Oct 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-966

વસિષ્ઠ કહે છે કે-સુખ,એ પરિણામે પીડાકારક હોવાથી દુઃખ-રૂપ જ છે અને છેવટે મૃત્યુ-રૂપી-મહા કલેશને ઉત્પન્ન કરનાર છે.માટે તે (સુખ કે ભોગો) તરફ તમે દૃષ્ટિ કરો જ નહિ.અવિવેકીઓને જ ચિદાકાશમાં ભ્રાંતિથી જગત દેખાય છે,આ જગતનું "દેખાવું" તે બ્રહ્માકાશમાં રહેલી અજ્ઞાન-રૂપી શ્યામતાને લીધે છે,તે તરફ તમે જાઓ નહિ.
તમે તો ભ્રાંતિ વિનાના પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ યોગ્ય અનુભવ દ્વારા પરિણામ પામીને રહો.

હે મનુષ્યો,ક્ષણ-ભંગુર એવા મનુષ્ય-દેહ-વાળી,આ સંસાર-રૂપી "અંધ-ગર્ભશય્યા"માં જ તમારે
સુઈ રહેવાનું નથી.તમારે તો અનાદિ-અનંત-એવા પોતાના સ્વરૂપમાં જ અખંડિત-પણે સ્થિર થઈને રહેવાનું છે.
દૃષ્ટા અને દૃશ્ય-સંબંધી દશામાં દોષ-રૂપે દેખાતા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે તમે હેરાન ના થાઓ.
તૃષ્ણાથી મુક્ત થઇ,"હું અમુક છું અને અમુક મારું છે"એવા અભિમાનની શાંતિ કરવી તે મુક્ત-પણાનું સ્વરૂપ છે.

સંસાર-માર્ગમાં ભટકી ભટકી થાકી ગયેલા ઉદાસીન મુક્ત પુરુષને,
"મુક્તતા,નિર્વાસના-પણું,જ્ઞાન-નિષ્ઠ-પણું"વગેરે "શાંતિ પેદા કરવાની ઉત્તમ વિશ્રામ-ભૂમિ છે".
આ જગત-રૂપી પદાર્થ જેવો વિવેકીઓની દૃષ્ટિમાં દેખાય છે તેવો અવિવેકી કે મૂર્ખની દૃષ્ટિમાં દેખાતો નથી.
અને અવિવેકીઓને જેવો દેખાય છે-તેવો વિવેકીઓને દેખાતો નથી.
એટલે તે (જગત-રૂપી-પદાર્થ) પરસ્પર પોતાના અનુભવ પ્રમાણે એકબીજા પાસે વર્ણન ના કરી શકાય તેવો
અને માત્ર પોતાના (સત્યના) અનુભવે જ સમજાય તેવો રહે છે.

ભ્રાંતિની શાંતિ થઇ ગયા પછી,જગત આભાસ-રૂપે દેખાતાં છતાં,બ્રહ્મ-સત્તાથી જુદું દેખાતું નથી.
વિશેષે કરી,મુક્ત અવસ્થાને પ્રાપ્ત થઇ ગયેલા જ્ઞાની પુરુષને આ જગત તેના ભેદભાવ સાથે રહ્યા છતાં
બ્રહ્મમાં જ ગળી ગયેલું જણાય છે અને પોતાની સત્તા-વાળું-પરબ્રહ્મ જ સર્વત્ર ભરપુર દેખાય છે.
સત્પુરુષોને પોતાના આત્મામાં શાંતિ મળતાં આ જગત જાણે ક્યાંયે જતું રહે છે.

"આ જગત બ્રહ્મ-રૂપી-પદાર્થનો વિવર્ત-રૂપે દેખાતો એક આકાર-વિશેષ છે,અને બ્રહ્મનો જે અર્થ છે તે જ
તે જગતનો અર્થ છે" આમ સમજાય તો તે ઉત્તમ છે
પણ "જે છ વિકારથી ફેરફાર પામ્યા કરે તે જગત" એમ જો અર્થ કરવામાં આવે તો તે ઉત્તમ નથી.
વિશેષ જ્ઞાનથી રહિત એવા બાળકને આ સર્વ (જગત-રૂપી_પદાર્થો જેવા સામાન્ય-રૂપે દેખાય છે,
તેવા જ -વાસના ક્ષીણ થઇ જવાથી પોતાના આત્માનંદમાં મગ્ન રહેનાર વિવેકી પુરુષોને પણ દેખાય છે.

જે સર્વ પ્રાણી-માત્રની રાત્રિ છે,તેમાં જિતેન્દ્રિય-વિવેકી પુરુષ જાગે છે,અને જેમાં (વિષય-સુખમાં) સર્વ પ્રાણી-માત્ર જાગતાં રહે છે,તે (સત્યનું અવલોકન કરનાર) વિવેકી પુરુષને રાત્રિ-રૂપ જ લાગે છે.
(નોંધ-વિવેકીની આત્મ-નિષ્ઠા અને બીજા પ્રાણીઓની વિષય-નિષ્ઠા-ની પરસ્પર વિરુદ્ધ સ્થિતિ બતાવવાનો અહી આશય છે.ભગવદગીતાના અધ્યાય-૨-૬૯ માં પણ આ પ્રમાણેનું જ વર્ણન છે)
સર્વ સામાન્ય મનુષ્યોને અજ્ઞાન-રૂપી અંધકારનું પડ આડું આવી જવાથી,આત્મ-તત્વ અજાણ-પણે રહ્યું છે,
પરંતુ તે આત્મ-તત્વને જાણવામાં (અને જાણીને)  તત્વવેત્તા પુરુષો નિરંતર જાગ્રત રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE