Nov 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-991

વસિષ્ઠ કહે છે કે-આ સર્વ (સૃષ્ટિ) એ અનંત,મહાચિદાકાશ-રૂપ (ચૈતન્ય-સ્વરૂપ) જ છે.
તે એક છે,શુદ્ધ છે અને સદાકાળ એકસરખી સ્થિતમાં જ રહે છે.જયારે,બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો પણ અંત લાવનારો મહા-પ્રલય આવીને ઉભો રહે છે,ત્યારે નામ-રૂપ તિરોભાવને પ્રાપ્ત થઇ જાય છે અને શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મ) જ અવશેષ રહે છે.

તે ચૈતન્યની અંદર સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ જ સંભવતું નથી.આકાર,બીજ,માયા,મોહ,ભ્રમ-આદિ પ્રકારનો કચરો તે શુદ્ધ તત્વમાં સંભવિત નથી.કેવળ શાંત,અતિ સ્વચ્છ,આદિ-અંત વિનાનું તે એક જ "સત્ય-તત્વ" છે કે જેની સામે આકાશ પણ પાષાણના જેવું સ્થૂળ છે.જયારે આ તત્વ ચૈતન્ય-રૂપે હોય છે,ત્યારે તે સર્વના અધિષ્ઠાન-રૂપ હોવાથી,"તે નથી" એમ કહી શકાતું નથી.અને જયારે તે માયા-વગેરે મેલ વિનાનું શુદ્ધ હોય છે,ત્યારે "તે આવી તરેહનું છે" એમ વર્ણવી પણ શકાતું નથી.

અર્ધ-રાત્રિ સુધીની ગાઢ નિંદ્રા પછી જાગ્રત થયેલા,સર્વ પ્રકારના વિચારમાત્રથી રહિત થયેલા,શાંતપણે સમાધિમાં આરૂઢ થયેલા તત્વવેત્તા પુરુષના ચિત્તનું જે સંકલ્પ-રહિત શેષ-રૂપ છે-તે જ પરમપદ-તત્વનું સ્વરૂપ છે.
સર્વ પદાર્થોની ઉત્પત્તિ થતાં તેની સાથે પ્રકટ થયેલ,જે કંઈ "સત્તા-સામાન્ય" સર્વત્ર રહેલ છે,તે તત્વનું સ્વરૂપ છે.
તે તત્વ (પરમપદ)માં જગતનું જે સ્પષ્ટ રૂપ દેખાય છે,તે કારણ,આકાર અને અનેક પ્રકારના ભેદવાળું હોય એમ લાગે છે,પરંતુ વસ્તુતઃ તે જગતનું કોઈ "કારણ" નથી-એટલે તે જગત થયું પણ નથી અને છે પણ નહિ.

આમ વિના કારણે જ સ્વપ્ન-આદિની જેમ દેખાતું હોય,તે જગતની સત્તા સંભવતી જ નથી.
આ વાત સર્વને પોતાની મેળે જ નિત્ય અનુભવમાં આવે છે તો તેનો નિષેધ કરવા કોણ શક્તિમાન છે?
જગતનું કારણ,એ આદિ-અંત વિનાનું,નિરવયવ અને શૂન્ય (એવું બ્રહ્મ) સંભવી શકે નહિ.
બ્રહ્મની અંદર જે કંઈ એ જગતનું રૂપ ભાસે છે,તે બ્રહ્મના વિવર્ત-રૂપે જ ભાસે છે.
એટલે પદાર્થોના આકારો જે બ્રહ્મની અંદર ભાસે છે,તે ભ્રાંતિ વડે જ અનુભવમાં આવે છે.

બાકી બ્રહ્મ તો સર્વ-રૂપ છે,શાંત છે,એક ચૈતન્યરૂપ છે,અજન્મા છે,દ્વૈત-અદ્વૈત આદિ-ભાવથી રહિત (નિર્વિકાર) છે.
પૂર્ણ-બ્રહ્મમાંથી જ આ જગત પૂર્ણ-બ્રહ્મરૂપે જ ઉદય પામીને સર્વત્ર ફેલાઈને (પ્રકાશીને) રહ્યું છે,અને પૂર્ણ-બ્રહ્મમાં પૂર્ણ-બ્રહ્મરૂપે જ રહ્યું છે,કે જે બ્રહ્મ શાંત,નિર્વિકાર અને અજન્મા છે.તે આકાશ જેવું નિર્મળ,એકરૂપ,સર્વરૂપ છે.
તે સદરૂપ પણ છે અને અસદરૂપ પણ છે.તે નિર્વાણ-રૂપ,આદિરૂપ અને ઉત્તમ જ્ઞાનરુપ છે.

(૫૪) સર્વ પદાર્થો ચૈતન્યસ્વરૂપ છે

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મ પોતે જ ચિદાકાશની અંદર અનેક પ્રકારે વિવર્ત-ભાવથી ભાસી રહ્યું છે.અને જગત શબ્દના અર્થ-રૂપ પણ તે જ છે.વસ્તુતઃ તો તે બ્રહ્મ જન્મ-આદિ વિકારથી રહિત છે.તમે,હું અને જગત વગેરે શબ્દોના અર્થ-રૂપ,બ્રહ્મ પોતે જ,જગતરૂપે રહેલું ભાસે છે,પરંતુ વસ્તુતઃ તો તેમ છે જ નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE