રૂપી-મૃગો ! આ અતિ શૂન્ય સંસાર-રૂપી-અરણ્યમાં ગાંડા જેવા થઇ આમ કેમ ભટકયા કરો છો?
તમે ત્રિલોક (જગત)રૂપી-ઝાંઝવાના જળ વડે છેતરાઈ,અંધ-બુદ્ધિ-વાળા બની,આશા વડે ઘેરાઈ જઈ,દુઃખી થઇ,આમતેમ નકામી દોડાદોડ કરો નહિ.બાહ્ય-ભોગો (રૂપ-રસ-આદિ) અને માનસિક ભોગો (મનમાં કલ્પેલા)
રૂપી ઝાંઝવાનું જળ પીવા તમે નકામી મહેનત કરી આયુષ્ય ગુમાવો નહિ.જગત તો એક આભાસ-માત્ર છે,
તેની અંદર વિવેકનો નાશ કરનાર અહંકારનો બોજો ઉપાડીને તમે તમારો નાશ કરો નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE