Nov 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-990

તે પરમ-તત્વ (પરમપદ-કે બ્રહ્મ) કાળરૂપ પણ નથી,મનરૂપ પણ નથી,સ્વભાવરૂપ પણ નથી,
કાર્ય-કારણરૂપ પણ નથી,દેશરૂપ કે દિશારૂપ પણ નથી,અને દેશ-કાળના મધ્યરૂપ કે અંતરૂપ પણ નથી.
તે તરત જાણવામાં આવી શકે તેવું પણ નથી તો સાવ જાણી જ ના શકાય તેવું પણ નથી.
એ અતિ સ્વચ્છ ચૈતન્ય-તત્વ તો કંઇક અવર્ણનીય જ છે.કે જે -જ્ઞાનને પ્રાપ્ત થઈને સંસારના જન્મ-મરણના ફેરામાંથી છૂટી ગયેલા અને યોગની પંચમ-ભૂમિકાને પ્રાપ્ત થયેલા મહાત્માઓના જ અનુભવમાં આવે છે.

હે રામચંદ્રજી,અહી મેં જે જે પદાર્થોનો નિષેધ કર્યો છે,તે તે પદાર્થોનો શ્રુતિ-આદિમાં પણ નિષેધ કરેલો જ છે,
આ સર્વ પદાર્થો (સમુદ્રના તરંગોની જેમ) બ્રહ્મની અંદર રહેલા પણ છે અને તત્વથી જોતાં નથી પણ રહ્યા !!
એ તત્વ સર્વ-રૂપ છે અને સર્વરૂપ પણ નથી,એ જ એની અલૌકિકતા છે.તત્વજ્ઞ જ તે જોઈ શકે છે.
આ સર્વ પદાર્થોના અભાવનો અનુભવ કરાવનારું નિર્વિકલ્પ-સમાધિ સુધીનું જ્ઞાન જ્યાં સુધી થયું નથી,
ત્યાં સુધી જ સંશયો ઉત્પન્ન થાય છે.અને આ સંશયો જ જ્ઞાનની અપૂર્ણતાનો પુરાવો આપે છે.

આત્મા સદાકાળ જગતથી અભિન્ન છે છતાં જગત આત્માથી ભિન્ન નથી.(જગતને આત્માના અંગ-રૂપ કહે છે)
જેમ સોનું,તેમાંથી બનાવેલા દાગીનાઓ-રૂપ છે,તેમ બ્રહ્મ (આત્મા-કે પરમાત્મા) પણ જગત-રૂપ છે.
આમ,બ્રહ્મ-તત્વ જ વિકારને પામ્યા વિના વિવર્ત-ભાવથી જગત-રૂપી દ્વૈત-ભાવ-વાળું થઇ રહ્યું હોય તેમ ભાસે છે.
એ તત્વ દેશ-કાળ,જાતિ,ગુણ,ક્રિયા વગેરેથી રહિત હોવા છતાં  પણ અધ્યારોપ-દૃષ્ટિથી જગતરૂપ થઇ રહ્યું છે.

એ તત્વના એક પરમાણુમાં પણ આ સમસ્ત સંસારમંડળ તેના અનેક આરંભોના આડંબર સહિત દીપી રહ્યું છે,
પરંતુ તત્વ-દૃષ્ટિથી જોતાં તે તેનામાં કશું જ દેખાતું નથી (નિરવયવ છે).અને તે અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપ જ છે.
આમ,એ તત્વ સર્વ ભાવ-વિકારથી રહિત છે,અજર છે,તો પણ શ્રુતિઓ તેને "સર્વાત્મક" કહે છે.

(૫૩) ઘટ-પટાદિક-સર્વ  બ્રહ્મરૂપ છે

રામ કહે છે કે-હે બ્રહ્મન,સ્મૃતિના વિષયમાં સ્મૃતિ-વિષયપણું,કાળમાં કાળ-પણું,આકાશમાં આકાશ-પણું,
જડમાં જડ-પણું,વાયુમાં વાયુ-પણું,વર્તમાનમાં વર્તમાન-પણું,ભવિષ્યમાં ભવિષ્ય-પણું,ચંચળમાં ચંચળ-પણું,
સાકારમાં સાકાર-પણું,ભિન્નમાં ભિન્ન-પણું,અનંતમાં અનંત-પણું,દૃશ્યમાં દૃશ્ય-પણું,અને સૃષ્ટિમાં સૃષ્ટિ-પણું
રહ્યું છે.અને આ રીતે સર્વ વસ્તુઓમાં પણ બીજાથી તેનું (પોતાનું) જુદા-પણું બતાવનાર ભાવ રહેલ છે.
આ જે જુદા-પણાનો ભાવ મારા સમજવામાં આવે તે રીતે મૂળથી માંડીને સમજાવો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE