Nov 24, 2017

પતંજલિના યોગસૂત્રો-6-Yogsutra of Patanjali-Gujarati

विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम्  (૮)
વિપર્યય એટલે મિથ્યા (ખોટું) જ્ઞાન.વસ્તુ નુ જે સાચું સ્વરૂપ છે તેનાથી ઉલટું દેખવું તે. (૮)
ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ નો એક બીજો પ્રકાર છે-વિપર્યય.કે જેમાં એક વસ્તુ,બીજી વસ્તુમાં ભૂલ થી (ખોટી રીતે) જણાય.જેમકે છીપનો ટુકડો ભૂલથી ચાંદીનો ટુકડો જણાય.

  • शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः  (૯)

"વિકલ્પ"  એટલે જેમાં "શબ્દ" નું જ જ્ઞાન હોય,પણ તેની પાછળ વસ્તુ ના હોય તે "શબ્દ-ભ્રમ"

વૃત્તિઓનો એક ત્રીજો પ્રકાર છે,કે જેને વિકલ્પ કહેવામાં આવે છે.
એક "શબ્દ" નું ઉચ્ચારણ થયું,અને તેના અર્થનો વિચાર ના કરતાં,તરત એક નિર્ણય -બાંધી લેવો,
એ ચિત્તની નિર્બળતાની નિશાની છે.માત્ર પુસ્તકિયા જ્ઞાનનું પણ આવું જ છે.

  • अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा (૧૦)

અભાવની લાગણીને આધારે ઉઠતી,વૃત્તિ -તે નિંદ્રા.(૧૦)

વૃત્તિઓનો એક ચોથો પ્રકાર છે કે જેને કહેવામાં આવે છે-નિંદ્રા
મનને ના ગમતી લાગણીઓથી બગાસાં આવી નિંદ્રાની વૃત્તિ થાય છે,કે પછી,
"મન થાકી ગયું" એવી લાગણીથી પણ મનુષ્ય નિંદ્રામાં "પ્રવૃત્ત" થાય છે.

  • अनुभूतविषयासंप्रमोषः स्मृतिः  (૧૧)

અનુભવેલા પદાર્થો મનમાંથી ભૂંસાઈ ન જાય,ત્યારે તેને સ્મૃતિ (સ્મરણ-કે-યાદ-દાસ્ત) કહે છે.(૧૧)

વૃત્તિઓનો એક પાંચમો પ્રકાર છે અને તે છે -સ્મૃતિ (સ્મરણ-કે-યાદ-દાસ્ત)

સ્મૃતિ-એ -પ્રત્યક્ષ (અનુભવેલું-સાચું) જ્ઞાન,મિથ્યા (નહિ અનુભવેલા-સાંભળેલા-કે વાંચેલા) જ્ઞાન,
શાબ્દિક-વિકલ્પ (જેમકે-સંસ્કારો) કે નિંદ્રામાંથી પણ આવી શકે છે.

દાખલા તરીકે-જયારે આપણે કોઈ "શબ્દ" સાંભળીએ છીએ,ત્યારે તે -
ચિત્ત-રૂપી સરોવરમાં ફેંકાયેલ એક પથ્થર જેવો છે. તે "શબ્દ" એ ચિત્તમાં એક "તરંગ" પેદા કરે છે,
અને એ એક "તરંગ" એ બીજા અસંખ્ય "તરંગો" ની હારમાળા ઉભી કરે છે,આનું સ્મરણ રહે તે "સ્મૃતિ"

તેજ પ્રમાણે-નિંદ્રામાં જયારે "નિંદ્રા-વૃત્તિ-રૂપી" વિલક્ષણ તરંગથી ચિત્તમાં "સ્મૃતિ" નો તરંગ
પેદા કરે છે -ત્યારે તેને "સ્વપ્ન" કહેવામાં આવે છે.

જે "તરંગ" (ના સ્મરણ) ને જાગ્રત અવસ્થામાં "સ્મૃતિ" કહેવામાં આવે છે-
તે જ તરંગ  (ના સ્મરણ) ને નિંદ્રા-અવસ્થામાં  "સ્વપ્ન"  કહેવામાં આવે છે.(આ પણ એક "વૃત્તિ" છે)

આપણે નિંદ્રામાંથી જયારે જાગી ઉઠીએ છીએ-ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે ઊંઘતા હતા.
નિંદ્રા દરમિયાન પણ ચિત્તની અંદર "અમુક-પ્રકારના તરંગો" હતા જ,એટલે જ તેનું સ્મરણ (સ્મૃતિ) રહે છે.