Nov 11, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-977

(૪૭) મોક્ષના સાધનો અને વૈરાગ્યની પ્રાપ્તિ
વસિષ્ઠ કહે છે કે-સંસાર-રૂપી ભારથી ખૂબ થાકી ગયેલો અને મરણ-મૂર્છા-આદિ અનેક સંકટોમાં આળોટનારા શરીરને ધારણ કરી રહેલો -જે પુરુષ -શાંતિ મેળવવા ઈચ્છતો હોય,તેનો આ ક્રમ કહું છું તે તમે સાંભળો.
જયારે,કોઈ કારણને લીધે (અથવા વિના કારણે પણ) કોઈ પુરુષના હૃદયમાં વિવેકનો એકાદો પણ અંકુર પણ પેદા થાય છે ત્યારે તે મુમુક્ષુ પુરુષ મહાત્માઓનો (સત્સંગનો) આશ્રય લે છે અને અજ્ઞાની-જનોને દૂરથી જ છોડી દે છે.

તે મુમુક્ષુ વિદ્વાન પુરુષોના માર્ગને અનુસરીને-દાન,તપ અને યજ્ઞ-વગેરે શુભ કર્મો કરતો રહે છે.
અને લોકોનું હિત કરનારા,આનંદ ઉપજાવનારા,પોતાને યોગ્ય અને આપોઆપ આવી મળેલ,
એવા વ્યવહારને ધારણ કરે છે.પારકાઓના મનોરથોને પૂર્ણ કરનારો,પવિત્ર કર્મોમાં શ્રધ્ધા-વાળો એવો,
તે વિવેકી પુરુષ શાંતિ-પૂર્વક તથા અપૂર્વ-રીતે વ્યવહારમાં (અનાસક્તિથી) પ્રવૃત્ત રહે છે.

આવા વિવેકી પુરુષની સંગતિ.સ્વચ્છ,મૃદુ,મનોહર અને મધુર હોય છે,તે મનુષ્યોના ચિત્તમાં સુખ ઉત્પન્ન કરે છે.
અને તેમનાં ચરિત્રો મનુષ્યના ચિત્તને અંદર શીતળ  કરી દે છે.તેમના સત્સંગથી નિર્ભય વિશ્રાંતિ મળે છે.
વિવેકી પુરુષના સમાગમ,પાપો ધોઈ નાખે છે અને પવિત્રતા અર્પે છે.જે ઉદારતા આવા વિવેકી પુરુષની અંદર જોવામાં આવે છે-તેવી ઉદારતા બીજી કોઈ જગ્યાએ જોવામાં આવતી નથી.

ક્રમને અનુસરીને કરેલાં નિષ્કામ કર્મથી બુદ્ધિ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે અને એ શુદ્ધ બુદ્ધિ -શાસ્ત્રના ઉપદેશને હૃદયમાં સ્થિર કરી દે છે.અને તે નિર્મળ બુદ્ધિ સર્વ પદાર્થોને મનોમય-રૂપે જ અનુભવે છે.
સત્સંગતિથી શુદ્ધ ચિત્તવાળો થયેલો અને શાસ્ત્ર-વિચારથી વિશુદ્ધ બનેલો તે વિવેકી પુરુષ,
બહુ શુદ્ધ,કાંતિવાળો,અને સૂર્ય સમાન નિર્મળ પ્રકાશ કરનારા પોતાના પ્રકાશથી શોભે છે.

વિવેકી પુરુષ,ક્રમે કરીને સજ્જનતા પ્રાપ્ત કરે છે.શાસ્ત્રમાં કહેલા શમ-દમ-આદિ ઉત્તમ ગુણો વડે પૂર્ણ થઇ,
ભોગોનો તિરસ્કાર કરે છે અને બંધન વિનાનો થઈને રહે છે.ભોગો પ્રત્યે મમતા રહિત એવા એ વિવેકી પુરુષના મુખની કાંતિ કાંઇક અપૂર્વ-રમણીય હોય છે.મહાન પુરુષો પણ તે વિવેકી પુરુષની પ્રશંસા કરે છે.
(દૈવથી) પ્રાપ્ત થયેલા ભોગોનો દ્વેષ કરતા તેને પોતાના ચિત્તમાં લજ્જા થાય છે.ભોગોની પ્રાપ્તિ કરવામાં તે
પ્રસન્ન થતો નથી પણ ભોગોની પ્રાપ્તિ -ના જ થાય-તો તે વિશેષ પ્રસન્ન રહે છે.

જેમ અધમ પુરુષ,દૈવ-યોગે પૂર્વજન્મનું સ્મરણ થતા તેને હસી કાઢે છે,તેમ,વિવેકી પુરુષ પણ પોતાની રાગ-આદિ દોષોથી ભરેલ અને ભોગોમાં ઉત્કંઠા-વાળી પોતાની પૂર્વ-ક્રિયાઓને હસી કાઢે છે.(અંદરથી તેનો ઉપહાસ કરે છે)
એ વિવેકી પુરુષ નિરંતર ભોગોનો અનાદર કરે છે.અને,સિદ્ધ મહાત્માઓ પાસેથી પ્રાપ્ત થયેલા યોગ્ય (સિદ્ધિઓ)
ભોગો તરફ પણ તે પોતાની વિરક્ત બુદ્ધિ વડે બહુ માન આપતો નથી.
   PREVIOUS PAGE          
      INDEX PAGE