Jan 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1036





વસિષ્ઠ કહે છે કે-જીવને મદ-શક્તિ (મદિરા-શક્તિ) જેમ કૃત્રિમ ઉત્પન્ન થયેલો માનવામાં આવે,
તો પછી દેહનો નાશ થતાં તેનો પણ નાશ થઇ જવાથી,મરી ગયેલા મનુષ્યોનું દેશાંતરમાં પિશાચ-આદિ દેહરૂપ થવું,
બીજાના શરીરમાં પ્રવેશ થવો-વગેરે જે વાત જોવામાં આવે છે-તે સિદ્ધ થતી નથી.
કદાચિત ચાર્વાક તરફથી કહેવામાં આવે કે 'હું પિશાચગ્રસ્ત છું-એવી એક જાતની ભ્રાંતિ જ મનુષ્યના મનમાં પેસી જાય છે'
તો તેમના પોતાના મત પ્રમાણે - જો 'પ્રત્યક્ષ સિવાય બીજા પ્રમાણ સ્વીકારાતાં નથી'
તો,એ 'વચનરૂપી પ્રમાણ' (ભ્રાંતિ) ને  'પ્રમાણરૂપ' ગણી શકાય નહિ.(એટલે કે તે વાત સત્ય સિદ્ધ થતી નથી)

હવે જો કેટલીક યુક્તિઓથી છ પ્રમાણો સિદ્ધ થવાને લીધે જો પ્રત્યક્ષ સિવાયનાં બીજાં પણ પ્રમાણો સ્વીકારવામાં આવે,
તો પછી તેમના (ચાર્વાકના) મત પ્રમાણે જ અનેક પ્રમાણોથી સિદ્ધ પિશાચ-આદિ ભાવ સત્ય જ ઠરે છે.
અને જો,'શબ્દ' આદિ પ્રમાણ માનતાં પરલોક-સ્વર્ગ-નરક-આદિ પણ નિર્દોષ શ્રુતિ-આદિ પ્રમાણોથી સિદ્ધ છે.
તો,તેથી તે શા માટે સત્ય ના હોય? જો પિશાચના અસ્તિત્વ વિષેના પ્રમાણને સત્ય-રૂપ ન માનવામાં આવે,
તો પછી મદ-શક્તિ (મદિરા-શક્તિ) પદાર્થના 'માદક-પણા વિષેના પ્રમાણ'ને પણ સત્યરૂપ માની શકાય નહિ.

જો કદાચિત તેને પણ સત્ય માનવામાં આવે,તો પછી,સ્વર્ગ-નરક-આદિ પરલોકની સ્થિતિ પણ કેમ અસત્ય કહી શકાય?
પિશાચ છે,એમ કેટલાંક પ્રમાણોથી સિદ્ધ થાય છે,તેથી તે સત્ય છે એમ કહીએ તો,પછી મરી ગયા પછી પરલોક છે,
એ વાત અનુભવ-બળ અને શ્રુતિબળ-આદિથી સિદ્ધ છે,તો તેમાં સત્યતા ન માની શકાય?
પિશાચના વળગાડવાળા પુરુષને પોતાના દેહમાંથી કાકતાલીય (કાગનું બેસવું ને ડાળનું પડવું) ન્યાયે,
અકસ્માત જ પિશાચની પ્રતીતિ થઇ આવે છે.તેને જો પ્રમાણરૂપ માનવામાં આવે તો,
શ્રુતિ-આદિ પ્રમાણો વડે સિદ્ધ એવી પરલોકની પ્રતીતિ-'તે પ્રતીતિ નથી જ' એમ કેમ કહી શકાય?

(જુદાજુદા વાદો વિષે વાદ-વિવાદ ના કરતાં અહીં 'અદ્વૈત' મુજબ જોઈએ તો)
સાક્ષી ચૈતન્ય,અંદર જેજે પદાર્થને જેવાજેવા રૂપે દેખે છે,તેવાતેવા રૂપે જ તેને અનુભવે છે.
પછી તે ભલે (જીવ) સત્ય હોય કે અસત્ય (પિશાચ) હોય.આ વાત અનુભવથી સિદ્ધ જ છે.
જો મરી ગયા પછી પરલોક છે-એ વાત જો યથાર્થ હોય,તો પછી દેહ વિદ્યમાન હોય ત્યારે જે દેખાય
અને અનુભવાય તે જ સત્ય અને દેહ ના હોય ત્યારની વાત અસત્ય કેમ માની શકાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE