Feb 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1061


જેનો આત્મા જ્ઞાન વડે પ્રબોધને પ્રાપ્ત થઇ ગયો હોય,તેવાઓનો 'આધિભૌતિક-દેહ' (સ્થૂળ-દેહ) શાંત થઇ જાય છે
અને તેમનો નિર્મળ બોધ (જ્ઞાન) રૂપ 'આતિવાહિક-દેહ'  (સૂક્ષ્મ-દેહ) ઉદય પામે છે.
જીવનમુક્ત પુરુષ તે બોધ-રૂપ-આતિવાહિક (સૂક્ષ્મ) દેહને,અણુ (નાનો) કે મહા (મોટો) પરિમાણ (માપ)નો બનાવી
પોતાની ઈચ્છા મુજબ રહે છે.તે અભેદ્ય એવી શિલામાં પ્રવેશ કરી શકે છે ને બહાર નીકળી શકે છે,
તથા આકાશ-પાતાળ આદિ સર્વ સ્થળોમાં (પોતાની સૂક્ષ્મતાને લીધે) જઈ-આવી શકે છે.

હે રામચંદ્રજી,તત્વજ્ઞાનીઓ આતિવાહિક (સૂક્ષ્મ) દેહને અવિનાશી-જ્ઞાન-રૂપ કહે છે.તમે પોતે પણ તત્વજ્ઞ છો,
તેથી જો તમારી ઈચ્છા થાય તો તમે આતિવાહિક-દેહનો અને ધારણા વડે જગદ-ભાવનો પણ પોતાની
મેળે જ અનુભવ કરી શકશો.તત્વજ્ઞ પુરુષો,સૂર્ય-આદિ સર્વ જગતને પોતાની ઇચ્છાથી અસ્ત પમાડી દઈ,
તેમને આત્મા-રૂપ જ સમજે છે અને 'હું તેમાં ચિદાકાશ-રૂપે રહેલ છું' એવું જાણે છે.તે પોતે આત્મા-રૂપે સત્ય છે,
છતાં આખું જગત બાધિત થઇ જવાથી,તેમને જગતનો આકાર નહિ-જેવો (આભાસ-માત્ર) જ દેખાય છે.

જાગતા પુરુષની દૃષ્ટિમાં આ જગત વિદ્યમાન છે,ને સૂતેલા પુરુષને આવેલા સ્વપ્નમાં તે જગત જાણે શૂન્યભાવે,
અજ્ઞાન-ભાવે કે ઢંકાઈને રહેલ છે,તે જ રીતે,આ જગત ઈતર પ્રાણીઓની દૃષ્ટિમાં સત્ય લાગે પણ તત્વજ્ઞની દૃષ્ટિમાં
તે જગત છે જ નહિ.જેમ,કોઈ પુરુષ મનથી અંગારાની નદી કલ્પી લે અને તેમાં નહાવા છતાં તે દુઃખના સંપર્ક વિનાનો
રહે છે,તેમ હું  (વસિષ્ઠ) પણ કંઇક ઈચ્છાનું સ્ફુરણ થવાથી,પોતાની કલ્પના વડે પાષાણ-મણિ-આદિરૂપે થઇ રહ્યો હતો,
છતાં તે સર્વ મિથ્યા જણાયાથી મને કશું દુઃખ થયું નહોતું.

હે રામચંદ્રજી,હું મહા-પ્રદિપ્ત જવાળાઓરૂપે તરત ઉત્કર્ષ પામ્યો હતો અને પાછો તરત ગલિત થઇ ગયો હતો.
તેજ-રૂપ થઇ જઈને મેં પરમાણુ જેવડા અગ્નિના તણખામાં પણ આગળ કહેલ જગતની શોભા દીઠી હતી.
એ જગતની શોભા અને આ તમારી નજરે આવતા જગતની શોભા -એ બંને ચિદાકાશથી જુદી નથી જ.

(૯૨) વાયુની ધારણાથી વાયુ-સ્વરૂપ તથા સર્વાત્મ્ય ભાવ

વસિષ્ઠ કહે છે કે-પછી જગત જોવાના કૌતુકને લીધે મેં 'ધીર-વૃત્તિ' વડે પવનની 'ધારણા' બાંધી અને હું પવન
બનીને મહા-વિસ્તારને પામ્યો.હું કમળ-આદિ ફૂલોમાં રહેલી સુગંધને સ્વાધીન કરીને તેની રક્ષા કરવા માંડ્યો.
જળ-બિંદુઓ (ઝાકળ) ને હું લીલાથી ઉડાડવા લાગ્યો અને થાકી ગયેલાં પ્રાણીઓને
શીતળતા બક્ષી તેમને પ્રફુલ્લ કરવા ઈચ્છી રહ્યો.ઘાસ,ઝાડી,લતા-વગેરેના પાંદડાઓને
હું કુશળતાથી કંપાવી રહ્યો અને ફૂલો-ફળો વગેરેની સુગંધથી સુશોભિત રહેવા લાગ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE