Nov 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-992

આ સર્વ જગત,એ સમુદ્ર,પર્વત,પૃથ્વી-વગેરે વિકારવાળું દેખાય છે છતાં તે નિર્વિકાર બ્રહ્મરૂપે જ રહ્યું છે.
એવી રીતે દૃશ્ય (જગત) નો જે દૃષ્ટા (આત્મા) છે -તેને પણ દૃશ્યના સંબંધથી જુદો પાડી વિવેક વડે વિચારવામાં આવે તો,તે (આત્મા કે દૃષ્ટા) પોતાના ચૈતન્ય-સ્વરૂપમાં જ રહ્યો છે.તે દૃષ્ટા કર્તા જણાતો હોવા છતાં પણ
"કર્તવ્ય(કાર્ય) ના અને કારણ"ના -અભાવને લીધે,વસ્તુતઃ તો તે અકર્તા જ છે.

આ પ્રમાણે સર્વ બાબતમાં સૂક્ષ્મ-દૃષ્ટિથી વિચાર કરીએ તો-દૃષ્ટાપણું પણ નથી,કર્તાપણું પણ નથી,ભોકતાપણું પણ નથી,જડપણું પણ નથી,શૂન્યપણું પણ નથી,પદાર્થોનું અસ્તિત્વ પણ નથી અને સર્વ આકાશરૂપ છે-તેમ પણ નથી,
પરંતુ જન્મ-આદિ વિકાર વિનાનું સર્વવ્યાપી,શાંત,અનાદિ,અનંત એક સત્ય-તત્વ છે,
અને-તે સત્ય-તત્વ સર્વત્ર ચૈતન્ય-રૂપે એકરસ થઇ રહેલું છે.વિધિ તથા નિષેધ-એ બંનેનું જે એક અધિષ્ઠાન છે,
તે જ વિવર્ત-રૂપે આ સર્વ આકારે ફેલાઈ રહેલું ભાસે છે.

તે ચિદાકાશ,જન્મ-મરણ આદિ વિકારોથી રહિત છે,છતાં, તે એક-તત્વ,
જીવ-ભાવ-રૂપે વિકારને (દ્વિત્વને) પામીને દૃષ્ટા-પણા અને દૃશ્ય-પણાને પણ (કલ્પનાથી) પ્રાપ્ત થાય છે.
તે પરમ ચિદાકાશની અંદર આ જગત (કલ્પનાથી) સ્વપ્નનગરની જેમ ભાસે છે.અને નિષ્પ્રપંચ એવું બ્રહ્મ જ જીવ-રૂપે વિભાગને (દ્વિત્વને) પ્રાપ્ત થતાં આ જગતને આકારે થઇ રહ્યું છે.માટે સર્વને આકારે દેખવામાં આવતું જગત,એ પ્રથમ જેવું નિષ્પ્રપંચ બ્રહ્મરૂપ હતું તેવું જ સદાકાળ છે-એમ તમે સમજો.

જેમ,ગમે તેટલો પ્રયત્ન કરો,તો પણ સસલાનું શિંગડું મળી શકે નહિ,તેમ,જગતનું "કારણ" કેમેય મળતું નથી.
એટલે -જે (જગત) વિના "કારણ" ભાસ્યા કરે છે,તે ભ્રાંતિરૂપ છે,તેથી તે વસ્તુતઃ હોઈ શકે નહિ,
"કારણ" વિના જે કંઈ આ સર્વ પ્રપંચ-રૂપે (જગત) દેખાય છે,તે દૃષ્ટા-ચૈતન્ય પોતે જ ભાસે છે.

આત્મ-ચૈતન્ય,ક્ષણમાત્રમાં (ચાક્ષુષ-વૃત્તિ દ્વારા) એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં પહોંચે છે,ત્યારે વચમાં જે તેનું નિર્વિષય રૂપ છે તે જ ચૈતન્ય-તત્વનું વાસ્તવ સ્વરૂપ છે.કે જે પોતાના સ્વરૂપને છોડતું નથી અને સર્વ પદાર્થોને આકારે શોભી રહે છે.વસ્તુતઃ ચૈતન્ય-સ્વરૂપ-આત્મા તો આકાશથી પણ સૂક્ષ્મ છે,અને તે જ વિવર્ત-રૂપે પદાર્થોના આકારે દેખાય છે.(આ બાબતમાં સ્વપ્નમાં દેખાતો મનથી કલ્પેલો પર્વત જ દૃષ્ટાંત-રૂપ છે)

રામ પૂછે છે કે-હે મહારાજ,જેમ વડના બીજની અંદર ભાવિનું મહાન વટવૃક્ષ રહેલું છે,
તેમ પરમ સૂક્ષ્મ પરબ્રહ્મની અંદર આ સૃષ્ટિ શા માટે રહી નથી?

વસિષ્ઠ કહે છે કે-બીજ,એ પૃથ્વી-જળ-આદિ સહકારી કારણોનો સંયોગ થતાં વૃક્ષ-રૂપે થાય છે,
પણ જયારે સર્વ પંચમહાભૂતો અને સર્વ પ્રાણીમાત્ર-આદિનો પ્રલય થઇ જાય છે,ત્યારે જેનાથી જગત ઉત્પન્ન થાય એવું આકાર-વાળું બીજ ક્યાંથી હોય?તેનું સહકારી કારણ (પૃથ્વી-જળ વગેરે) પણ ક્યાંથી હોય?
પરબ્રહ્મ તો નિરવયવ છે,તો તેમાં આકારની (બીજની) કલ્પના ક્યાંથી હોય?
એ બ્રહ્મમાં,પરમાણુ-પણાનો યોગ પણ સંભવતો નથી,તો તેમાં બીજ-ભાવ ક્યાંથી જ રહી શકે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE