Feb 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1062


હું સારા (માંગલિક) સમયમાં કોમળતા,શીતળતા,મંદતા-આદિ ગુણોને ધારણ કરીને રહ્યો,
તો ઉત્પાત-કાળમાં મહા ભયંકર થઈને રહ્યો અને પ્રલય-કાળમાં મોટામોટા પર્વતોને પણ પાંદડાની જેમ
ઉડાડી દેવા લાગ્યો.મારી ગતિ બહુ ઉતાવળી હતી,તેથી હું જાણે "ચિત્ત"નો સહોદર ભાઈ હોઉં તેમ જણાતું હતું.
અને તે (ગતિવાળા) સમયે 'પવન-રૂપ' હોવાથી,હું અંગ વિનાનો હોવા છતાં,જાણે સમસ્ત અંગ-વાળો
હોઉં-તેમ જણાતું હતું.બીજાઓના મોટામોટા શ્રમને દૂર કરવામાં હું મારા પોતાના શ્રમનો વિચાર કરતો નહોતો.

હું આકાશ-રૂપી પુષ્પના સુગંધ જેવો દેખાતો હતો,આથી આકાશના ગુણરૂપ "શબ્દ" નો
પણ સહોદર ભાઈ હોઉં તેમ દેખાતું હતું.હું પ્રાણીઓના અંગ-ઉપાંગોમાં પ્રવેશ કરતો હતો
અને 'નાડી-રૂપી નાળ'માં હું  (વાયુ) 'પાણીની જેમ' વહ્યા કરતો હતો.(નોંધ-નાડીઓ એ વાયુ-રૂપી છે !!)
હું સર્વ પ્રાણીઓના પ્રાણ-રૂપ હોવાથી તેમના મર્મસ્થાનમાં કામ કરનારાં
સર્વ પિત્ત-કફ વગેરેનો આત્મા જેવો જ હતો.હૃદય-રૂપી ગુફામાં હું કેસરી-સિંહની જેમ ઘર કરી રહ્યો હતો.

પ્રાણ અને અપાનની કળા-રૂપી-રજ્જુ વડે હું પ્રાણીઓનાં શરીરો-રૂપી-યંત્રોને ચલાવતો હતો.
આમ,ઘી-વગેરેને જમાવી દેવું,પાણી-વગેરેને શોષી જવું,મેઘ-વગેરેને ધારણ કરી રાખવું,ઘાસ-આદિને કંપાવવું,
ગંધને લઇ જવી અને તાપને દુર કરવો-એ છ કર્મ કરવાને લીધે-મને એક ક્ષણમાત્ર પણ વિશ્રામ મળતો નહોતો.
મેં એ વાયુ-ભાવની અંદર એક પરમાણુ જેવડા સૂક્ષ્મ-ભાગમાં પણ સર્વ જગતને જોયું હતું.

આવી રીતે હું,જોકે (પંચમહાભૂત બની) સંપૂર્ણ જગત-રૂપ થઇ રહ્યો  હતો,છતાં એ સઘળું માયા-માત્ર હોવાથી
હું કોઈ ઠેકાણે (તે પંચમહાભૂતોમાં) વ્યાપ્ત પણ થઇ રહ્યો નહોતો.એટલેકે મારી અંદર આરોપિત દૃષ્ટિએ લાખો જગત
રહેલાં છે પણ તાત્વિક દૃષ્ટિએ કશું રહ્યું નથી.અધિષ્ઠાન ચૈતન્યની અંદર જે ચમત્કાર (માયા) રહેલ છે,
તે બહાર આવીને જગતમાં પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે,અને તે જ નજરે આવતી સૃષ્ટિ છે.

કોઈ પણ દેશ-કાળમાં જે કંઈ અનુભવમાં આવે છે,જે કંઈ કરવામાં આવે છે
અને જે કંઈ દુઃખ આદિનો આભાસ દેખાય છે,તે પરબ્રહ્મના ચમત્કાર વિના બીજી કોઈ રીતે દેખાતું નથી.
'સર્વના આશ્રય-રૂપ,સર્વ-વ્યાપી અને સર્વના આત્મા-રૂપ પરમાત્મા જ સર્વત્ર સર્વ-રૂપે  થઇ રહેલ છે'
એમ વિવેકીઓ સમજે છે,બાકી અવિવેકીઓની સમજણ કેવી છે? તે હું સમજી શકતો નથી,
આકાશના જેવા નિરાકાર,નિર્વિકાર અને મહા-વિશાળ એવા ચિદાત્માના સ્વરૂપમાં
આ જે સૃષ્ટિની પરંપરા નિરંતર ભાસ્યા કરે છે,તે તે ચિદાકાશની અંદર 'આરોપિત' રીતે જ રહેલી છે.

(૯૩) વસિષ્ઠને થયેલો સિદ્ધનો સમાગમ

વસિષ્ઠ કહે છે કે-પછી 'કૌતુક જોવાની ઈચ્છા'થી હું પ્રયત્ન-પૂર્વક વિરામ પામ્યો અને આકાશમાં રહેલી મારી પર્ણકુટીમાં
પાછો આવ્યો.ત્યાં આવી મેં ચારે બાજુ જોવા માંડ્યું,તો કોઈ પણ ઠેકાણે મને મારો પોતાનો દેહ જોવામાં આવ્યો નહિ
પણ ત્યાં એક સિદ્ધ-પુરુષ,સમાધિનિષ્ઠ થઈને બેઠેલા મારા જોવામાં આવ્યા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE